News of Monday, 20th January 2025
મનપા કચેરીમાં આરટીઓનું ચેકીંગ : અરજદારોમાં રોષ
હેલ્મેટ-વાહનના ડોકયુમેન્ટ વિનાના લોકોનું જન્મ-મરણના દાખલા, આધારકાર્ડ સહિતની કામગીરી માટે આવતા અરજદારો દંડાયા

રાજકોટ, તા., ર૦: આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ભાજપના શાસકોની આંખ નીચે આરટીઓના અધિકારીઓ દ્વારા હેલ્મેટનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જન્મ-મરણના દાખલા સહિત સામાન્ય કામ માટે કોર્પોરેશન કચેરીએ આવતા લોકોને દંડના ધોક્કા પડ્યા હતા.
આરટીઓના અધિકારીઓ કે કર્મચારીઓ રોડ પર ઉભા રહીને વાહનચાલકો પાસે લાયસન્સ સહિતના અન્ય જરૂરી ડોકયુમેન્ટ માંગે અથવા હેલ્મેટ પહેરવાની ફરજ પાડે તો તે કામગીરી નિયમ પ્રમાણે થાય છે. પરંતુ ટ્રાફીક પોલીસ બાદ આજે આરટીઓ તંત્ર દ્વારા ઢેબર રોડ પર આવતા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પરિસરમાં ચેકીંગ કરવામાં આવતા જન્મ-મરણના દાખલા કઢાવવા માટે કે આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે આવતા અરજદારામાં કચવાટ જોવા મળ્યો હતો. તેઓ પાસે કેમ હેલ્મેટ પહેરી તેવું કહી દંડ વસૂલ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે હેલ્મેટ તો રોડ ઉપર જ્યારે વાહન ચાલતું હોય ત્યારે પહેરવાની જરૂર પડે છે. કચેરીની બહાર કોઇ વ્યક્તિ હેલ્મેટ ઉતારીને કચેરીમાં પ્રવેશી શકે છે.
અગાઉ ટ્રાફિક પોલીસે પણ નિયમ વિરૂધ્ધ કોર્પોરેશન કચેરીના પરિસરમાં હેલ્મેટ ડ્રાઇવ યોજી હતી. જેમાં ખૂદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર પણ દંડાયા હતા. સામાન્ય અરજદાર કચેરીએ આવે તો તેની પાસે રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.
(4:56 PM IST)










