<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

મહિલા સહિત ત્રણ બાંગ્‍લાદેશી ઘૂષણખોર ઝડપાયા

સોહિલહુશેન અને રીપોનહુશેન બે મહિનાથી પડધરીના રંગપરની મારૂતી સોસાયટીમાં રહી પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં નોકરી કરતા'તાઃ મજૂરી કરવા આવ્‍યાનું રટણઃ પડધરીમાં આવેલી કિંગ પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં કામ કરતાં હતાં : પડધરીના રંગપરથી બે ઘૂષણખોરને પકડી લેવાયા બાદ તેને અહિ રહેવાની, નોકરી અપાવવામાં મદદ કરનારી બાંગ્‍લાદેશની હીના બીશ્વાસ પણ સકંજામાં: તે પણ કેટલાક સમય પહેલા આ બંનેની જેમ ભારતમાં ઘુસી હતીઃ હીના ચણોલના પ્રદિપસિંહ સાથે મૈત્રી કરારથી રહેતી હતીઃ ત્રણેયની ઘનિષ્‍ઠ પુછપરછ શરૂ કરવામાં આવી :રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હીમકરસિંહની સુચના અંતર્ગત એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, એસઓજી પીઆઇ એફ. એ. પારગી, પીએસઆઇ બી. સી. મિયાત્રા, પી.બી. મિશ્રા અને ટીમની કાર્યવાહીઃ ઝડપાયેલા બંને શખ્‍સોનો ખરેખર અહિ આવવાનો હેતુ શું?: બંનેની અને હીનાની ઉંડાણપુર્વક પુછપરછ શરૂ થઇ : ઝડપાયેલા આ બંને બાંગ્‍લાદેશીની રૂરલ એસઓજી અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ઘનીષ્‍ઠ પુછપરછ હાથ ધરી

રાજકોટ તા. ૨૫:  બાંગ્‍લાદેશમાં ભારતીયો પર હુમલા અને હિન્‍દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ બની હોઇ વિશ્વભરમાં આ બાબત ચર્ચાનો વિષય બની રહી છે. આ વચ્‍ચે રાજકોટ જીલ્લાના પડધરી તાબેના રંગપર ગામેથી રાજકોટ રૂરલ એસઓજીની ટીમ અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ચોક્કસ બાતમીને આધારે બે બાંગ્‍લાદેશી ઘૂષણખોરોને ઝડપી લઇ ઘનીષ્‍ઠ પુછપરછ હાથ ધરી છે. આ બંનેની પુછતાછ બાદ તે પડધરીના ચણોલ ગામે અગાઉથી ઘૂષણનખોરી કરીને રહેતી બાંગ્‍લાદેશી મહિલાની મદદથી અહિ આવ્‍યાનું રટણ કરતાં આ મહિલાને પણ ઝડપી લેવાઇ છે. બંને શખ્‍સો બાંગ્‍લાદેશના જંગલ માર્ગે થઇ ભારતમાં ઘુસી પડધરીના રંગપર સુધી પહોંચી રૂમમાં ભાડેથી રહી પડધરીની પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં નોકરીએ જોડાઇ ગયા હતાં. હાલ તો આ બંને મજુરી કરવા આવ્‍યાનું રટણ કરે છે. તેનો કોઇ અન્‍ય ઇરાદો તો નહોતો ને? આ સહિતની ઝીણવટભરી તપાસ શરૂ થઇ છે. સેન્‍ટ્રલ આઇબીની ટીમ પણ આ તપાસમાં સામેલ થશે.

જાણવા મળ્‍યા મુજબ રવિવારે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની હોઇ રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હિમકરસિંહે રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં સુલેહશાંતી જળવાઇ રહી અને કોઇ શંકાસ્‍પદ શખ્‍સો હોય તો તેને શોધી કાઢી પુછતાછ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત રાજકોટ જીલ્લા એસઓજીની ટીમ અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ સતર્ક બની હતી. આ દરમિયાન હેડકોનસ. મયુરભાઇ વીરડા અને મનોજભાઇ બાયલને પાક્કી માહિતી મળી હતી કે પડધરીના રંગપર ગામના પાટીયા પાસે આવેલી મારૂતિ સોસાયટીના બ્‍લોક નંબર-૩માં બે શખ્‍સો ભાડેથી રહે છે અને તે ભારતના નાગરિક નથી.

