News of Monday, 20th January 2025
સદરના વસીમે જ્યુબીલી બાગમાં બેઠેલા વ્યંઢળની સામે જોતાં બબાલ શરૂ થઇ અને ૩ ગુના નોંધાયા
વસીમ મિત્રને મુકી મોચી બજારથી ઘરે જવા નીકળ્યો ત્યારે બગીચામાં લટાર મારવા ગયો, સામુ જોવા મામલે બોલાચાલી થતાં નીકળી ગયો અને રિક્ષામાં ત્રણ મિત્રોને લઇ ફરી બગીચે જઇ વ્યંઢળો પર હુમલો કર્યોઃ તેની રિક્ષામાં તોડફોડઃ પોલીસ સ્ટેશને વ્યંઢળોએ દેકારો મચાવી આરોપીને કેમ પકડતા નથી કહી બહાર જઇ રસ્તો બ્લોક કરી ફરજમાં રૂકાવટ કરીઃ વસીમ, મીરાદે અને કોન્સ. મેહુલ રાઠોડની ફરિયાદ પરથી ત્રણ એફઆઇઆર દાખલ થઇ વસીમે કહ્યું-કિન્નરમાસીએ મને રોકી તું કેમ અમારી ગામમાં વાતો કરે છે? કહી ડખ્ખો કરતાં હું મિત્રોને લઇ વાત કરવા જતાં હુમલો કરાયો હતો

રાજકોટ તા. ૨૦: રવિવારે જ્યુબીલી ગાર્ડન અંદર સદર વિસ્તારના બે યુવાનને વ્ંયઢળો સાથે બોલાચાલી થયા બાદ આ બંનેને ત્યાં જ વ્યંઢળોએ ટોળકી રચી મારકુટ કરી ધમકી આપ્યા બાદ આ યુવાને પણ છરી કાઢી ડખ્ખો કરતાં વાત વણસતાં બધા એ-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અહિ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી રહી હતી ત્યારે વ્યંઢળોએ ટોળકી રચી તાત્કાલીક આરોપીઓનું સરઘસ કાઢવાની માંગણી કરી દેકારો મચાવી કપડા ઉતારવા પ્રયાસ કરતાં અને પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે ૧૧ વ્યંઢળોની અટકાયત કરી હતી. સામા પક્ષે પણ ચાર શખ્સોને પકડવા તજવીજ થઇ હતી. આ ડખ્ખામાં કુલ ૩ એફઆઇઆર દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. એક શખ્સે મોપેડ પર જઇ બગીચામાં બેઠેલા વ્યંઢળોની સામે જોતાં અને ગાળો દેતાં આ બબાલ થઇ હતી.
સદર બજાર હરિહર ચોક દાતારના તકીયા પાસે ખાડામાં રહેતાં અને હેમુ ગઢવી હોલ પાસે રજાકભાઇને ત્યાં કામ કરતાં વસીમ દિલાવરભાઇ લીંગડીયા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી વ્યંઢળ નિકીતાદે, મીરાદે, ગોપીદે, મિહીર અને અજાણ્યા દસ જેટલા કિન્નરો સામે ગુનો નોંધાયો છે. વસીમે જણાવ્યું હતું કે હું અને મારા મિત્ર અયનુલને એક્સેસમાં બેસાડી મચી બજારમાં તેના ઘરે મુકવા ગયો હતો. ત્યાંથી પાછછ આવતી વખતે જ્યુબીલી બગીચામાં આટો મારવા જતાં ત્યાં કિન્નર નિકીતામાસી અને ગોપીદે માસી તથા મિહીરે મને ઉભો રાખી કહેલુ કે-તું શું ગામમાં અમારી વાતો કરે છે? તેમ કહી માથાકુટ કરતાં હું નીકળી ગયો હતો. બાદમાં મારા મિત્ર અયનુલ, અકમલ, નાઝીમને વાત કરતાં બાદમાં અમે ચારેય રિક્ષામા બેસી જ્યુબીલી બાગ અંદર વોટસન મ્યુઝિયમ પાસે પહોંચ્યા હતાં.
