<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

કોર્પોરેશનના ઓપરેશનને કારણે બેઘર થયેલા ૩૦૦ ઝૂપડાવાસીઓનો કલેકટર કચેરીમાં પડાવઃ ધરણા પર બેસી ગયા

મોરબી રોડ પર વેલનાથપરા ફાટક પાસે કોર્પોરેશને ઝૂપડા હટાવી રસ્‍તો ખૂલ્લો કરાવેલ કલેકટર તંત્ર વૈકલ્‍પિક જગ્‍યા આપે નહી તો કચેરીમાં જ આશરો લઇશું: તંત્રને દોડધામ

વેલનાથપરા ફાટક પાસેના અને હાલ ખુલ્લામાં રહેતા ઝૂપડાવાસીઓએ કલેકટર કચેરીમાં ધરણા પર બેસી પડાવ નાખ્‍યો તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ :.. મોરબી રોડ પર વેલનાથપરાના ફાટક પાસે બ્રીજ નીચે આવેલ ઝૂપડપટ્ટી વાસીઓને કોર્પોરેશનના તંત્રે દબાણ દૂર કરી, ઝૂપડા હટાવી રસ્‍તો ખુલ્લો કરેલ હતો.

આ સામે ત્‍યાં રહેતા ઝૂપડાવાસીઓએ કલેકટરને ત્રણ વખત વિસ્‍તૃત રજૂઆતો કરેલ, કલેકટરે યોગ્‍ય કરવાની ખાત્રી આપેલ પરંતુ રપ દિવસ પછી પણ એકપણ મામલતદાર કે ડે. કલેકટરે વૈકિલ્‍પક જગ્‍યા આપવા અંગે કાર્યવાહી નહી કરતા. આજે સવારથી બેઘર થયેલા ર૦૦ થી ૩૦૦ લોકો નાના બાળકો - વૃધ્‍ધો, સાથે અને મહિલાઓ સાથે કલેકટર કચેરીમાં પડાવ નાંખી કલેકરટ કચેરી સામે જ પટાંગણમાં ધરણા ઉપર બેસી જતા હલચલ મચી છે.

આ લોકોએ આપેલ આવેદનમાં જણાવેલ કે, છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ વેલનાથપરા પાસે રેલ્‍વે ફાટકના બ્રીજની નીચે નાના ઝૂપડા બાંધી વગર લાઇટે નાના બાળકો તથા ઘરનીસ્ત્રી દિકરીઓ સાથે રહીએ છીએ. પરંતુ થોડા દિવસો પહેલાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા કોઇપણ જાણ કર્યા વિના અમો રહેતા હતા. તે ઝૂપડપટ્ટી હટાવી રસ્‍તો ખુલ્લો કરેલ છે. અને આ રસ્‍તો ખુલ્લો કરવા અમો સહમત છીએ પરંતુ શીયાળાની આ કડકડતી ઠંડીમાં અમોના ઝૂપડાઓ હટાવવાના કારણે અમો ખુલ્લી જગ્‍યામાં અમારા નાના નાના બાળકો સાથે જીવન ગુજારવું મુશ્‍કેલ થયેલ તેથી તા. ર૧-૧ર-ર૦ર૪ ના રોજ આપની  સમક્ષ લેખીત આવેદન દ્વારા અમારી રજૂઆત  કરેલ. ત્‍યારબાદ આપના દ્વારા રાશનની વ્‍યવસ્‍થા માટે રેશનકાર્ડની અરજીઓ સ્‍વીકારેલ છે.

અમોને રહેવા માટેની વ્‍યવસ્‍થા કરવાનું આશ્વાસન આપવામાં આવેલ પરંતુ આજે ર૭ દિવસ જેવો સમય પસાર થઇ ગયેલ હોવા છતાં આપના દ્વારા આપવામાં આવેલ. આશ્વાસન મુજબ મામલતદાર કે ડેપ્‍યુટી કલેકટર દ્વારા રહેવા માટેની કોઇ જગ્‍યા કે વ્‍યવસ્‍થા થયેલ નથી.

જે જગ્‍યાએ હાલ અમો ખુલ્લામાં પાથરણા પાથરી રહીએ છીએ ત્‍યાં જમવા માટેની કોઇ વ્‍યવસ્‍થા કરી શકીએ તેમ નથી. રાત્રે ઠંડીના રહી શકીએ તેમ નથી. તેના કારણે વૃધ્‍ધો તથા નાના બાળકોનું જીવ જોખમમાં છે અને છેલ્લા સત્‍યાવીશ દિવસથી ખુલ્લી જગ્‍યામાં રહેવાના કારણે વૃધ્‍ધ તથા નાના બાળકો બીમાર પણ પડી ગયેલ છે. આપના દ્વારા તાત્‍કાલીક ધોરણે અમોના ઝૂપડા બાંધવાની જગ્‍યા તથા રાશન આપવામાં નહી આવે તો અમો ગાંધી ચિંધ્‍યા માર્ગે આપની કચેરીમાં ના છૂટકે વસવાટ કરવો પડશે, અને આજથી આ લોકોએ કલેકટર કચેરીમાં પડાવ નાંખતા તંત્રને દોડધામ થઇ પડી છે.

(4:45 PM IST)