આ માહિતીને આધારે એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, રૂરલ એસઓજી પીઆઇ એફ એ. પારગી, પીએસઆઇ બી. સી. મિયાત્રા સહિતની ટીમ રંગપરની મારૂતિ સોસાયટીમાં બાતમી મુજબના મકાને પહોંચી હતી. જ્‍યાં બે શખ્‍સ હાજર હોઇ તેની ઓળખ માંગતા બંને ભારતીય નાગરિક તરીકેના કોઇ આધારપુરાવા આપી શકયા નહોતાં. વિશેષ પુછતાછ થતાં પોતે બાંગ્‍લાદેશી હોવાનું અને પોતાના નામ સોહિલહુશેન યાકુબઅલી (ઉ.વ.૩૦-મુળ મોનીરામપુર જોસર થાના મોનીરાપુર, રાજધાની ઢાકા-બાંગ્‍લાદેશ) તથા રીપોનહુશેન અમીરૂલઇસ્‍લામ (ઉ.વ.૨૮-મુળ વતન મોનીરામપુર, થાના મોનીરાપુર જી. જોસર રાજધાની ઢાકા-બાંગ્‍લાદેશ) જણાવ્‍યા હતાં.

આ બંન હાલમાં રંગપરના પાટીયે મારૂતિ સોસાયટીમાં આવેલા ભુપતભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા હતાં. બંનેએ રટણ કર્યુ હતું કે બે મહિના પહેલા બાંગ્‍લાદેશથી ઘૂષણખોરી કરીને તેઓ અહિ સુધી પહોંચ્‍યા છે. તેઓ માત્ર મજૂરી કરવા જ આવ્‍યાનું અને હાલ પડધરીની કિંગ પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં નોકરી કરતાં હોવાનું કહ્યું હતું. આ ભાડાનું મકાન એક ત્રીજા શખ્‍સે પોતાના નામે ભાડા કરાર કરીને અપાવ્‍યું હોઇ પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બંનેએ એવી  વિગતો જણાવી હતી કે તેની પહેલા બાંગ્‍લાદેશની હીના ખુરશીદઆલોમ બિશ્વાસ પણ ઘૂષણખોરી કરીને ભારતમાં ઘુસી હતી અને હાલ આ મહિલા પડધરીના ચણોલ ખાતે પ્રદિપસિંહ નામની વ્‍યક્‍તિ સાથે રહે છે. આથી રૂરલ એસઓજીએ હીનાની શોધખોળ આદરતાં તેને પોલીસ સ્‍ટેશને રજૂ કરાઇ હતી. તે જેની સાથે રહે છે તે પ્રદિપસિંહ જાડેજા સાથે તેણીએ મૈત્રી કરાર કર્યા હોવાનું તેણીએ કહ્યું હતુ. હીના કેટલાક સમયથી પ્રદિપસિંહ સાથે રહે છે.

હીનાનો સંપર્ક સોહિલહુશેન અને રિપોનહુશેને કર્યો હતો અને પોતે પણ મજૂરી કરવા આવવા ઇચ્‍છે છે તેમ કહેતાં હીનાએ બંનેને મદદ કરી હતી અને પ્રદિપસિંહ મારફત ભાડાના મકાનની અને ફેક્‍ટરીમાં નોકરીની વ્‍યવસ્‍થા કરાવી આપી હતી. હાલ હીના અને બંને શખ્‍સોની પુછતાછ થઇ રહી છે. હજુ કોઇ ગુનો આ મામલે નોંધાયો નથી. સેન્‍ટ્રલ આઇબી તપાસ કરે પછી કાર્યવાહી થવાની શક્‍યતા છે. પ્રદિપસિંહ સાથે હીનાનો સંપર્ક કઇ રીતે થયો? તે સહિતની તપાસ થઇ રહી છે.

શોધી રહી છે. વળી પડધરીની પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીના સંચાલકે આ બંનેને નોકરી પર રાખ્‍યા ત્‍યારે આધાર પુરાવા મેળવ્‍યા હતાં કે કેમ? ખોટા ઓળખના પુરાવા અપાયા હતાં કે કેમ? તે સહિતની તપાસ શરૂ થઇ છે.

