તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
વિરાણી સ્કુલની જમીન અંગે પ્રોપર્ટી કાર્ડમાં કરેલ ખાનગી નોંધ રદ કરવાનો પ્રાંત અધિકારી ડો.ચાંદનીબેન પરમારનો હુકમ
વિરાણીને ફાળવેલ જમીન ‘નિયંત્રીત સત્તાપ્રકાર'ની હોવાનું વિદ્યાર્થીએ કલેકટરને ધ્યાન દોરતા સરકાર પણ પક્ષકાર બની હતી : વિરાણી સ્કુલનુ મેદાન વિદ્યાર્થીઓને રમવા માટે ખુલ્લુ કરે તેવી રજૂઆત કલેકટરશ્રી સમક્ષ કરવાનું ઠરાવવામાં આવ્યુઃ પ્રાંત અધિકારીના સરકાર તરફી ચુકાદાથી વિદ્યાર્થી સંગઠને રાજીપો વ્યકત કરી માનદ્ એડવોકેટ રવી ગોગીયાને બિરદાવેલ

રાજકોટ : વિરાણી હાઈસ્કુલની જમીન નિયંત્રીત શરતો સાથે સરકારે ફાળવેલ હોવા છતા વિરાણી સ્કુલના ટ્રસ્ટીઓ વિરાણી સ્કુલની જમીનને સ્કુલની ખાનગી માલિકીની ગણાવી વેચાણ માટે ચેરીટી કમિશનર કચેરીમાં અરજી કરેલ, તે અન્વયે જાણીતા કાયદેઆઝમ ડો.પુરૂષોત્તમ પીપરીયાએ સરકારશ્રીનુ ધ્યાન દોરીને જણાવેલ કે, વિરાણી સ્કુલની જમીન નિયંત્રીત પ્રકારની શરતો સાથે સરકારે ફાળવેલ છે અને તેમા સરકારશ્રીનું હિત સમાયેલુ છે તેથી સરકારશ્રીએ વિરાણી સ્કુલની જમીન વેચાણ થતી અટકાવી અનિવાર્ય હોવાનું જણાવતા જે તે વખતના કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓની અરજી અંગે ખરાઈ કરી યથાર્થતા ચકાસવા અંગે જણાવતા વિદ્યાર્થીઓની અરજીમા તથ્ય જણાયેલ, તેથી કલેકટર તંત્ર તરફથી પણ જમીન વેચાણની પ્રક્રિયા રદ કરવા માટે ચેરીટી કમિશનર સમક્ષ અરજી કરવામાં આવેલ અને સાથોસાથ પ્રાંત અધિકારી સમક્ષ કલેકટર તંત્રએ પણ અપીલ દાખલ કરેલ હતી. ચેરીટી કમિશનર કચેરી તરફથી વેચાણની પ્રક્રિયા પૂર્ણ થવામાં હતી તે પહેલા વિદ્યાર્થી સંગઠન તરફથી કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાએ તેમજ કલેકટર તંત્ર તરફથી સીટી સર્વે અધિકારીએ વાંધાઓ રજુ કરતા ચેરીટી કમિશનર કચેરી તરફથી વેચાણની પ્રક્રિયાને અટકાવીને રદ કરવામાં આવેલ.
વિરાણી સ્કુલના ટ્રસ્ટીઓએ કલેકટર સાથેના પત્ર વ્યવહારને હુકમ ગણાવી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી સિટી સર્વે કચેરીમા ફાળવેલ જમીન પૈકી મોટા ભાગની જમીન ખાનગી હોવાની પ્રોપર્ટીકાર્ડમાં નોંધ કરાવેલ તે સામે વિદ્યાર્થી સંગઠન વતી કાયદેઆઝમ ડૉ.પુરૂષોત્તમ પીપરીયા અને કલેક્ટર કચેરી તરફથી સીટી સર્વે અધિકારીએ સદર નોંધ સામે અપીલ દાખલ કરેલ, તે અપિલના કામમાં પ્રાંત અધિકારીએ વિદ્યાર્થી સંગઠન અને સીટી સર્વે કચેરીની તરફેણમાં હુકમ આપી વિરાણી ટ્રસ્ટ તરફથી જમીનની ખાનગી નોંધ સતાપ્રકાર-સી કરાવેલ તે રદ કરેલ અને વિરાણી હાઈસ્કુલની જમીનને સતા-કાર-જી અને સતાપ્રકાર-કે(૫) આપવાનું ઠરાવવામાં આવેલ. સદરહું પ્રાંત અધિકારીના ઓર્ડર સામે વિરાણી હાઈસ્કુલના નવા નિમાયેલ ટ્રસ્ટી ગુણવંતરાય વ્રજલાલ ભાડાણી, પ્રવિણાબેન પાંચાભાઈ ચોવટીયા, હર્ષાબેન પ્રમોદભાઈ હપાણી, વિજયભાઈ પુરૂષોત્તમભાઈ પટેલ, ભરતભાઈ વશરામભાઈ રામાણી, ચંદ્રિકાબેન જયંતિલાલ રાજકોટીયા, જયંતિલાલ પોપટલાલ રાજકોટીયા સહિતના ટ્રસ્ટીઓ વતી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલ અને અમે નવા ટ્રસ્ટીઓને સાંભળ્યા નથી તે સહિતના વાંધાઓ લઇ દાદ માંગેલ હતી.
