તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
આગામી ૧પ ફેબ્રુઆરીથી રાજકોટ-દિલ્હી વચ્ચે દરરોજ સવારે નવી ફલાઇટઃ ઇન્ડિગો ફલાઇટ ઉડાડશે
રાજકોટને હવે દિલ્હીની દરરોજ ત્રણ ફલાઇટઃ હાલ એક ડઝન વિમાનોની આવન-જાવન

રાજકોટ, તા. ર૪: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ૯ મીએ ઉદ્ધાટન અને લોકાપર્ણ થશે, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫થી ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા દિલ્હીની નવી ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે ૨૯ માર્ચ સુધી ચાલુ રહેશે. સવારની દિલ્હીની ફલાઈટ શરૂ થતા બિઝનેસ ક્લાસ સહિતના હવાઈ મુસાફરોને આ ફલાઈટનો ખૂબ જ ફાયદો થશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા દિલ્હીની સવારની ફલાઈટ શરૂ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે ઇન્ડિગો એર લાઇન્સ રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફલાઈટ શરૂ કરવા જઇ રહી છે. ફલાઇટ નંબર ૬૩૯ દિલ્હીથી દરરોજ ૬.૧૦ વાગ્યે ઉડાન ભરશે અને ૧.૫૦ કલાકમાં એટલે કે સવારે ૮ વાગ્યે રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચશે. બાદમાં આ જ ફલાઈટ એરપોર્ટ ખાતેથી ૮.૩૦ વાગ્યે ઉડાન ભરશે અને સવારે ૧૦.૨૦ વાગ્યે દિલ્હી પહોંચશે.
હાલ દિલ્હીની સવારની એકપણ ફલાઈટ નથી. ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થતી દિલ્હીની સવારની ફલાઈટ મુસાફરો માટે ફાયદારૂપ બનશે. હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ૧૧ જેટલી ફલાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં મુંબઈની ૫, દિલ્હીની ૨, બેંગલોર, હૈદરાબાદ, ગોવા અને પુણેની ફલાઈટ ઉડાન ભરી રહી છે. જોકે હવે દિલ્હીની સાંજની ૨ ફલાઈટની સાથે સવારની ફલાઈટ પણ શરૂ થતાં રાજકોટથી દિલ્હી જવાની ફ્રિકવન્સી વધી જશે અને તેથી ૧૫ ફેબ્રુઆરીથી દિલ્હી જવા માટે દૈનિક ૩ ફલાઇટ ઉડાન ભરશે.
(12:02 PM IST)










