<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

રાજકોટની ભાગોળે સૌરાષ્‍ટ્ર-કચ્‍છની સૌ પ્રથમ સ્‍ટેલીયન ટ્રેઇલ્‍સ ૪×૪ ઓફ રોડીંગ યોજાઇ : ૪૦ થી વધુ જીપ-એસયુવી ચાલકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

વિપરીત ભૌગોલીક પરિસ્‍થિતિમાં ૪×૪ ગીયર્સ, ડીફરેન્‍સીયલ લોક અને ટ્રેકશન કંટ્રોલનો કઇ રીતે ઉપયોગ કરી વ્‍હીકલ સલામત રીતે બહાર લાવી શકાય તેની અવેરનેસના હેતુ સાથે યોજાયેલી સ્‍ટેલીયન ટ્રેઇલ્‍સમાં ઉબડખાબડ, ટેકરાળ અને કાદવથી ભરેલા મોટા ખાડાઓ સહિત ૧૨થી વધુ હર્ડલ્‍સ ઉભા કરાયા હતા

રાજકોટઃ સ્‍ટેલીયન ટ્રેઇલ્‍સ ઓફ રોડીંગમાં પોતાના વાહનો વિકટ ભૌગોલીક  પરિસ્‍થિતીમાં કયા ગીયર્સ અને કઇ સીસ્‍ટમનો  ઉપયોગ કરી ચાલક અને મુસાફરો સાથે સલામત રીતે બહાર લાવવા તેનો પ્રેકટીકલ  અનુભવ લેતા સાહસીક વાહન ચાલકો તસ્‍વીરમાં નજરે પડે છે. જુદી-જુદી જીપો અને એસયુવી વ્‍હીકલોએ ઉબડખાબડ અને કાદવકીચડયુકત મોટા ખાડાઓ પોતાની સુઝબુઝ અને આયોજકોના સજેશનો ઉપર ધ્‍યાન આપી ઉભા કરવામાં આવેલા હર્ડલ્‍સ (અડચણો) સલામત રીતે પાર કરી હતી તે  તાદ્રશ્‍ય થાય છે. :  રાજકોટઃ શહેરની ભાગોળે ૪×૪ વ્‍હીકલ માટે અનોખી ઓફ રોડીંગ સ્‍પર્ધા વાહન ચાલકોમાં જાગૃતી માટે યોજાઇ હતી. જેની માહિતી આયોજકો સર્વશ્રી કુલદીપસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ વાઘેલાએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી ત્‍યારની તસ્‍વીરમાં સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે.

રાજકોટ, તા., ર૦ : તાજેતરમાં તા.૧૧ જાન્‍યુઆરીના રોજ રાજકોટ ભાગોળે કાલાવડ રોડ પર ઇશ્વરીયા ગામની સીમમાં એક અનોખી ઓફ રોડીંગ ‘સ્‍ટેલીયન ટ્રેઇલ્‍સ'   યોજાઇ હતી. આ આયોજન રાજકોટના ૬ જેટલા ઉત્‍સાહી અને એડવેન્‍ચરસ યુવાનોએ કર્યુ હતું. જેમાં જીપ અને એસયુવી કેટેગરીના  ૪૦ જેટલા વાહન ચાલકોએ ભાગ લીધો હતો. આ આયોજનનો ઉદ્દેશ્‍ય વિપરીત ભૌગલીક સ્‍થિતિમાં ફસાયેલા વાહનોને બહાર કેમ કાઢવા ? અને ૪×૪ ગીયર્સનો ઉપયોગ કયારે કરવો જોઇએ ? કેટલા ડીગ્રી સુધી વ્‍હીકલને કોઇ નુકશાન નહિ થાય ? ટ્રેકશન કંટ્રોલ કઇ રીતે કામ કરે છે ? સહીતની ટેકનીકલ  સમજ વાહન ચાલકોને આપવાનો હતો. જેથી કરી ઉબડખાબડ, ડુંગરાળ પ્રદેશો, વોટર લોગીંગ  જેવી સ્‍થિતિમાં તમારી પાસેનું વાહન કઇ રીતે સલામત બહાર લાવી શકો તેની જાણકારી ભાગ લેનાર વાહન ચાલકોને મળી શકી હતી.

