News of Tuesday, 28th January 2025
‘સુવર્ણ ભૂમિ' ખાતે આન, બાન, શાન સાથે તિરંગો લહેરાવાયો
પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી : સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કરના નેજા હેઠળ દેશભકિતનો જબ્બર માહોલ સર્જાયો : બાળકો, મહિલાઓ, વૃધ્ધો સહિતના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

રાજકોટ તા. ર૭ :.. રાજકોટના સુવર્ણ ભૂમિ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ‘સુવર્ણભૂમિ' પરિસર ખાતે ર૬ જાન્યુઆરી-પ્રજાસત્તક દિવસની દેશભકિતના જબ્બર માહોલ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આન, બાન, શાન સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને હાજર રહેલ સેંકડો સભ્યોએ રાષ્ટ્રગાન સાથે ભારતના રાષ્ટ્રધ્વજને ખુમારી અને ગૌરવ સાથે સલામી આપી હતી. ‘ભારત માતા કી જય' અને ‘વંદે માતરમ્' ના નાદ સાથે વિશાળ પરિસર ગૂંજી ઊઠયું હતું.
સુવર્ણભૂમિ સોસાયટીના પ્રમુખ અને સામાજીક અગ્રણી શ્રી મનિષભાઇ ઠક્કરે પોતાના વકતવ્યમાં હાજર રહેલ સૌ સભ્યોને ૭૬મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી અને સ્વતંત્રતા-બંધારણનું મહત્વ સમજાવ્યું હતું. સુવર્ણભૂમિ સોસાયટીના તમામ સભ્યો સંગઠન - એકતા સાથે સતત પ્રેરણાદાયી પ્રવૃત્તિઓમાં સહયોગી બની રહ્યા છે જે ખરેખર ઉત્કૃષ્ટ ઉદાહરણ હોવાનું પણ મનિષભાઇ ઠક્કરે જણાવ્યું હતું.
સોસાયટીના પૂર્વ પ્રમુખ શ્રી રોહીતભાઇ કથીરીયા, અન્ય હોદેદારો તથા કમિટી મેમ્બર્સ શ્રી મનસુખભાઇ મારવાણીયા, નૈનેશભાઇ પારેખ, નિખિલભાઇ શેઠ, રાકેશભાઇ કડેચા, વિનુભાઇ ધીંગાણી, રમેશભાઇ નારીયા, પ્રિન્સભાઇ મણીયાર સહિતના મહાનુભાવો ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પ્રશાંતભાઇ ઠાકરે કર્યુ હતું.
છેલ્લા એક વર્ષ દરમ્યાન સુવર્ણભૂમિ સોસાયટીના જે સભ્યો કે સભ્યોના સગા-વ્હાલાઓ-વડીલોનું દુઃખદ અવસાન થયું હોય તેઓના આત્માની શાંતિ માટે હાજર રહેલ સૌ કોઇએ બે મિનીટ મૌન પાળ્યું હતું અને સ્વર્ગસ્થોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
(11:48 AM IST)