પ્રાંત અધિકારીના હુકમને વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં પડકારેલ હોવાથી વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ વતી કેસની ગંભીરતા ધ્યાને લઈ કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાએ કલેકટરશ્રી મારફત સરકારશ્રીને અરજી કરતા જણાવ્યુ હતુ કે, વિરાણી હાઈસ્કુલની જમીન કેસ બાબતે એડવોકેટ જનરલની નિમણુક કરવી જોઈએ. વિદ્યાર્થી સંગઠન વતી કાયદેઆઝમ પુરૂષોત્તમ પિપરીયાની અરજીને સરકારશ્રીએ સ્વીકારી ગુજરાતના ખ્યાતનામ કાનુની ક્ષેત્રે ધુરંધર એડવોકેટ જનરલશ્રી કમલભાઈ ત્રિવેદીની નિમણૂક કરેલ.
સરકારશ્રી વતી એડવોકેટ જનરલ કમલભાઈ ત્રીવેદી અને વિદ્યાર્થી વતી આનંદ ગોગીયાએ નામદાર હાઈકોર્ટના જજ સમક્ષ રજુઆત કરતા જણાવેલ કે, આ કેસની હિસ્ટ્રી બહુ ખરાબ છે, આ સ્કુલ માટેની જમીન હતી જે સરકાર દ્વારા વિનામુલ્યે આપવામાં આવી હતી અને અમુક પત્ર વ્યવહારનો આધાર લઈ ઓથોરીટીએ સદર જમીનનો અમુક હિસ્સો પ્રાઈવેટ ગણી વેંચાણ માટેની પરવાનગી આપેલ. રાજકોટમાં રમતવીરો માટે રમવા લાયક વિરાણી હાઈસ્કુલનુ મેદાન જ શેષ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના નામદાર જજ સાહેબએ ડેપ્યુટી કલેકટર ના તા.૧૮-૦૩-૨૦૨૩ના ઓર્ડરને સેટઅસાઈડ કરી અરજદારોને ડેપ્યુટી કલેકટર/સીટી પ્રાંત-૧ સમક્ષ ઉપસ્થીત થવા અને તેમનો ચુકાદો ન આવે ત્યાં સુધી સદર વિરાણી હાઈસ્કુલ વાળી પ્રોપર્ટીમાં કોઈપણ જાતનો ફેરફાર ન કરવા અંગે ઓર્ડર કરી હાઈકોર્ટ તરફથી કેસને રિમાન્ડ કરી વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટીઓને સાંભળવા માટે ઓર્ડર કરેલ. તે ઓર્ડર અન્વયે વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટીઓને નોટીસ કરીને પ્રાંત અધિકારીએ સાંભળેલ હતા. જેનો તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ ચુકાદો આપેલ.
રાજકોટ સીટી પ્રાંત-૧ અધિકારી ડો.ચાંદનીબેન પરમારે તા.૨૦/૦૧/૨૦૨૫ના રોજ આપેલ ચુકાદામા વિરાણી હાઈસ્કુલની જમીન સરકારે નિયંત્રીત શરતો સાથે ફાળવેલ હોવાનું જાહેર કરી રેવન્યુ રેકર્ડમાં ૨૦૧૪ માં સતા પ્રકાર-સી એટલે કે ખાનગી જમીન તરીકેની નોંધ વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટીઓએ કરાવેલ તે રદ કરી છે અને વિદ્યાર્થીઓ અને સરકારની દાદ મુજબ વિરાણી હાઈસ્કુલની સમગ્ર જમીન સરકારી નિયંત્રણ હેઠળની ઠરાવી સતાપ્રકાર-જી અને સતાપ્રકારラકે (૫) ની નોંધ દાખલ કરવા હુકમ કરવાથી હવે વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટીઓ સરકારની પૂર્વ મંજુરી વગર જમીન કોઈને ભાડે આપી શકશે નહી કે નફો રળી શકશે નહી કે વેચાણ કરી શકશે નહીં, તેવો ચુકાદો આપતા વિદ્યાર્થીઆલમ ખુશ ખુશાલ થયેલ હતા અને સોશ્યલ મિડિયા ઉપર અરસપરસ હરખના મેસેજો બહોળી સંખ્યામા વાયરલ થઇ રહ્યા છે. રાજકોટ શહેરના આજી નદી થી રેલ્વે પાટા સુધીના વિસ્તાર વચ્ચે આવેલ ડાઉનટાઉન એરીયામાં રમતવિરો માટે અનેક મેદાનો ઉપલબ્ધ હતા. જે પૈકી મોટાભાગના મેદાનો સરકારની માલીકી હસ્તકના હતા અથવા તો સરકારે ટ્રસ્ટને વિનામુલ્યે અથવા અલ્પમુલ્યે નવી શરતો સાથે ફાળવેલ હતા.
