News of Tuesday, 28th January 2025
વધુ બે મૃતકના ચક્ષુ અને સ્કીનનું દાન કરાવતાં એએસઆઇ રામશીભાઇ વરૂ
મૃત્યુ પામનાર ઢસાના ભાવેશભાઇ દેવડા અને સરપદડના પ્રવિણચંદ્ર રૂપારેલીયાના સ્વજનોને સમજાવતાં સ્તુત્ય કાર્ય

રાજકોટ તા. ૨૮: સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ પોતાની ફરજ બજાવવાની સાથે સાથે સેવાકીય પ્રવૃતિ પણ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર બે વ્યક્તિના ચક્ષુ અને સ્કીનનું દાન કરાવ્યું છે.
જાણવા મળ્યા મુજબ ઢસા રહેતાં ભાવેશભાઇ ભરતભાઇ દેવડા (ઉ.વ.૩૦) નામના યુવાને આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પી લીધી હોઇ રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. જ્યારે સરપદડના પ્રવિણચંદ્ર જીવરાજભાઇ રૂપારેલીયા (ઉ.વ.૬૫)ને હાર્ટએટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડાતાં સિવિલ હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂએ બંનેના સ્વજનોનને મૃતકોના ચક્ષુ, સ્કીનનું દાન કરવા સમજાવતાં તેમના સ્વજનો આ સ્તુત્ય અને પ્રેરણાદાયી કાર્ય કરવા રાજી થયા હતાં. ભાવેશભાઇના ચક્ષુ અને સ્કીનનું તથા પ્રવિણચંદ્રના ચક્ષુઓનું દાન કરાવાયું હતું.
(3:26 PM IST)