અહિ નિકીતામાસી, મીરામાસી, ગોપીમાસી, મિીર અને બીજા કિન્નરો હતાં. આ બધાએ ભેગા થઇ મારા મિત્ર નાઝીમની રિક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો. લાકડીના ઘા મારી રિક્ષામાં નુકસાન કરી મને ધમકી આપી હતી. મારા મિત્રોને પણ ઢીકાપાટુ માર્યા હતાં. કિન્નરો ભેગા થઇ પોતાના કપડા ઉતારતાં હોઇ બીક લાગતાં અમે ત્યાંથી ભાગી ગયા હતાં.
આ ડખ્ખામાં બીજી ફરિયાદ ગંજીવાડા-૧૮માં રહેતાં અને ભિક્ષાવૃતિ કરતાં કિન્નર નિકીતાદે મીરાદે (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ચાર અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. નિકીતાદેએ જણાવ્યું હતું કે હું અને અમારા ગ્રુપના કિન્નરો રવિવારે જ્યુબીલી બગીચામાં બેઠા હતાં ત્યારે એક સફેદ શર્ટવાળો શખ્સ મોપેડ લઇને આવ્યો હતો અને અમારી સામે જોતો હોઇ તેને શું કામ સામે જોવે છે? કહેતાં તેણે ગાળો દીધી હતી અને અમે બધા ભેગા થતાં તે જતો રહ્યો હતો. બાદમાં એ શખ્સ જીજે૦૩એઝેડ-૮૬૩૭ નંબરની રિક્ષામાં બીજા ત્રણ શખ્સોને લઇને આવ્યો હતો. તેની પાસે છરી, પાઇપ પણ હતાં. આ ચારેયએ અમારા ગુરૂજી મીરાદેને ગાળો દઇ પાઇપથી માર મારી ચપ્પુ બતાવી ડખ્ખો કર્યો હતો.
ઝપાઝપીમાં અમારી સાથેના નીલમદે, અદીતીદે, મીરાદે, કોમલદે, હેતલદે, જયાદેને સામાન્ય ઇજા થઇ હતી. તેમજ અમને છોડાવવા વચ્ચે પડેલા અજય મુન્નાભાઇ દેવીપૂજકને પણ હાથની આંગળીમાં ઇજા થઇ હતી. તેમજ મારો સોનાનો ચેઇન પડી ગયો હતો. આ શખ્સોએ અમારા ઉપર પથ્થરમારો કરતાં તેની રિક્ષાના કાચ ફુટી ગયા હતાં. કોઇએ જાણ કરતાં પોલીસની ગાડી આવતાં આ ચારેય ભાગ્યા હતાં.
દરમિયાન આ માથાકુટમાં ત્રીજો ગુનો પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર નાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી અજાણયા કિન્નરો સામે નોંધાયો હતો. મેહુલકુમારે જણાવ્યું હતું કે અમે બધા ફરજ પર પેટ્રોલીંગમાં હતાં ત્યારે કન્ટ્રોલ રૂમ તરફથી ફોન આવ્યો હતો કે જ્યુબીલી બાગમાં માથાકુટ ચાલે છે. આથી અમે ત્યાં જતાં દસ-બાર વ્યંઢળોએ કહેલુ કે ચાર જણા અમારી સાથે ડખ્ખો કરી ભાગ્યા છે. જેથી અમે ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશને આવો તેમ કહી ચાર વ્યંઢળને ગાડીમાં બેસાડી આગળ વધતાં ભાગેલા ચાર પૈકી એક હરિહર ચોકના ખાડા પાસે ઉભો હોઇ તેને પકડી પુછતાછ કરતાં પોતાનું નામ નાઝીમ દિલાવરભાઇ લીંબડીયા કહેતાં તેને પણ એ-ડિવીઝન પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં.
