<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ઠેબચડા પાસે ડીસીબીની ટીમને જોઇ દારૂ ભરેલી કાર ભાગી, બાઇકને ઉલાળતાં એકને ફ્રેકચર

બલેનો કારમાંથી ૫૨૮૦૦નો દારૂ મળ્‍યોઃ બાઇકચાલક ઠેબચડાના રમેશને પગમાં ફ્રેકચર, તેના મામાને ઇજાઃ ડીસીબી અને આજીડેમ પોલીસે અલગ અલગ ગુના નોંધ્‍યા

રાજકોટ તા. ૨૪: રાજકોટ-ભાવનગર હાઇવે પર ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે મહિકા પાસે પાવર હાઉસ નજીક ઠેબચડા રોડ પર જીજે૧૩સીએ-૧૯૦૬ નંબરની કાર શંકાસ્‍પદ રીતે નીકળતાં ડીસીબીના સ્‍ટાફે ચાલને કાર ઉભી રાખવા જણાવતાં ચાલકે કાર ભગાવી મુકી હતી. પોલીસે પીછો કરતાં ચાલકે કાર ભગાવી મુકી હતી. ધુળ ઉડવા માંડતા કાર કઇ તરફ ગઇ તે દેખાયું નહોતું. બાદમાં આ કાર આગળ અકસ્‍માત સર્જાયેલી હાલતમાં મળી આવી હતી. તેમાં દારૂની પેટીઓ હોઇ ડીસીબીએ દારૂ, કાર કબ્‍જે કરી ચાલક-માલિકની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ આ કારની ઠોકરે બાઇક ચડી જતાં મામા-ભાણેજને ઇજા થઇ હોઇ અલગથી ગુનો નોંધાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ડીસીબીના પીએસઆઇ વી. વી. ડોડીયાની ટીમના વિશાલભાઇ દવે, રાજેશભાઇ જળુ, યુવરાજસિંહ ઝાલા, કોન્‍સ. અશોકભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે ઠેબચડા ગામ પાસે પહોંચતા જીજે૧૩સીએ-૧૯૦૬ નંબરની બલેનો કાર શંકાસ્‍પદ રીતે નીકળી હતી. તેને પોલીસે અટકાવવા હાથથી ઇશારો કરતાં ચાલકે કાર ઠેબચડા ગામ તરફ ભગાવી મુકી હતી. અંધારુ હોઇ અને ધુળ ઉડવા માંડી હોઇ કાર આગળ કઇ તરફ ગઇ તે જણાયું નહોતું. બાદમાં તપાસ કરતાં આ કાર ઠેબચડાથી મહિકા તરફના રસ્‍તે રોડ નીચે ઉતરી ગયેલી દેખાઇ હતી.

આ કારમાં તપાસ કરતાં અંદરથી અલગ અલગ બ્રાન્‍ડનો રૂા. ૫૨૮૦૦નો ૧૩૨ બોટલ દારૂ મળી આવ્‍યો હતો. જેથી કાર અને દારૂ મળી ૪,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ભાગી ગયેલા ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

બીજી તરફ આ કારના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક ઠેબચડા ગામે રહેતાં રમેશ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૧૯) તથા તેની સાથે પાછળ બેઠેલા તેના મામા બાળુભાઇ મીઠાભાઇ ચોૈહાણ (રહે. ચીરોડા તા. ચોટીલા)ને ઇજા થઇ હતી. બાળુભાઇ ફુલ પધરાવવા ગયા હોઇ અને આજીડેમ ચોકડીએ ઉતર્યા હોઇ રમેશ તેને તેડીને જતો હતો ત્‍યારે દારૂ ભરેલી કારના ચાલકે બંનેને ઠોકરે લીધા હતાં. જેમાં રમેશને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. તેના મામાને ઇજા થઇ હતી.

આ અંગે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ. કે. ગોસ્‍વામીએ અલગથી રમેશની ફરિયાદ નોંધી હતી.

(3:53 PM IST)