રાજ્‍યના પોલીસ વડા અને સેન્‍ટ્રલ આઇબીને પણ આ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે. રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હિમકરસિંહની સુચના અંતર્ગત રૂરલ એસઓજી પીઆઇ એફ. એ. પારગી, એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, રૂરલ એસઓજી પીએસઆઇ બી. સી. મિયાત્રા, પી.બી. મિશ્રા, એએસઆઇ અતુલભાઇ ડાભી, જયવિરસિંહ રાણા, અમિતભાઇ કનેરીયા, ઇન્‍દ્રસિંહ જાડેજા, સંજયભાઇ નિરંજની, હેડકોન્‍સ. વિજયભાઇ વેગડ, શિવરાજભાઇ ખાચર, હિતેષભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ, કોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી, ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, એએચટીયુના હેડકોન્‍સ. મયુરભાઇ વીરડા, મનોજભાઇ બાયલની ટીમે આ કામગીરી કરી હતી.

બાંગ્‍લાદેશથી જંગલ માર્ગે ભાડાના બાઇક મારફત અને ચાલીને ૪ દિવસે કોલકત્તામાં ઘુસ્‍યાઃ ત્‍યાંથી ટ્રેન દ્વારા અમદાવાદ અને રાજકોટ થઇ પડધરી પહોંચ્‍યા'તા

સોહિલહુશેન કુંવારો છે, રીપોનહુશેન પરણેલો છેઃ ભારતમાં ઘુસવા બાંગ્‍લાદેશી એજન્‍ટને નાણા ચુકવ્‍યાનું કથન

ઞ્જઝડપાયેલા બંને બાંગ્‍લાદેશી ઘૂષણખોર સોહિલહુશેન અને રીપોનહુશેન ભારતમાં કઇ રીતે ઘુસ્‍યા? તેની પ્રાથમિક પુછતાછ કરવામાં આવતાં બંનેએ કબુલ્‍યું હતું કે બે મહિના પહેલા પોતે મજુરી કરવાના ઇરાદા સાથે બાંગલાદેશથી જંગલ માર્ગે રવાના થયા હતાં. જ્‍યાં  બાંગ્‍લાદેશી એજન્‍ટો પૈસા લઇ જે લોકો ભારત જવા ઇચ્‍છતા હોઇ તેની ઘૂષણખોરી કરાવે છે. પોતે પણ પૈસા ચુકવ્‍યા હતાં. જંગલનો ભાર્ગ અતિ વિકટ છે. ચાર દિવસની સફર બાદ કોલકત્તા બોર્ડર સુધી પહોંચે છે અને બાદમાં ભારતમાં ઘુસે છે. એજન્‍ટો દ્વારા જંગલનો થોડોઘણો રસ્‍તો કાપવા માટે ભાડાના બાઇક પણ અપાય છે. બાકીની સફર પગપાળા કાપવી પડે છે. ચોથા દિવસે ભારતમાં ઘુસાડી દેવામાં આવે છે. બંને આ રીતે કોલકત્તામાં ઘુસ્‍યા બાદ ત્‍યાંથી હાવડા એક્‍સપ્રેસ ટ્રેનમાં બેસી અમદાવાદ અને અમદાવાદથી બીજી ટ્રેન પકડી રાજકોટ પહોંચ્‍યા બાદ પડધરીના ચણોલમાં રહેતી બાંગ્‍લાદેશી યુવતિ હીના ખુરશીદઆલોમ બિશ્વાસ (ઉ.વ.૩૪) મારફત બંને શખ્‍સ  રંગપર પહોંચ્‍યા હતાં. અહિ હીનાના મિત્ર મારફત  મકાન ભાડેથી રાખ્‍યું હતું અને તેના મારફત જ ફેક્‍ટરીમાં નોકરી મેળવી હતી.  સોહિલહુશેન કુંવારો છે અને રીપોનહુશેન પરણેલો છે. ૨૬મી જાન્‍યુઆરીના આગલા દિવસે જ આ કાર્યવાહીથી ચકચાર જાગી છે. ઝડપાયેલા બંનેની ઝીણવટભરી પુછતાછ યથાવત રાખવામાં આવી છે.

(3:05 PM IST)