<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

હિરાસર એરપોર્ટઃ નવુ ટર્મીનલ રર હજાર ચોરસ મીટરમાં ફેલાયેલુ છે...એટીસી ટાવર-૪ એરોબ્રીજ મૂકાયાઃ ૧૪ વિમાનો એકી સાથે પાર્ક થશે

૧૮૦૦ થી વધુ મુસાફરો સાચવી શકાશેઃ દર કલાકે ૩૦૦ મુસાફરોની અવરજવરઃ ર૬૦ સીસીટી કેમેરા લગાવાયા : એરબસ-બોઇંગ જેવા વિમાનોની સુવિધા મળશેઃ બે ટેકસી-વેઃ સાત બોર્ડિંગ ગેટઃ બે કસ્‍ટમ કાઉન્‍ટર અને ૮ ઇમિગ્રેશન કાઉન્‍ટર

રાજકોટ તા.૨૦: અત્રેથી ૩૦ કિ.મી. દુર હિરાસર નજીક બનાવવામાં આવેલા રાજ્‍યના પ્રથમ ગ્રીનફિલ્‍ડ એરપોર્ટનું જુલાઈ ૨૦૨૩માં લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. મુસાફરોને માટે આધુનિક સુવિધા સાથેનું આલિશાન ટર્મિનલ બનીને તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ લોકો માટે તે ખુલ્લું મૂકાશે. જોકે ઇન્‍ટરનેશનલ એરપોર્ટને દોઢ વર્ષ થવા છતાં ઇન્‍ટરનેશનલ ફ્‌લાઇટ શરૂ થઈ નથી. લોકાર્પણ માટે વડાપ્રધાનનો સમય માગવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.

ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્‍ડ એરપોર્ટનું મુખ્‍ય ટર્મિનલ તૈયાર થઈ જતા તાજેતરમાં ડાયરેક્‍ટર જનરલ-સિવિલ એવિએશનના અધિકારીઓએ નવા ટર્મિનલ બિલ્‍ડીંગની સમીક્ષા પણ કરી હતી. ૨૩,૦૦૦ ચોરસ મીટર વિસ્‍તારમાં ફેલાયેલ આ ટર્મિનલમા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર, લોકો ટર્મિનલમાંથી સીધા ફ્‌લાઈટમાં પહોંચી શકે તે માટે ૪ એરોબ્રિજ મુકવામાં આવ્‍યા છે. એરોબ્રિજ મુકવાથી દરેક ફલાઈટના ઓપરેશન વચ્‍ચે ૨૦ મિનિટ જેટલો સમયગાળો બચી જશે.

આ ઉપરાંત સુરક્ષાને ધ્‍યાનમાં રાખી ૨૫૬ જેટલા CCTV કેમેરા, તેમજ ૧૪ એરક્રાફ્‌ટના ર્પાકિંગ માટે એપ્રન પણ છે. નવા ટર્મિનલમાં ૩ કન્‍વેયર બેલ્‍ટ, ૨૦ જેટલાં ચેક ઇન કાઉન્‍ટર, ૧૮૦૦થી વધારે મુસાફરોને હેન્‍ડલ કરી શકાય એ પ્રકારની વ્‍યવસ્‍થા ઉપરાંત દર કલાકે ૩૦૦ મુસાફરો અવરજવર થઈ શકે તે માટેની સુવિધા ઊભી કરવામા આવી છે. અને આધુનિક ફાયર એલાર્મ સિસ્‍ટમ સહિત અનેકવિધ સુવિધાઓ છે. ટર્મિનલમાં ખાસ સૌરાષ્‍ટ્રની સંસ્‍કળતિ અને વિરાસતનો સમન્‍વય કલાત્‍મક રીતે કંડારવામાં આવ્‍યો છે જેમાં રણજીત વિલાસ પેલેસની કલાકળતિને આધારિત ઇન્‍ટિરિયર કરાયું છે.

આ નવા ગ્રીનફિલ્‍ડ એરપોર્ટ પર ૨૮૦થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક ૫,૩૭૫ કિલોમીટરની સ્‍પીડથી ઊડી શકે એવાં ‘સી' પ્રકારનાં પ્‍લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A ૩૨૦-૨૦૦), બોઇંગ (B ૭૩૭-૯૦૦) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રને મળશે. એરપોર્ટ પર સમાંતર બે ટેક્‍સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્‍ઝિટ ટેક્‍સી ટ્રેક, ટર્મિનલ બિલ્‍ડિંગ, કાર્ગો, MRO/હેન્‍ગર્સની સુવિધા પણ ઉપલબ્‍ધ થશે. ૨૫૦૦ એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં ૧૫૦૦ એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્‍ટ માટે, ૨૫૦ એકરનો ગ્રીન ઝોન, ૫૨૪ એકર સિટી સાઈડ પેસેન્‍જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે ૨૫૦ એકર જમીનનો ઉપયોગ કરાશે. જેમાં પેસેન્‍જર ટર્મિનલ વિસ્‍તાર ૨૩ હજાર ચોરસ મીટરનો છે અને ફ્‌લાઇટ માટે ૧૪ ર્પાકિંગ સ્‍ટેન્‍ડ બનાવવામાં આવ્‍યા છે. કુલ ૩૩,૦૦૦ ચોરસ મીટર વિસ્‍તારમાં પથરાયેલું છે. અહીંયા હાલનો રનવે ૩૦૪૦ મીટર લાંબો અને ૨૫ મીટર પહોળાઈ ધરાવે છે. અહીંયાની ખાસિયત એ પણ છે કે એક જ કલાકમાં ૧૪ ફ્‌લાઇટ ઉડાન ભરી શકશે અને ફ્‌લાઇટ લેન્‍ડ થયાની માત્ર ૨ મિનિટમાં રનવે ખાલી પણ થઇ જશે.

રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર સાત ર્બોડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્‍વેયર બેલ્‍ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્‍ટ્રીય હોવાથી અહીં બે કસ્‍ટમ કાઉન્‍ટર સાથે ૮ ઈમિગ્રેશન કાઉન્‍ટર હશે.

(3:42 PM IST)