<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સ્વરક્ષણ તાલીમ બ્લેક બેલ્ટ કોચીઝ દ્વારા જ અપાય છે : કોચ રણજીત ચૌહાણ

શ્રી નિર્ભયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ૧૯ જેટલા કોચ દ્વારા તેમની સામે થયેલા આક્ષેપોને પુરાવા સાથે નકારાયા : જામકંડોરણા અને જેતપુર તાલુકાની ૧૦૦ થી વધુ શાળાનો કોન્ટ્રેકટ આશરે ૯૦ લાખમાં અમને ટેન્ડર પ્રક્રિયા મુજબ અપાયો છે : કોઇ ગેરરીતી નથી પાયા વિહોણા આક્ષેપો કરનાર જીતેન્દ્ર મારૂ, રોબીન કાસુન્દ્રાએ કોઇ ટેન્ડર પ્રક્રિયા કરી નથીઃ માત્રને માત્ર કરાટે સર્કલમાં મને નીચા દેખાડવાનું કારસ્તાન : કાયદાકીય પગલા લઇશ : રણજીત ચૌહાણ

રાજકોટઃ રાણી લક્ષ્મીબાઇ તાલીમ યોજના હેઠળ સ્વરક્ષણની તાલીમના કોન્ટ્રેકટમાં કરોડોની ગેરરીતી અને નિયમ મુજબ કોચીંગ નહિ અપાતાના ગઇકાલે થયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવી સરકારી ધારાધોરણ મુજબ તાલીમ અપાતી હોવાનો અને બીલ વસુલાતા હોવાનો ખુલાસો અકિલા કાર્યાલયે શ્રી નિર્ભયા એજયુકેશન ટ્રસ્ટના કોચીઝ દ્વારા કરવામાં આવ્યો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા) (૪.૨૫)

રાજકોટ, તા., ર૧: શ્રી નિર્ભયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના રણજીત ચૌહાણ સામે ગઇકાલે મહારાણી લક્ષ્મીબાઇ તાલીમ યોજના હેઠળ સ્વરક્ષણ કોચીંગના અપાતા કોન્ટ્રેકટમાં કરોડોની ગેરરીતીના આક્ષેપો જીતેન્દ્ર મારૂ અને રોબીન કાસુન્દ્રા દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપોના વળતા જવાબરૂપે આજે નિર્ભયા ટ્રસ્ટના રણજીત ચૌહાણ અને સાથી કોચીઝ દ્વારા  પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ આક્ષેપોને પાયાવિહોણા અને ધંધાકીય હરીફાઇમાં માત્રને માત્ર મને નીચો પાડવાના આશયથી કરાયાનું જણાવાયું હતું. સાથોસાથ સંસ્થા દ્વારા સરકારી નિયમાનુસાર, ટેન્ડરની શરતો  અને ગાઇડલાઇન મુજબ  ૩૬ દિવસ સુધી શાળાની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપી રોજેરોજનો અહેવાલ ગુગલ લીન્ક મારફત લોકેશન, તારીખ, ટાઇમ અને ફોટો  સહિતની માહીતી સાથે સરકારી પોર્ટલ ઉપર અપલોડ કરી નિયમ મુજબ બીલ સરકારમાં મુકાતા હોવાનું જણાવાયું હતું.

અકિલા કાર્યાલયે આવેલા નિર્ભયા એજયુકેશન ટ્રસ્ટના રણજીત ચૌહાણ, રચીન ચૌહાણ, શ્રધ્ધા બાલસ, નવાઝ બ્લોચ સહીતના ૧૯ કોચ દ્વારા ગઇકાલે તેમની સામે થયેલા આક્ષેપોના જવાબ આપી કોન્ટ્રેકટની શરતો અને કચેરીના હુકમને આધીન તાલીમની કામગીરી યોગ્ય રીતે થતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હત. લેખીત રજુઆતમાં જણાવાયું છે કે મહારાણી લક્ષ્મીબાઇ તાલીમ યોજના હેઠળ છેલ્લા ૭ વર્ષથી એક જ સંસ્થાને કોચીનનો કોન્ટ્રાકટ મળતો હોવાનું અને તે કામ અધિકારીઓ સાથેની મીલીભગતથી મળતું હોવાનું જણાવાયું હતું તે તદ્ન ખોટી વાત છે. તાલીમ માટે ટ્રેન્ડરીંગની પ્રક્રિયાને અનુસરી અને રાજય સરકાર દ્વારા નક્કી કરાયેલ એસોપી મુજબના કવોલીફીકેશન ધરાવતી એજન્સીઓને જ કામ ટેન્ડર પ્રક્રિયાને અંતે આપવામાં આવે છે. જેમાં સૌથી ઓછા ભાવ ધરાવતી એજન્સીનું ટેન્ડર પાસ થાય છે.

આ ઉપરાંત અમારી સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તાલીમના નામે ૧૦ ટકા જ કામ કરવામાં આવે છે અને ૯૦ ટકા પૈસા ખિસ્સામાં સેરવી દેવામાં આવે છે તે આક્ષેપ પણ તદ્ન ખોટો છે. કરાટેના તજજ્ઞ બ્લેક બેલ્ટ કોચીસ દ્વારા જ તાલીમ આપવામાં આવે છે. માત્રને માત્ર અમને (રણજીત ચૌહાણ)ને બદનામ કરવાના ઇરાદા સાથે જ આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યાનું જણાઇ રહયું છે અને ખોટા આક્ષેપો કરી કરાટે સાથે સંકળાયેલા લોકોને ભ્રમીત કરી કરાટેનું નામ અને કરાટેના ટ્રેઇનરને બદનામ કરવામાં આવ્યા છે. રજુઆતમાં જણાવાયું છે કે ૧૦ દિવસમાં કરાટે ટ્રેનર અને નેશનલ પ્લેયર ૧૮૦૦૦ થી ૪૦૦૦૦ રૂ. લઇને બનાવવામાં આવે છે. આવા ખોટા આક્ષેપો કરી પ્રિન્ટ અને સોશ્યલ મીડીયાના માધ્યમથી મને બદનામ કરનાર જીતેન્દ્ર મારૂ અને રોબીન કાસુન્દ્રા સામે આવતા દિવસોમાં કાયદાકીય માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે.  રણજીત ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓને અપાયેલી નિયમાનુસારની તાલીમના તમામ પુરાવાઓ અમારી પાસે છે અને તે સરકારના પોર્ટલ ઉપર અપલોડ કર્યા બાદ નિયમ મુજબ જ તેના બીલની રકમ અમને ચુકવવામાં આવે છે. અમારી પાસે માત્ર જેતપુર અને જામકંડોરણા તાલુકાની ૧૦૦ થી વધુ શાળાના સ્વરક્ષણ કોચીંગનો કોન્ટ્રેકટ છે. જેની રકમ ૯૦ લાખ આસપાસ થાય છે. આમા કરોડોનું કૌભાંડ કયાં થયું ? આક્ષેપો કરનાર લોકોનો ભુતકાળ તપાસવો પણ જરૂરી બન્યો છે.

(12:33 PM IST)