આ અંગેની માહિતી અકિલાના મોભી  શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ આયોજકો  સર્વશ્રી કુલદીપસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ વાઘેલાએ આપી હતી. અમદાવાદ નજીકના આંબોડમાં  છેલ્લે આ પ્રકારનું આયોજન થયું હતું. જો કે અત્‍યાર સુધીમાં જે તે ઓટોમોબાઇલ્‍સ કંપનીઓ દ્વારા પોતાના વ્‍હીકલના માર્કેટીંગ માટે આવા આયોજનો થતા હતા. પરંતુ વ્‍હીકલ ચાલકોમાં પોતાના વ્‍હીકલની કેપેસીટી અને તેમાં રહેલી સિસ્‍ટમ્‍સના યોગ્‍ય ઉપયોગ વિષે અવેરનેસ લાવવાના હેતુથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આ આયોજન સૌ પ્રથમ કરવામાં આવ્‍યાનું આયોજકોએ જણાવ્‍યું હતું.

ભારે વરસાદમાં વોટર લોગીંગના કારણે  ફસાયેલા કે ઉબડખાબડ અને ડુંગરાળ  ભૌગોલીક સ્‍થિતિમાં ફસાયેલા વાહન ચાલકોને પોતાના વાહનોની કેપેસીટી અંગે ખબર ન હોવાથી તેનો યોગ્‍ય ઉપયોગ કરી શકતા નથી. અત્‍યારે યુવાનોમાં ૪×૪ વ્‍હીકલ્‍સ વસાવવાનો અને ચલાવવાનો ક્રેઝ વધી રહયો છે. પણ મોટાભાગના યુવાનોને તેમના વ્‍હીકલમાં ૪×૪ ગીયર્સનો ઉપયોગ કયારે કરવો જોઇએ ? ડીફરેન્‍સીયલ લોક મેન્‍યુઅલ હોય કે ઓટોમેટીક તે કઇ સ્‍થિતિમાં ઓન-ઓફ કરવું જોઇએ ? તેની માહીતી હોતી નથી જેને લઇને સક્ષમ વ્‍હીકલ ધરાવતા હોવા છતા કયારેક તકલીફોનો અનુભવ કરવો પડતો હોય છે.  દેશભરમાંથી લેહ-લડાખ જેવા વિકટ ભૌગોલીક પ્રદેશોમાં બાઇક કે ફોર વ્‍હીલ લઇને પ્રવાસના સામુહીક આયોજનો થતા હોય છે. આ ઉપરાંત સાહસીક યુવાનો પોતાના પરિવાર સાથે આવા વિસ્‍તારોમાં પ્રવાસ ખેડતા હોય છે. આ વચ્‍ચે રાજકોટની ભાગોળે યોજાયેલી સ્‍ટેલીયન ટ્રેઇલ્‍સ ઓફ રોડીંગમાં ૪૦ જેટલા વ્‍હીકલ સાથે ડ્રાઇવર અને કોડ્રાઇવર ઉતર્યા હતા અને ૩ એકરના સરકર્યુલર રૂટમાં તૈયાર કરવામાં આવેલ ‘હર્ડલ્‍સ' (અડચણરૂપી ટ્રેક) આયોજકો દ્વારા વીએચએફ ગાઇડથી અપાતી માહીતીને ધ્‍યાને લઇ પસાર કર્યા હતા.

