<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ઓનલાઇન ગેમમાં નાણા ગુમાવતાં એમઆર નિકુંજનો આપઘાત

આર્થિક ખેંચ હોઇ લોન લેવા મામલે મિત્ર સાથે ફોનમાં વાત કર્યા બાદ પગલુ ભર્યુ અમીન માર્ગ ચિત્રકુટધામ સોસાયટીમાં બનાવઃ કથીરીયા પરિવારમાં કલ્‍પાંતઃ મૃતકના છુટાછેડા થઇ ગયા હતાં પરિવારના સભ્‍યો જામકંડોરણા રહે છેઃ પોતે રાજકોટ ભાડાના મકાનમાં રહેતો હતો

રાજકોટ તા. ૨૩: ઓનલાઇન ગેમનું દૂષણ એવુ ફેલાયુ છે કે તેમાં અનેક લોકો બરબાદ થઇ ગયા છે. યુવાનો, ટીનેજર્સ પણ આ દૂષણમાં ફસાઇ ગયા છે. આ વચ્‍ચે એક પરિવારના આશાસ્‍પદ અને યુવાન દિકરાએ ઓનલાઇન ગેમમાં મોટી રકમ ગુમાવી દેતાં તેણે આપઘાત કરી લીધો છે. મુળ જામકંડોરણાનો ૩૬ વર્ષનો યુવાન રાજકોટ અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. મિત્ર સાથે ફોનમાં વાત કર્યા બાદ તેણે આ પગલુ ભરી લીધુ હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટી  શેરી નં. ૨ એસ્‍ટ્રોનના નાલા નજીક ભાડાના મકાનમાં રહેતાં નિકુંજ જેરામભાઇ કથીરીયા (ઉ.વ.૩૬) નામના યુવાને ગાળફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી ચાંદનીબેને કરતાં પોલસ કન્‍ટ્રોલ રૂમના ઇન્‍ચાર્જ એ. વી. ગોંડલીયાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. ઘટના જાહેર થતાં પીએસઆઇ એચ. ટી. પરમાર તથા રાઇટર સંજયભાઇએ ઘટના સ્‍થળે જઇ કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર નિકુંજભાઇ કથીરીયા મુળ જામકંડોરણાનો વતની હતો. તેના માતા-પિતા અને પરિવારના બીજા સભ્‍યો ત્‍યાં જ રહે છે. પોતે એમઆર (મેડીકલ રિપ્રેઝન્‍ટેટીવ) તરીકે નોકરી કરતો હોઇ અહિ એકાદ વર્ષથી ભાડે મકાન રાખીને રહેતો હતો. અગાઉ તે સુરત રહી નોકરી કરતો હતો. ગઇકાલે તેણે એક મિત્રને ફોન કરી આર્થિક ભીંસમાં હોવાની અને તે માટે લોન લેવી છે તેવી વાત કરી હતી. નિકુંજભાઇની આ વાત સાંભળી થોડીવાર બાદ મિત્ર તેના ઘરે પહોંચ્‍યો હતો. તે વખતે ફળીયામાં તેનું બાઇક પાર્ક કરેલું હોઇ તે અંદર જોવા ગયો હતો. દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તિરાડમાંથી જોતાં તે લટકતો દેખાતાં દરવાજો તોડી નાંખ્‍યો હતો અને ૧૦૮ને જાણ કરી હતી. જેના તબિબે તેને મૃત જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યું છે કે નિકુંજભાઇ ઓનલાઇન ગેમમાં મોટી રકમ હારી ગયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હોઇ તેનો મોબાઇલ કબ્‍જે લઇ વિશેષ તપાસ યથાવત રખાઇ છે. આપઘાત કરનારના ત્રણ વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં. ઘરમાંથી કોઇ સ્‍યુસાઇડ નોટ મળી નથી. આ બનાવ એવા તમામ લોકો માટે લાલબત્તી સમાન ગણી શકાય તેવો છે જે મોબાઇલ ગેમના રવાડે ચડી ગયા છે.

(1:29 PM IST)