<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

બે વેર્સ્‍ટન ડીસ્‍ટર્બન્‍સ આવી રહ્યા છેઃ તા. ૧ થી ૩ ફેબ્રુઆરી દરમિયાન આવનાર વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ અરબ સાગર સુધી લંબાશેઃ ગૌરવ રાણીંગા

ઉતર-મધ્‍ય-પૂર્વ-દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોના વાતાવરણમાં પલટો આવશે... બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-મહીસાગર-અમદાવાદ-ગાંધીનગર-ખેડા-વડોદરા જીલ્લામાં માવઠાની વધુ અસર રહેશે... સૌરાષ્‍ટ્રમાં ભાવનગર-અમરેલી-સુરેન્‍દ્રનગર-બોટાદ અને રાજકોટ જીલ્લાના કેટલાક વિસ્‍તારોમાં હળવા ભારે ઝાપટા તો એકલ દોકલ વિસ્‍તારોમાં ભારે માવઠાની શકયતા

રાજકોટ તા. ર૮: જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી ગૌરવ રાણીંગાએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં આગામી આગાહી જણાવેલ કે આગામી દિવસોમાં ઉતર ભારતમાં આવી રહેલા ઉપરા ઉપરી બે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવા સાથે માવઠાના કમોસમી વરસાદની આગાહી.

આગામી ૩૦-૩૧ જાન્‍યુઆરી દરમ્‍યાન એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ઉતર ભારતમાંથી પસાર થશે જેના તુરંત બાદ ૧ થી ૩ ફેબ્રુઆરી દરમ્‍યાન બીજું મજબૂત વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ પણ આવી રહ્યું છે જેનો ટ્રફ અરબસાગર સુધી લંબાશે જેની અસરથી ગુજરાત તરફ ભેજવાળા પવનો ફુંકાવાથી ઉતર ગુજરાત, મધ્‍ય-પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોના વાતાવરણમાં પણ પલટો આવી શકે. તા. ર-૩-૪ ફેબ્રુઆરી દરમ્‍યાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને વડોદરા જિલ્લા સહિત પૂર્વ ગુજરાતના મધ્‍ય પ્રદેશ સરહદ લાગુ વિસ્‍તારોમાં આ માવઠાની વધુ અસર રહે તેવી શકયતા છે. આ વિસ્‍તારોમાં કયાંક કયાંક ગાજવીજ સાથે ભારે માવઠું થશે. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં ભાવનગર, અમરેલી, સુરેન્‍દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં હળવા ભારે ઝાપટાં અને છૂટા છવાયા એકલ દોકલ વિસ્‍તારોમાં ભારે માવઠાની પણ શકયતા રહેલી છે. ગુજરાતના આ સિવાયના વિસ્‍તારોમાં પણ કયાંક કયાંક છાંટછુટ સાથે હળવું માવઠું શકય. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની મજબૂતી અને પસાર થવાના સમયમાં આગળ પાછળ થવા મુજબ આ આગાહીમાં અને માવઠાના વિસ્‍તારોમાં ફેરફાર થઇ શકે, તો આગળ તેની અપડેટ પણ આપવામાં આવશે. (વેધરઃ બાય ગૌરવ રાણીંગા)

 નોંધઃ આ માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર શકય છે. તમારા વ્‍યસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્‍યાનમાં લેવી.

(4:23 PM IST)