સ્‍પીડ બ્રેકર, ચીકન હોલ્‍સ, એકસેલ ટવીસ્‍ટર, લોંગ એકસેલ ટવીસ્‍ટર, થર્ટી ડીગ્રી સાઇડ એંગલ ડ્રાઇવર સાઇડ, થર્ટી ડીગ્રી સાઇડ એંગલ કોડ્રાઇવર સાઇડ, ક્રોસ એંગલ (સજેસ્‍ટેડ), મડ પોન્‍ડ (કાદવ-કીચડયુકત મોટો ખાડો), વોટર વોડીંગ અને હિલ એસેન્‍ટ-ડીસેન્‍ટ કંટ્રોલ જેવા હર્ડલ્‍સ સ્‍પર્ધામાં ઉભા કરવામાં આવ્‍યા હતા. જે સ્‍પર્ધકોએ પોતાની સુઝબુઝ અને આયોજકોના સજેશનથી પાર કર્યા હતા. આ આયોજનમાં લોએસ્‍ટ ગ્રાઉન્‍ડ કલીયરન્‍સ ધરાવતી નિશાન એકસ્‍ટ્રેઇલ અને જીપ કંપાસથી લઇ હાઇએસ્‍ટ ગ્રાઉન્‍ડ કલીયરન્‍સ ધરાવતી ગુરખા જીપ અને ટોયેટો હાઇલ્‍યુકસ ઉપરાંત લેન્‍ડરોવર ડીસ્‍કવરી, વીલીઝ જીપ, મહીન્‍દ્રા એન્‍ડ મહીન્‍દ્રા સીવીલીયન જીપ, મારૂતી જીપ્‍સી, થાર સહીતના અનેક ૪×૪ વ્‍હીકલોએ અવેરનેસ હેતુસર યોજાયેલી સ્‍પર્ધામાં ધુમ મચાવી હતી.

આ આયોજનમાં રીશી પટેલ (થાર), અદિતાંશુ જાડેજા (થાર), દેવ તળાવીયા (પજેરો), સન્ની ચૌહાણ (થાર), યશરાજ જાડેજા (થાર), નીલરાજસિંહ રાઠોડ (હાઇલ્‍યુકસ), ભાવીક મહેતા (ફોર્ચ્‍યુનર), શશાંક માંડલીયા (સ્‍કોડા કોડીયાક), વિશાલ શાહ (ફોર્ચ્‍યુનર) , સુરેશ કારાવદરા (એકસ્‍ટ્રેઇલ), નીરવ શેઠ (થાર), લાલભાઇ ડોડીયા (વીલીઝ જીપ), એટલાન્‍ટીસ હોસ્‍પીટલ (કંપાસ જીપ), રોહીત ચૌહાણ (મેરીડીયન), કિશાન ગાજીપરા (જીપ કંપાસ), રાહુલ વિઠલાણી (ટ્રેઇલ હોક), મિલન ફીચડીયા (જીપ), દીશીતભાઇ (મેરીડીયન), દિપ રાણીપાટ (સીજે૩બી જીપ), ધર્મરાજસિંહ જાડેજા (જીપ્‍સી), મીલન મુંધવા (જીપ્‍સી), યુવરાજસિંહ જાડેજા (થાર), દિલીપસિંહ જાડેજા વેજાગામ (થાર), નીલમબા ઝાલા (થાર) સહિતના ઓફ રોડીંગ ડ્રાઇવના શોખીનોએ ભાગ લીધો હતો.

આ આયોજન કુલદીપસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ વાઘેલા, રૂષીરાજસિંહ જાડેજા, યશવર્ધનસિંહ વાઘેલા, કર્ણદેવસિંહ વાઘેલા, સત્‍યજીતસિંહ વાઘેલા સહીતના સાહસીક અને ઉત્‍સાહી યુવકોએ કર્યુ હતું. આવતા દિવસોમાં વિવિધ ઋતુઓમાં પણ આવા આયોજન કરવાની આયોજકોએ નેમ જાહેર કરી હતી.

(3:04 PM IST)