રાજકોટમાં ડાઉનટાઉન એરીયામાં શાષાી મેદાન હતુ જયાં હવે કોમર્શિયલ હેતુ માટે નિરંતર ભાડે અપાય છે. કરણસિંહજી હાઈસ્કુલનુ મેદાન હતુ તેમાં પણ ધાર્મિક બાંધકામ થઈ ગયેલ છે. આલ્ફ્રેડ હાઈસ્કુલનુ મેદાન હતુ ત્યાં ગાંધી મ્યુઝીયમ થઈ ગયેલ છે. ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં અસ્થાયી હોસ્પિટલ ઉભી કરવામાં આવેલ છે. બેંકર્સ ગ્રાઉન્ડ હતુ તેમા કલેકટર કચેરીનુ નિર્માણ થઈ ગયેલ છે. રેસકોર્ષ મેદાનમાં કોમર્શિયલ હેતુસર ભાડે આપવામાં આવે છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજનુ મેદાનને પણ ફરતી દિવાલ ચણીને શીલ કરવામાં આવેલ છે. પોલીસ હેડકવૉટરના ગ્રાઉન્ડમાં પણ અસંખ્ય નવા બાંધકામ થયેલ છે. આમ ડાઉનટાઉન એરીયામાં આવેલ રમતગમતના મેદાનોની સંખ્યા ઘટતી જાય છે તેવા સંજોગોમાં રાજકોટની કેમ્બ્રીજ ગણાતી વિરાણી હાઈસ્કુલનુ મેદાન નિયંત્રીત સતાપ્રકાર સાથે સરકારે ફાળવેલ હોવાનો ચુકાદો આપતા વિદ્યાર્થીઓ ભારે રાહતની તથા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. આ અગાઉ વિરાણી હાઈસ્કુલનુ મેદાન વેંચવા માટેની વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટીઓએ કાર્યવાહી કરતા, વિરાણી હાઈસ્કુલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ વતી કાયદેઆઝમ ગણાતા ડૉ. પુરૂષોતમ પીપરીયાએ કાનુની લડત શરૂ કરી હતી અને કલેકટરશ્રીનુ ધ્યાન દોરી સરકારને પણ ચેરીટી કમિશનર કચેરી સમક્ષ અને પ્રાંત અધિકારી સમક્ષ વાંધાઓ લઈ કાયદેસરની કાર્યવાહીનો આરંભ કરેલ હતો. જેનો આજે સંતોષજનક ઉકેલ આવેલ છે તે સરાહનિય છે.
વિદ્યાર્થીઓએ કરેલ પ્રાંત અધિકારી સમક્ષની અપીલની સુનવણીમાં તેમજ પ્રાંત અધિકારી સમક્ષ રિમાન્ડ થયેલ કેસની સુનવણીમા વિધ્વાન એડ્વોકેટ રવી ગોગીયાએ પૂરાવાઓ સાથે કરેલ ધારદાર દલીલને સરકારી એડવોકેટ્ટી કમલેશ ડોડીયાએ એડોપ્ટ કરી હતી અને પ્રાંત અધિકારીએ સીટી સર્વે કચેરી તરફેણમાં હુકમ કરેલ. જ્યારે વિદ્યાર્થીએ કરેલ અપીલના કેસમાં વિદ્યાર્થીઓની અપીલ અને સીટી સર્વે કચેરીની અપીલ સમાન હોવાથી અને સીટી સર્વે કચેરીની અપીલ માન્ય કરેલ હોવાનું વિદ્યાર્થીઓને સંજ્ઞાન લેવાના ઓર્ડર સાથે ગુણદોષમાં ઉતર્યા વગર ટેકનીકલ કારણોસર વિદ્યાર્થીની અપીલ રદ કરેલ હતી. પરંતુ વિદ્યાર્થીએ સરકારશ્રીનુ ધ્યાને દોરતા સરકારશ્રીએ કરેલ અપીલના મુદ્દાઓ સમાન હોય વિદ્યાર્થીઓએ પ્રાંત અધિકારીના હુકમ સામે રાજીપો વ્યકત કર્યો હતો.