અહિ બંને પક્ષ દ્વારા પોતાને ફરિયાદ કરવી છે તેમ કહેવાતાં પોલીસ સ્ટાફ અલગ અલગ બેસાડી વિગતો પુછી રહ્યા હતા. નિકીતાદે મીરાદેની ફરિયાદ નોંધવાનું ચાલુ હતાં તયાં બીજા વ્યંઢળોએ પોલીસ સ્ટેશનમાં રાડો દેકારો કરી ગાળાગાળી ચાલુ કરી પોલીસ આરોપીને પકડતી નથી...તેમ કહી વધુ દેકારો કરતાં તેને અમે તથા બીજા પોલીસ સ્ટાફે શાંત રહેવા અને ગાળો નહિ બોલવા સમજાવતાં આ બધાએ ‘હવે પોલીસ સ્ટેશન સામેનો રસ્તો બ઼ધ કરી નાખો, ચક્કજામ કરી નાખો તો જ પોલીસને ખબર પડશે' તેમ કહ્યું હતું. આમ છતાં પોલીસે તેને શાંત રહેવાનું કહ્યું હતું પણ તે સમજ્યા નહોતા અને બહાર નીકળી રસ્તો બ્લોક કરતાં હોઇ મહિલા પોલીસની મદદથી અમે તેમને સમજાવવા છતાં રસ્તો બંધ કર્યો હતો અને પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી હતી. પીઆઇ આર. જે. બારોટ, પીએસઆઇ ડી.વાય. મહંત, એએસઆઇ એમ. વી. લુવા, બી. વી. ગોહિલ સહિતે કાર્યવાહી કરી બંને પક્ષના આરોપીઓને પકડી લેવા તજવીજ કરી હતી.
બંને ગુનામાં મળી હેતલદે સહિત ૧૧ કિન્નર અને વસીમ તથા તેના બે મિત્રોની ધરપકડ
ઞ્જપોલીસે આ ગુનાઓમાં બંને પક્ષના મળી ૧૪ની ધરપકડ કરી છે. એક ગુનામાં વ્યંઢળ હેતલદે મીરાદે (ઉ.૩૮-રહે. એકતા સોસાયટી), મીરાદે કંચનદે (ઉ.૩૦-રહે. એકતા સોસાયટી જામનગર રોડ), મેહુલાદે (ઉ.૩૯-રૈયાધાર સ્લમ ક્વાર્ટર), ગોપીદે મીરાદે (ઉ.૨૬-રહે. એકતા સોસાયટી), ઇશીતાદે મીરાદે (ઉ.૩૬-રહે. કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા), શાયરાદે મીરાદે (ઉ.૩૦-રહે. ગાંધીગ્રામ ધરમનગર પાસે ક્વાર્ટર), જયાદે મીરાદે (ઉ.૪૫-રહે. બજરંગવાડી-૧૦), પ્રિયંકાદે મીરાદે (ઉ.૨૫-રહે. એકતા સોસાયટી), નીલમદે મીરાદે (ઉ.૨૩-રહે. હેકતા સોસાયી) અને કોમલદે હેતલદે (ઉ.૩૨-રહે. એકતા સોસાયટી)ની ધરપકડ કરી હતી. જ્યારે સામે પક્ષે મીરાદેની ફરિયાદ પરથી વસીમ દિલાવરભાઇ લીંગડીયા (ઉ.વ.૧૯-સદર બજાર દાતારના તકીયા પાસે), આયનુલ જહાંગીરભાઇ શેખ (ઉ.૧૯-રહે. રૂખડીયાપરા) અને અકમલ આબીદભાઇ શેખ (ઉ.૧૮-રહે. રૂખડીયાપરા)ની ધરપકડ કરી છે.
(3:59 PM IST)










