તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ટપુ ભવાન પ્લોટના બ્રિન્દાબેન પટેલના નામે પિત્રાઇ ભાઇ અમિતે બારોબાર ૪૦ લાખની લોન લઇ લીધી
અગાઉ ભાઇ-બહેન ભાગીદારીમાં પેઢી ચલાવતાં હતાં: ભાગીદારી છુટી થઇ ગયા પછી ભાઇએ ખોટુ કર્યુ યુનિવર્સિટી પોલીસે અમિત બોરડ સહિતના વિરૂધ્ધ ગુનો નોંધ્યોઃ લોનના ડોક્યુમેન્ટમાં સહીઓ અને સાથે જોડવાનો બ્રિન્દાબેનના ઘરનો ફોટો પણ ખોટોઃ કોર્ટ તરફથી નોટીસ આવતાં તેણીને પોતાના નામે લોન લેવાયાની ખબર પડી

રાજકોટ તા. ૨૪: શહેરના ટપુ ભવાન પ્લોટમાં રહેતાં મહિલા અગાઉ પોતાના પિત્રાઇ ભાઇ સાથે ભાગીદારી પેઢી ચલાવતાં હોઇ આ ભાગીદારી છુટી થઇ ગયા પછી પિત્રાઇએ બારોબાર બહેનની ખોટી સહીઓ કરી તેણીના નામે ૪૦ લાખની મોર્ગેજ લોન લઇ છેતરપીંડી કરતાં ફરિયાદ થઇ છે. મહિલાને કોર્ટ તરફથી નોટીસ મળતાં પોતાના નામે લોન લેવાઇ ગયાની ખબર પડી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ટપુ ભવાન પ્લોટ ૧-બી, પીડીએમ કોલેજ પાછળ રાધાકૃષ્ણ મકાન ખાતે રહેતાં બ્રીન્દાબેન નીરજભાઇ પટેલ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી અમીત મનહરભાઇ બોરડ અને મોબાઇલ નંબરના એક ધારક તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ બારોબાર બ્રીન્દાબેનના નામે ૪૦ લાખની લોન મેળવી લઇ ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે.
બ્રીન્દાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરે બેઠા સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરુ છું. મારા પતિ ચારેક વર્ષથી આફ્રિકાના જાંબીયા દેશમાં કંપનીમાં નોકરી કરે છે. મારો પિત્રાઇ ભાઇ અમિત બોરડ વર્ષ ૨૦૧૭માં મારા ઘરના ઉપરના બીજા માળે રહેતો હતો. ત્યારે અમે બંને ભાઇ-બહેન સાથે મળી ભાગીદારીમાં શ્રીપાવડર કોટીંગ નામની પેઢી ચલાવતાં હતાં. ગોંડલ રોડ પર ભાડાની જગ્યામાં આ પેઢી ચાલુ કરી હતી. જેમાં લોખંડના પાર્ટને કલર કરવાનું જોબવર્ક કરવાનું હતું. આ પેઢીના ડીડમાં મારુ માત્ર નામ હતું. બાકીનો વહિવટ મારા પતિ નિરજ ભરતભાઇ પટેલ અને મારો પિત્રાઇ ભાઇ અમિત બોડ કરતાં હતાં.
ત્યારપછી અટિકા આહિર ચોકમાં જયા ભાડે રાખી હતી. છેલ્લે વિરાણી અઘાટમાં પ્લોટ નં. ૧૦૭માં અમારી શ્રી પાવડર કોટીંગ નામની પેઢી ચાલતી હતી. ચારેક વર્ષ પહેલા મારા પતિ આફ્રિકા નોકરી કરવા જતાં મારો દિકરો બારમા ધોરણમાં હોઇ હું પેઢીમાં બહુ ધ્યાન આપી શકું તેમ ન હોઇ ભાગીદારી પેઢીમાંથી છુટા થવા મેં ભાઇ અમિતને નોટીસ આપી હતી. એ પછી ૫/૪/૨૪ના રોજ સી.એ.ના સર્ટિફિકેટ સાથે હિસાબ આપ્યો હતો. જે હિસાબ મુજબ મારે રૂા. ૭,૧૮,૨૧૯ લેવાના નીકળતાં હતાં. ૭/૫/૨૪ના રોજ હું પુેઢીમાંથી છુટી થઇ ગઇ હતી. એ પછી ૨૦૨૪માં પોસ્ટ મારફત મારા ઘરે કોલકત્તા જ્યુડી. મેજીસ્ટ્રેટ તરફથી બે નોટીસ આવી હતી. જેમાં તા. ૨૩/૧૨/૨૪ના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતું.
જેથી મેં મારા પિત્રાઇ ભાઇ અમિતને આ નોટીસ બાબતે પુછતાં તેણે સરખો જવાબ આપ્યો નહોતો. વધુ ઉંડાણથી પુછતાં તેણે કહેલુ કે મેં મારી દૂકાન ઉપર મોર્ગેજ લોન લીધી છે. એ પછી તપાસ કરતાં ખબર પડી હતી કે તેણે મીન્ટીફી ફીનસર્વ પ્રા. લી. નામની ફાફનાન્સ કંપનીમાંથી લોન લીધાનું જણાતાં આ કંપનીની ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી ઓફીસે જઈ પુછપરછ કરતાં મેનેજરે મને લોનના ડોકયુમેન્ટ બતાવ્યા હતા. જેમાં મેં સહી કરી નહોતી. તપાસ કરતાં આ સહીઓ મારા નામે મારા ભાઇ અમિતે કરી ૪૦ લાખની લોન લઇ લીધાની ખબર પડી હતી. આ લોન તેણે અમારી ભાગીદારી છુટી થઇ ગયા પછી તા. ૧/૭/૨૪ના રોજ લીધી હતી. લોનના ડોક્યુમેન્ટમાં મારા ઘરનો ફોટો આપવાનો હોઇ તે પણ મારા ઘરનો નહિ પણ આગળની શેરીના કોઇ મકાનનો ફોટો હતો.
આ રીતે ભાગીદારી પેઢીમાંથી હું છુટી થઇ ગઇ પછી મારી જાણ બહાર પિત્રાઇ ભાઇએ મારા નામે બારોબાર ખોટી સહીઓ કરી ૪૦ લાખની લોન લઇ લીધી હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં બ્રિન્દાબેને જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. સંજયભાઇ ઠાકરે ગુનો દાખલ કરાવતાં વિશેષ તપાસ પીએસઆઇ આર. કે. પટેલે હાથ ધરી છે.
(3:00 PM IST)










