News of Monday, 20th January 2025
રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ ૧૦ હજારની લાંચ લેતા પકડાયા
હેરાન નહિ કરવા માટે મોબાઇલ ચોરીના આરોપીના ભાઇ પાસેથી લાંચ માંગનાર જમાદાર વેલાભાઇ ભરવાડને એસીબીએ રંગે હાથે ઝડપી લીધો : લાંચ લેતા પકડાયેલ જમાદાર વેલાભાઇ ભરવાડની બે દિ' પુર્વે જ અમદાવાદથી રાજકોટ રેલ્વેમાં બદલી થઇ'તીઃ ડીવાયએસપી કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ વધુ એક લાંચીયા કર્મચારી ઝડપાયો

રાજકોટ, તા., ર૦: રાજકોટ રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલને આજે સવારે ૧૦ હજાર લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેલ્વે પોલીસ મથકની હદમાં મોબાઇલ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપીને હેરાન નહિ કરવા માટે આરોપીના ભાઇ પાસેથી રેલ્વે પોલીસના જમાદાર વેલાભાઇ ભરવાડે ૧૦ હજારની લાંચની માંગણી કરતા આરોપીના ભાઇએ એસીબીનો સંપર્ક કરતા રાજકોટ એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પીઆઇ વિરાણીના માર્ગદર્શન હેઠળ આજે લાંચનું છટકું ગોઠવાયું હતું. જેમાં રેલ્વે પોલીસના જમાદાર વેલાભાઇ ભરવાડ ૧૦ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
લાંચ લેતા પકડાયેલ રેલ્વે પોલીસના જમાદાર વેલાભાઇ ભરવાડ અમદાવાદથી બે દિ' પુર્વે જ રાજકોટ રેલ્વે પોલીસમાં બદલી થઇ આવેલા હતા અને આજે લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા.
લાંચ લેતા પકડાયેલ રેલ્વે પોલીસના જમાદાર વેલાભાઇ ભરવાડ સામે એસીબીએ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(2:58 PM IST)










