<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ટ્રકના ચોરખાનામાં છુપાવેલો ૧૫૫ બોટલ દારૂ એસએમસીએ શોધી કાઢયો

મનિષ અને કલ્‍પેશ નાસિકથી પરત આવતી વખતે દારૂ ભરી લાવ્‍યા : ગ્રીનલેન્‍ડ ચોકડીએ સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ ગરચર, હેડકોન્‍સ. સંજયભાઇ ચાવડા, જયદેવભાઇ ગઢવીની બાતમીઃ કુલ રૂા. ૭.૨૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૪: શહેરની ગ્રીનલેન્‍ડ ચોકડી મોરબી હાઇવે પર સ્‍ટેટ મોનીટરીંગ સેલે બાતમીને આધારે એક ટ્રકને આંતરી  તેમાં ડ્રાઇવર કેબીન પાછળ ઠાઠાના ભાગે ચોરખાનામાં છુપાવાયેલો રૂા. ૧,૫૫,૬૩૫નો ૧૦૪ બોટલ દારૂ જપ્‍ત કરી બે શખ્‍સની ધરપકડ કરી દારૂ, ટ્રક, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૭,૨૦,૬૩૫નો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો છે. આ બંને ટ્રાન્‍સપોર્ટનો માલ ભરી નાસિક ગયા હોઇ ત્‍યાંથી પરત આવતી વખતે દારૂની બોટલો ચોરખાનામાં છુપાવીને લાવ્‍યા હતાં.

પ્રાપ્‍ત માહિતી અનુસાર એસએમસીની ટીમ દારૂના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ એસ. વી. ગરચર, હેડકોન્‍સ. સંજયભાઇ ચાવડા, હેડકોન્‍સ. જયદેવભાઇ ગઢવીને મળેલી બાતી પરથી ગ્રીનલેન્‍ડ ચોકડીથી મોરબી હાઇવે પર શીવધારા રેસીડેન્‍સીના બસ સ્‍ટોપ નજીક ટ્રક આંતરી લીધો હતો. જો કે ટ્રકના ઠાઠામાં જોતાં તે ખાલીખમ્‍મ નજરે પડયું હતું. કેબીનમાં પણ કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. પરંતુ આ ટ્રકમાં દારૂની બોટલો હોવાની પુરી બાતમી મળી હોઇ ઠાઠામાં જીણવટભરી તપાસ કરતાં કેબીનની પાછળના ભાગે ચોરખાનુ દેખાયુ હતું. તેની અંદરથી અલગ અલગ બ્રાન્‍ડની દારૂની ૧૦૪ બોટલો મળી આવી હતી.

એસએમસીની ટીમે મનિષ પ્રભાતભાઇ હેરમા (રહે. એલ. પી. પાર્ક-૨ કુવાડવા રોડ) તથા કલ્‍પેશ ઘનુભાઇ દેવાભાઇ દેવભડીંગજી (રહે. બેડીપરા ગંગેશ્વર રોડ)ની ધરપકડ કરી હતી. મનિષ ટ્રકનો માલિક છે અને કલ્‍પેશ કર્મચારી છે. તેનો ટ્રક ટ્રાન્‍સપોર્ટના માલની હેરફેરમાં ચાલે છે. બંને માલ ભરી નાસિક ગયા બાદ પરત આવતી વખતે કેબીન પાછળ બનાવાયેલા મોટા ખાંચા-ચોરખાનામાં બોટલો છુપાવીને લાવ્‍યાનું રટણ કર્યુ હતું. આ અંગે બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો.

(3:11 PM IST)