તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ કથીરીયા પર સણોસરામાં ઇલ્યાસ શેરસીયાનો લોખંડના પાઇપથી હુમલોઃ હાથના અંગુઠામાં ફ્રેકચરઃ મારી નાખવાની ધમકી પણ દીધી
એક વર્ષ પહેલા ઇલ્યાસ વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી તૂટી પડયોઃ ચેતનભાઇ ધ્વજવંદન કરીને ગામના ડાયાભાઇના બાઇકમાં બેસી ઘરે જવા નીકળ્યા ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે આંતરી લેવાયાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

રાજકોટ : રાજકોટના કુવાડવા તાબેના સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના ચેરમન ચેતનભાઇ ચંદ્રેશભાઇ કથીરીયા-પટેલ (ઉ.વ.૩૫) ઉપર આજે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સવારે ગ્રામ પંચાયતના ગેઇટ નજીક જ ગામના ઇલ્યાસ રહીમભાઇ શેરસીયાએ લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં પગમાં અને હાથમાં ઇજા થતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તબિબી નિદાન થતાં હાથના અંગુઠામાં ફ્રેકચર થયાનું જણાયું હતું. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ આઇ. એ. ભટ્ટી, હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજન સહિતે હોસ્પિટલે પહોંચી ચેરમેન ચેતનભાઇ કથીરીયાની ફરિયાદ પરથી આરોપી ઇલ્યાસ વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૧૫ (૨), ૧૧૭ (૨), ૩૫૨, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
સવારે ચેતનભાઇ કથીરીયા પ્રાથમિક શાળાએ ધ્વજવંદન કરીને ઘરે જવા ગામના ડાયાભાઇ ફાંગલીયાના મોટરસાઇકલમાં બેસીને રવાના થયા ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે જ ઇલ્યાસે તેમને આંતરી ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કરી દીધો હતો. બનાવને પગલે આગેવાનો, ગામલોકો પણ હોસ્પિટલે દોડી ગયા હતાં. સારવાર બાદ તેમને રજા અપાઇ હતી. એક વર્ષ પહેલા ઇલ્યાસ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હોઇ તેનો ખાર રાખી તેણે આ હુમલો કર્યાનું બહાર આવ્યું છે.
(7:20 PM IST)