કાયદાના તજજ્ઞ જણાવી રહ્યા છે કે હવે વિરાણી હાઈસ્કુલની જમીનનો મુદ્દો સરકાર અને વિરાણી હાઈસ્કુલ ટ્રસ્ટ વચ્ચેનો થઈ ગયેલ હોવાથી વિરાણી હાઈસ્કુલની જમીન વેચાણ થતી બચાવવામાં લાંબી લડત ચાલશે તે જમીનમાં સરકારશ્રીનુ હિત હોવાનુ સાબિત થતા સરકાર વિરાણી હાઈસ્કુલની જમીન વેચાણ ન થાય તે માટે તમામ કાનુની ઉપાયો હાથ ધરશે, કારણ કે વિરાણી હાઇસ્કુલની જમીન એક પબ્લીક પ્રોપર્ટી છે તેથી સરકાર ગંભીરતાથી કાળજી રાખશે. આ કેસમાં સરકાર વતી એડવોકેટ કમલેશભાઈ ડોડીયા અને વિદ્યાર્થી વતી વિધ્યાાન એડવોકેટ રવી બી. ગોગીયા, આનંદ ગોગીયા, કાજલબેન કલવાણી, હિરેનભાઈ રૈયાણી, નિખીલભાઈ ગોગીયા, ચાર્મીબેન રાવલએ ધારદાર દલીલો કરેલ હતી.(૩૭.૨)
પ્રાંત અધિકારીના ચુકાદાથી વિદ્યાર્થી સંગઠન ખુશખુશાલ : પુરૂષોત્તમ પીપરીયા
પ્રાંત અધિકારીના સરકારશ્રી તરફી આવેલ ચુકાદો વિદ્યાર્થીઓની મુળ દાદ મુજબનો હોય અને વિરાણી હાઈસ્કુલની જમીન નિયંત્રીત સતાપ્રકારની ઠરાવેલ હોય તેમજ તે જમીન કોઈને ભાડે આપી શકાશે નહીં. તે જમીનમાંથી નફો રડી શકાશે નહીં કે વેચી શકાશે નહી તેવો સ્પષ્ટ ચુકાદો આવવાથી વિદ્યાર્થીઓની માંગને પ્રાંત અધિકારીએ સરકાર તરફેણમાં આપેલ ઓર્ડરમા ઠરાવેલ છે અને વિદ્યાર્થીઓને આ અંગે સંજ્ઞાન લેવાનો ઓર્ડર કરેલ છે તે બન્ને ઓર્ડર સાથે વાંચતા વિદ્યાર્થીઓની મુળ માંગ સંતોષાય ગયેલ હોય વિદ્યાર્થી સંગઠન ખૂબ જ રાજીપો વ્યકત કરે છે અને પ્રાંત અધિકારીના ઓર્ડરની ચુસ્તપણે અમલવારી થાય તે માટે વિદ્યાર્થી સંગઠન આગળની કાર્યવાહી કરશે તેવો નિર્ધાર વ્યકત કરેલ અને વિદ્યાર્થીઓની મળેલ મિટીંગમાં ઠરાવવામાં આવેલ છે કે વિરાણી સ્કુલમાં હાલમાં રમત ગમતના શિર્ષક હેઠળ રકમો વસુલીને નાઈટ બોક્ષ ક્રિકેટ રમાડવામાં આવે છે તે અને ખાણી પીણીની રાત્રી બજાર ચાલુ કરવામાં આવેલ છે તે અંગે તેમજ ખાનગી સ્કુલ કોલેજ ચાલુ કરવામા આવેલ છે તે બાબતે અભ્યાસ કરી જો યથાર્થતા માલુમ પડયે તો શરતભંગ અંગેની કાર્યવાહી કરવા કલેક્ટરશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે. જમીનની કિંમત ૧૦૦૦ કરોડ ઉપરાંતની હોવાથી વિરાણી હાઈસ્કુલ તરફથી અપીલ થવાની પુરી સંભાવના છે અને આ જમીનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી જશે તેવા એંધાણ સ્પષ્ટ જણાય છે પરંતુ વિદ્યાર્થી સંગઠન કોઈપણ ભાગે સુપ્રીમ સુધી લડત લડવામાં પાછીપાની નહી કરે પછી તે રાજકીય હસ્તીઓ હોય કે આર્થિક હસ્તી હોય કે બાહુબલી હસ્તી હોય તેવી કોઈપણ તાકાત સામે પુરા જોમ અને જુસ્સાથી વિદ્યાર્થી સંગઠન લડત ચાલુ રાખશે તેમ કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાએ જણાવેલ હતું.
(3:13 PM IST)










