તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજકોટ સહિત ગુજરાતભરમાં ૨૬ જાન્યુઆરીએ તમામ પોસ્ટ ઓફીસમાં 'ડાક ચોપાલ' યોજાશેઃ તમામ યોજનાનો લાભ મળશે
પોસ્ટ માસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવની જાહેરાતઃ ગુજરાતભરમાં કુલ ૮૮૮૮ પોસ્ટ ઓફીસો

રાજકોટ તા. ૨રઃ ભારતીય ડાક વિભાગ દ્વારા ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ગુજરાત પરિમંડલમાં ૭૬મા ગણતંત્ર દિવસ નિમિત્તે દરેક પોસ્ટ ઓફિસમાં ''ડાક ચોપાલ''નું આયોજન કરવામાં આવશે.
રાજકોટના સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ડાક ચોપાલનો ઉદ્દેશ્ય સમાજના છેવાડાના વર્ગ સુધી આવશ્યક સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનો છે, જેનો લાભ ગુજરાતના લોકો અને તમામ લાભાર્થીઓને મળશે. કેન્દ્રીય સેવાઓની સાથે, રાજ્ય કક્ષાની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક છત નીચે મળી શકશે. 'સરકારી સેવાઓ તમારા દ્વારે' હેઠળ, નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત તમામ નાગરિક-કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃતિ ફેલાવીને લોકોને લાભ આપવામાં આવશે. ડાક વિભાગે તેના કાર્યોનો વિસ્તાર કર્યો છે અને ડિજિટલ માધ્યમો દ્વારા તેની સેવાઓને વધુ સુલભ બનાવી છે. આ સ્થિતિમાં, ગણતંત્ર દિવસના શુભ અવસર પર, સમાજના છેવાડાના વ્યકિત સુધી ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદયની સંકલ્પના સાથે જોડવા માટે ગુજરાતના વિવિધ સ્થળોએ ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ નાગરિકોને સરકારી યોજનાઓ સાથે સીધા જોડવાનો એક અસરકારક માર્ગ સાબિત થશે તેમ શ્રી યાદવે ઉમેર્યું હતું.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે બદલાતા વાતાવરણમાં ડાક સેવાઓની બદલાતી ભૂમિકા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પત્રો અને પાર્સલ ઉપરાંત, ડાક વિભાગ બચત બેંક, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, કોમન સર્વિસ સેન્ટર, ડાક ઘર નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જનમુખી કાર્યો કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા, પોસ્ટમેન આજે મોબાઇલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. CELC હેઠળ, ઘરે બેઠા બાળકો માટે આધાર કાર્ડ બનાવવું, મોબાઇલ અપડેટ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, DBT, બિલ ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે જેવી વિવિધ સેવાઓનો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પૂરી પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોસ્ટલ સર્કલ હેઠળ કુલ ૮,૮૮૮ પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદ માં ૨,૨૬૨ પોસ્ટ ઓફીસો, દક્ષિણ ગુજરાત પરિક્ષેત્ર, વડોદરામાં ૩,૬૨૯ પોસ્ટ ઓફિસો અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્ર, રાજકોટમાં ૨,૯૯૭ પોસ્ટ ઓફિસો આવેલી છે. ડાક ચોપાલ દ્વારા આટલા વ્યાપક સ્તરે, લોકો સરકારી યોજનાઓ સાથે સીધા જોડાઈ શકશે અને તેમની જરૂરિયાતો મુજબ માહિતી મેળવી શકશે.
(12:13 PM IST)










