<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

રેલનગરના યુવાન પાસેથી ફસાયેલા નાણાની પતાવટના બહાને ન્‍યુઝ પોર્ટલના સંચાલક અને સાગ્રીતે રૂા.પાંચ લાખ પડાવ્‍યા

બેંક લોનનું કામ કરતાં મયુર ગોહેલે રૂા. ૭.૯૨ લાખ અંકિત અને નૈમિષને ઉછીના આપ્‍યા હતાં: બંને રકમ પાછી આપવાને બદલે ધમકી અપાવતાં હતાં: આ હેરાનગતી ન થાય એ માટે મેટર પતાવી દેવા માટે ન્‍યુઝ પોર્ટલના હિરેન મકવાણા અને સાગ્રીત નિલેષ ઉર્ફ ગોપાળે પાંચ લાખ માંગ્‍યાઃ મયુરે ૫૦ હજાર આપ્‍યા, બાકીના ૪ાા લાખ અપહરણ-મર્ડર કરાવી નાંખવાની ધમકી દઇ પડાવ્‍યાઃ મયુરે નાણા પાછા માંગતા અપમાનીત કરી ધમકી અપાઇઃ ગાંધીગ્રામ પોલીસે નિલેષને પકડયોઃ હિરેનની શોધખોળ

રાજકોટ તા. ૨૦: શહેરના રેલનગરમાં રહેતાં અને બેંકીંગ લોનનું કામ કરતાં યુવાને બે શખ્‍સને હાથ ઉછીની રકમ આપી હોઇ તે રકમ આ બંને પાછી ન આપતાં હોઇ અને ઉઘરાણી કરતાં ધમકી આપતાં હોઇ યુવાને પોતાના પરિચીત પરસાણાનગરના શખ્‍સને જાણ કરતાં તેણે  પોતાને ન્‍યુઝ પોર્ટલ ચલાવતો શખ્‍સ ઓળખે છે તેના મારફત તમારા પૈસા કઢાવી આપીશ કહેતાં ન્‍યુઝ પોર્ટલના કહેવાતા પત્રકારે રૂપિયા પાંચ લાખ આ કામની પતાવટના થશે તેમ કહી પહેલા પચાસ હજાર મેળવી લઇ બાદમાં મર્ડર કરાવવાની કે અપહરણ કરાવવાની ધમકી દઇ વધુ સાડાચાર લાખ પડાવી લીધા હોઇ આ રકમ પાછી માંગતા પૈસા પાછા નથી આપવા કહી ધમકી આપી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એક આરોપીને પકડી લીધો છે. પોતાને પત્રકાર તરીકે ઓળખાવતાં શખ્‍સની શોધખોળ થઇ રહી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રેલનગર-૬ પેટ્રોલ પંપ સામેની શેરીમાં અવધ પાર્ક-૫માં રહેતાં મયુરભાઇ રાજેશભાઇ ગોહેલ (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ ગોૈતમનગર-૩ના હિરેન ભીખુભાઇ મકવાણા, જામનગર રોડ પરસાણાનગર જ્‍યોતિ પાર્કના નિલેષ ઉર્ફ ગોપાળ અશોકભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ ધમકી, એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્‍યો છે.

મયુરભાઇ ગોહેલે ફરિયાદમાં જણાવાયુ છે કે તેણે મયુર તથા  નૈમિષ અને અંકિતને વર્ષ ૨૦૨૪ના ઓગષ્‍ટ મહિનામાં રૂા. ૭,૯૨,૫૦૦ હાથ ઉછીના આપ્‍યા હતાં. તે રકમ પાછી ન આવતાં આ અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યો હોઇ જેના કારણે આ બંનેના માણસો મયુરભાઇને ધમકી આપતાં હોઇ અને હેરાન કરતાં હોઇ મયુરે આ બાબતે પરીચીત એવા પરસાણાનગરના નિલેષ ઉર્ફ ગોપાળ અશોકભાઇ ચોૈહાણને વાત કરતાં નિલેષે પોતાનો પરિચીત હિરેન મકવાણા-કોળી જે ગોૈતમનગર-૩ ગાંધીગ્રામમાં રહે છે અને ન્‍યુઝ પોર્ટલ ચલાવે છે તેના મારફત પતી શકે તેમ કહી હિરેનની મુલાકાત કરાવી હતી.

જે તે વખતે હિરેન અને નિલેષ ઉર્ફ ગોપાળે મળી મયુરભાઇને કહેલુ કે તમારે જો આ મેટરમાંથી બહાર નીકળવું હોય તો તેની પતાવટના પાંચ લાખ રૂપિયા થશે. આથી ફરિયાદી મયુરભાઇએ હા પાડી તા. ૧/૯/૨૪ના રોજ હિરેન અને નિલેષને રૂા. ૫૦ હજાર આપ્‍યા હતાં. ત્‍યારબાદ તેની પાસે વધુ પૈસાની વ્‍યવસ્‍થા ન થઇ હોઇ બાકીના રૂા. ૪,૫૦,૦૦૦ આપ્‍યા નહોતાં. બીજી તરફ હિરેન અને નિલેષે જો તું બાકીના રૂપિયા નહિ દે તો તારું અપહરણ કે મર્ડર કરાવી નાખશું તેવી ધમકી આપી વધુ રૂપિયા ૪,૫૦,૦૦૦ પડાવી લીધા હતાં. આ રકમ મયુભાઇએ પાછી માંગતા હિરેને હું પૈસા પાછા આપવાનો નથી, તમારાથી કંઇ ન થાય તેમ કહી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી આપી હતી.અંતે આ મામલે મયુરભાઇ ગોહેલે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. મકરાણીએ એફઆઇઆર દાખલ કરી હતી. એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં એક આરોપી નિલેષ ઉર્ફ ગોપાળ આશોકભાઇ ચોૈહાણની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજા આરોપી હિરેનની શોધખોળ થઇ રહી છે. આ મામલે વધુ તપાસ એસીપી પટેલ ચલાવી રહ્યા છે.

(2:58 PM IST)