<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

મનપાની તીજોરી ખાલીખમ છતાં કેલેન્‍ડર પાછળ ૧.૭૯ કરોડનો ખર્ચ

વર્ષ પૂરૂ થશે કેલેન્‍ડર નકામા બની જશેઃ કોર્પોરેટર -અધીકારીઓ અને લોકો ફેંકી દેશેઃ પરંતુ કરોડો તો સ્‍વાહા! :૨૬ દિ'બાદ કચેરીમાં જ કેલેન્‍ડર આવ્‍યાઃ ડેસ્‍ક ડાયરીનો હજુ પતો નથીઃ એક મહિના બાદ આવે તો પણ સારૂં: ૧.૬૦ લાખ કેલેન્‍ડર છપાવવાની શું જરૂર! લોકમુખે ચર્ચા

રાજકોટ તા. ર૮: લોકોની સુવિધાઓ માટે સમયસર વિકાસ કામો કરનાર મનપા પોતાના જ કાર્યો સમય પર ન કરતી હોવાની ૪૮ કલાકમાં બીજી ઘટના સામે આવી છે.મનપા દ્વારા બે દિવસ પહેલા કેલેન્‍ડરનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. નવા વર્ષના રપ દિવસ મોડો યોજાયેલ કાર્યક્રમ હજુ જનમાનસમાં અંકિત છે ત્‍યાંજ દર વર્ષે પ્રકાશીત થતી ડેસ્‍ક ડાયરી પણ આ વર્ષે વિલંબથી ચાલી રહી છે.

સૂત્રો મુજબ કેલેન્‍ડરની એક કોપી આશરે રૂ. ૧૧ર ની થઇ છે, જેની ૧.૬૦ લાખ જેટલી પ્રત છાપવામાં આવી છે. રપ દિવસ બાદ શરૂ થયેલ વિતરણ કેટલું ઉપયોગી થાય એ તો તંત્રવાહકો જ જાણે. સામાન્‍ય રીતે રેસીડેન્‍સ તથા કોમર્શીયલ એકમો ડીસેમ્‍બરના અંતમાં જ નવા કેલેન્‍ડરની વ્‍યવસ્‍થા કરી લેતા હોય છે ત્‍યારે આ ૧.૬૦ લાખ મનપાના કેલેન્‍ડરોમાંથી કેટલાનો સદ્દપયોગ થાય અને અંદાજીત ૧.૭૯ કરોડનો ખર્ચ લેખે લાગ્‍યો કે નહીં તે કોઇ જાણતું નથી.

જયારે ડેસ્‍ક ડાયરી જાન્‍યુઆરીમાં વિતરણ કરી દેવામાં આવતી હોય તે પણ હજુ એક મહિના પછી કાર્યકરોના હાથમાં આવે તેવી શકયતા છે. આ વર્ષે તંત્રવાહકોએ નવી કેનવાસ પુઠાવાળી ડાયરીનું પ્રકાશન કરાવી રહ્યા છે. મનપાની આ એક ડેસ્‍ક ડાયરીની કિંમત આશરે રૂા. પ૦૮ જેટલી છે, જયારે તેની પ૭૦૦ નકલ પ્રિન્‍ટ કરવામાં આવનાર છે.

આમ ર૦રપના વર્ષનો જાન્‍યુઆરી માસ પુરો થવા આવ્‍યો હોવા છતાં ડેસ્‍ક ડાયરીના ૩૧ પાના તો નકામા જ જવાના છે. જયારે ફેબ્રુઆરીમાં પણ આવી જ સ્‍થિતિ ઉભી થશે. જેથી તંત્રના કાગળ અને પ્રિન્‍ટીંગ ખર્ચ એળે઼ જશે. આ પરિસ્‍થિતિ ઉભી ન થાય તે માટે મનપાએ આગોતરૂં આયોજન કરવું જોઇએ અથવા એપ્રીલથી માર્ચની ડેસ્‍ક ડાયરી બનાવવી જોઇએ તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મનપા ઇતિહાસમાં પ્રથમ વખત કેલેન્‍ડર પ્રસિધ્‍ધ કરવાનો નિર્ણય કર્યો છે. હજુ ૧૦૦ જ કેલેન્‍ડરનું પ્રિન્‍ટીંગ કરવામાં આવ્‍યું છે. એક કે બે દિવસમાં એકજ કેલેન્‍ડર આવશે. તો ૧.૬૦ લાખ કેલેન્‍ડર કયારે છપાશે તેવો સવાલ નાગરીકો કરી રહ્યા છે.

(3:25 PM IST)