તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
'તમારે રો-મટિરિયલ્સ જોઈએ તો કહેજો'...વ્હોટ્સએપમાં મેસેજ કરી રાજકોટના કારખાનેદાર સાથે ૪.૫૪ લાખની ઠગાઈ: વિશાલ પોશિયાની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરીયાદ

રાજકોટઃ સાયબર ગઠિયાઓએ વધુ એક ફ્રોડને અંજામ આપ્યો છે. કારખાનેદારને વ્હોટ્સએપમાં મેસેજ કરી રો મટીરિયલ્સ બાબતે જણાવી બાદમાં સાડાચાર લાખની ઠગાઈ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા મેઇન રોડ પર આસોપાલવ વાટીકા સોસાયટીમાં રહેતા અને વી.કે. એન્જીનિયરિંગ નામે ચાકુ કટ્ટર મશીનના પાર્ટસનું જોબવર્કનું કામ કરતાં વિશાલ ધનજીભાઈ પોશીયા (ઉ.વ.૩૦)ની સાથે રો-મટીરીયલ્સની ખરીદીના નામે ત્રણ શખ્સોએ રૂા. ૪.૫૪ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઇ છે. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વિશાલભાઈની ફરિયાદ પરથી અનિલ પટેલ નામના પેઢીના ખાતાધારક અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનાર નેવીલ શુક્લા સામે ગુનો દાખલ કર્યો હતો.
છેતરાયેલા કારખાનેદાર વિશાલભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈ તા. ૨૨-૭નાં તેને વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં તમારે કોઈ રો-મટીરીયલ્સ તથા બીલીંગ બાબતે કામ હોય તો કહેજો તેવો મેસેજ આવ્યો હતો. ગઈ તા. ૨૧-૬- ૨૪નાં રો-મટીરીયલ્સની જરૂર પડતાં તેણે તે નંબર એક એપમાં સર્ચ કરતાં અનિલ પટેલ નામ આવ્યું હતું. આથી આરોપીને ફોન કરતા બોલો શેઠ કહી કામ બાબતે પૂછતા તેને રો- મટીરીયલ્સની જરૂરિયાત હોય અને બીલ થોડુ ઉંચુ જોતું હોય તેમ કહેતા તેણે ચિંતા ના કરો, તમારે જે રીતે અને જેટલું જોતું હશે તેટલુ થઈ જશે કહ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે તા. ૨૨નાં આરોપીએ તેને ફોન કરી તેણે ૪.૫૪ લાખનું બિલ અને બેંક ખાતાની વિગતો મોકલી હતી.જેથી તા. ૨૪નાં વીકી એન્ટરપ્રાઈઝના ખાતામાં પેમેન્ટ કરી માલ ક્યારે મોકલશો પૂછતા આરોપીએ કાલના દિવસમાં આપીશ તેમ જણાવ્યું હતું. બે દિવસ બાદ પણ માલ નહીં મોકલતા તેને ફોન કરતા બ્લોક કરી નાખ્યો હતો. જેથી તેણે જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તે બાબતે બેંક મેનેજરને પુછતા તેણે માહિતી ન આપી શકે તેમ જણાવ્યું હતું. આ બેંક ખાતાના રજીસ્ટર ફોન નંબર જે નેવિલ શુક્લ નામનો હોય તેની સાથે વાત કરી માલ બાબતે પુછતા તેણે આ ખાતુ શોભનાબેનનું છે. જેનું હેડલીંગ હું કરું છું, મારે અનિલ પટેલ સાથે ફક્ત પૈસા ઉપાડી રોકડ આપવાની વાત થઈ છે અને મેં તેને રૂા. ૪.૨૦ લાખ આપી દીધા છે. માલ બાબતે કોઈ વાતચીત થઇ નથી. રૂબરૂ મળશું ત્યારે વિસ્તારમાં જણાવીશ તેમ વાત કરી હતી.
ચારેક દિવસ બાદ તેણે નેવિલને મળતા તેણે જણાવ્યું હતું કે, તેને અનિલ સાથે સીધો સંપર્ક નથી. સંજયસિંહ મારફતે તેનો સંપર્ક થયો છે. હું સંજયસિંહને આ બાબતે વાત કરીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ તેના મિત્ર ભાવિનને આરોપી અનિલના મોબાઇલ ઉપર માલ અને બિલ બાબતે પુછાણ કરાવતા તેણે તેના ભાઈ સાથે વાત કરવાનું કહ્યું હતું. તેના ભાઈએ અહીંયા આવી જાવ અનિલભાઈ સાથે વાત થઇ ગઇ છે. તેમ કહી લોકેશન મોકલતા તે વેરિફાઈ કરતાં રામવન મેઇન રોડનું હોય તે જોવા ગયા હતા. પરંતુ ફ્રોડ થયાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
(9:51 AM IST)










