<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાજકોટ જીલ્લામાં પાંચ પાલીકા વિસ્‍તારમાં તથા તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણી વિસ્‍તારમાં કડક આચારસંહિતા જાહેર

ર૭મીએ જાહેરનામુઃ ૧ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશેઃ ૧૬મીએ મતદાનઃ ૧૮ મીએ ગણત્રી સરકીટ હાઉસો બૂક નહિ કરી શકાયઃ કર્મચારીઓ-અધિકારીઓની બદલી પર પ્રતિબંધ

 રાજકોટ તા.૨ર :..  રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧ જાન્‍યુઆરી ૨૦૨૫થી વિવિધ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી હેઠળના વિસ્‍તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકી છે.  રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર- નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ઉપલેટાની ૦૪ ડુમીયાણા તથા ૧૩- પાનેલી મોટી -૧, જસદણની ૧-આંબરડી,૫ ભાડલા, જેતપુરની ૧૫- પીઠડીયા, ગોંડલની ૨૦- સુલતાનપુર તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. આ તમામ વિસ્‍તારમાં આચારસંહિતા લાગુ કરી દેવાઇ છે.  રાજ્‍ય ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ/કર્મચારીઓની બદલી તેમ જ રજા પર પ્રતિબંધ લગાવ્‍યો છે.

રાજ્‍ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ તા. ૨૧ જાન્‍યુઆરી ચૂંટણીની જાહેરાતોની તારીખ, તા.૨૭ જાન્‍યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ, તા.૧ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, તા.૩ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, તા.૪ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ, તા.૧૬ ફેબ્રુઆરીએ સવારના સાત વાગ્‍યાથી સાંજના છ વાગ્‍યા સુધી મતદાનની તારીખ, તા.૧૭ ફેબ્રુઆરી જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ, તા.૧૮ ફેબ્રુઆરી મત ગણતરીની તારીખ તથા તા.૨૧ ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ જાહેર કરાઈ છે. આ સંસ્‍થાઓના ચૂંટણી હેઠળના વિસ્‍તારોમાં આચારસંહિતાનું ચુસ્‍તપણે અમલ થાય તે માટે જે તે કચેરીઓને રાજ્‍ય ચૂંટણી આયોગે આચારસંહિતા સંબંધે આદેશ જાહેર કરેલ છે.

(3:58 PM IST)