તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
રાત્રે રેસકોર્ષમાં સાહિત્ય અને હાસ્યની છોળો ઉડશેઃ લોકડાયરો
ગોરી રાધાને કાળો કાન...ગરબે ઘુમે ભુલી ભાન... : મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાત્રે ૮-૩૦ કલાકે કાર્યક્રમઃ કિર્તીદાન ગઢવી તથા ધીરૂભાઇ સરવૈયા શહેરીજનોને મોજ કરાવશેઃ નગરજનોને કાર્યક્રમ માણવા પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ તા. રપઃ મહાનગરપાલિકા દ્વારા ‘‘પ્રજાસત્તાક પર્વ''ની ઉજવણીના ભાગરૂપે આજ તા.૨૫ શનિવારના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે, કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘‘લોકડાયરા''નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર કિર્તિદાનભાઈ ગઢવી તથા હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની વાણીથી શહેરીજનોને તરબોળ કરાવશે. આ ‘‘લોકડાયરા''નું દિપ પ્રાગટય રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરી, ‘‘લોકડાયરા''નો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
કીર્તિદાનભાઈ ગઢવી : આણંદ જિલ્લાના વાલોળ ગામમાં ૨૩ ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો. ૧૨ ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બી.કોમ.નો અભ્યાસ શરૂ કર્યો હતો અને બાદમાં વર્ષ ૧૯૯૫માં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. અહીં રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી સંગીતના ‘‘સા , રે , ગ , મ , પ'' શીખ્યા હતા. આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ. ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા.
ગુજરાતી લોકડાયરો હર હંમેશ માટે યુવાન રહેશે એવું તેઓનું માનવું છે. આજે ગુજરાતનું યુવાધન પણ લોકસંગીત તરફ પ્રેરિત થયું છે તેનું ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ નહિ તેમનું લાડકી સોંગ છે.
ધીરૂભાઈ સરવૈયા : તળપદી-કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકેની આગવી ઓળખ ધરાવતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ડાયરા અને હાસ્યરસના રસિકો માટે ધીરૂભાઈ સરવૈયા નામ કદાચ નવુ નહીં હોય. પોતાના પિતા અને મોટાભાઈને નાનપણથી ભજન-દુહા-છંદ ગાતા જોઈને મોટા થયેલા ધીરૂભાઈ આજે હાસ્ય કલાકાર તરીકે આગળ પડતુ નામ ધરાવે છે. રાજકોટ નજીકના લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં ખેતી કરતા પરિવારમાં જન્મેલા ધીરૂભાઈ ચાર ધોરણના અભ્યાસ બાદ કડિયાકામ જેવી મજૂરી કરતા હતા. પણ વારસામાં મળેલા સંગીતના કારણે તેઓ મજૂરીની સાથે સાથે ગામ-તાલુકામાં યોજાતા કાર્યક્રમમાં પણ ભાગ લેતા હતા. ધીરૂભાઈ સરવૈયા સેવાકીય કાર્યો માટે આયોજન થયેલા કાર્યક્રમમાં ફી ન સ્વીકારીને દાન પણ આપે છે. છેલ્લા ૩૧ વર્ષમાં આજે પણ મારા હાસ્યને ચોક્કસ સ્તરથી નીચે ઉતરવા નથી દીધું. અન્ય કલાકાર પ્રત્યેનો ભાવ રજૂ કરતા ધીરૂભાઈ જણાવ્યું હતું કે, કલાકાર હસતો, સસ્તો અને કાયમ લોકહૃદયમાં વસતો હોવો જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ ‘‘લોકડાયરો'' માણવા અનુરોધ કર્યો છે.
ધીરૂભાઇના પ્રખ્યાત
હાસ્ય આલ્બમ
- હાસ્યની મોજ
- ધીરૂના ધુબાકા
- હાસ્યની હેરાફેરી
- કાઠિયાવાડી જોકસ
- હાસ્યની ધમાલ
- હાસ્યનું ફાયરીંગ
કીર્તિદાનભાઈના કંઠે ગવાયેલા ગીતા
- તેરી લાડકી મેં...
- ગોવાળિયો...
- મોગલનો તરવેળો...
- ગોરી રાધાને કાળો કાન...
- રસિયો રૂપાળો રંગ રેલિયો...
- શિવ તાંડવ...
- નગર મેં જોગી આયા...
- જયદેવ જયદેવ...
(2:50 PM IST)










