તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ચાલુ ટ્રેનમાં લપસી દરવાજા પાસે લટકી રહેલા મુંબઇના આધેડનો રેલ્વે એલસીબીના જવાને જીવ બચાવી લીધો :જુઓ વિડિઓ
જકશન રેલ્વે સ્ટેશને શ્વાસ થંભાવી દેતાં દ્રશ્યો સર્જાયાઃ પોલીસમેનને લોકોએ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા :મુંબઇના નરેન્દ્રભાઇ ભાનુશાળી જામનગર જતાં હતાઃ ટ્રેનમાંથી પટકાય એ પહેલા ખેંચીને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધા, જો કે આધેડનો પગ ફસાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં

રાજકોટઃ શહેરના જંકશન રેલ્વે સ્ટેશન પર સવારે શ્વાસ થંભાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતાં. દુરન્તો એક્સપ્રેસ ટ્રેન મુંબઇથી રાજકોટ આવી પહોંચી પછી રાજકોટ જંકશન સ્ટેશનથી રવાના થઇ તે વખતે એક કોચના દરવાજા પાસે એક મુસાફર લપસી પડતાં અને લટકવા માંડતાં આ દ્રશ્ય જોઇ રેલ્વે એલસીબીના કોન્સ. જયેશભાઇ નાથાભાઇ ગોયલ પેટ્રોલીંગમાં હોઇ તેણે દોટ મુકી હતી.
આ મુસાફર દરવાજાનું હેન્ડલ પકડી લટકી રહ્યા હતાં, તેઓ નીચે પડી ટ્રેન હેઠળ કચડાઇ જાય એ પહેલા જવાને તેમના હાથ પકડી લઇ બહાર તરફ ખેંચી લઇ મને ખેંચીને જવાને નીચે ઉતાર્યા હતાંચાલુ ટ્રેનમાંથી ફંગોળાઇ જાય એ પહેલા જ તેમને ખેંચીને પ્લેટફોર્મ તરફ લઇ લીધા હતાં.ં જો કે આધેડનો ડાબો પગ ટ્રેન અને પ્લેટફોર્મની દિવાલ નીચે જતો રહેતાં ગંભીર ઇજા પહોંચી હતી, જો કે જીવ બચી ગયો હતો.
આ દ્રશ્યો જોઇ બીજા મુસાફરો, લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતાં. દરમિયાન એલસીબીના હેડકોન્સસ. રઘુભા ગોહિલ અને એસઆરપીમેન ટ્રેનમાં હોઇ તેમણે ચેઇન પૂલીંગ કરી ટ્રેન ઉભી રખાવી દીધી હતી. ઘાયલ થયેલા મુસાફર ૪૫ વર્ષિય નરેન્દ્રભાઇ મેઘજીભાઇ ભાનુશાળી હોવાનું અને તે મુંબઇ મુલુન્ડમાં રહેતાં હોવાનું ખુલ્યું હતું. તેઓ જામનગર જઇ રહ્યા હતાં.
રાજકોટમાં ટ્રેન ઉભી રહી ત્યારે નીચે ઉતર્યા બાદ ટ્રેન ચાલુ થઇ જતાં તેમાં ચડવા જતી વખતે દૂર્ઘટના બની હતી. પ્લેટફોર્મ પર હાજર લોકોએ, એલસીબી પીએસઆઇ જે. એમ. પરમાર સહિતે જવાનને અભિનંદન આપ્યા હતાં. નરેન્દ્રભાઇને પગમાં ગંભીર ઇજા પહોંચી હોઇ સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.
(3:59 PM IST)










