News of Tuesday, 28th January 2025
૬પ વર્ષ જુની કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલના લાભાર્થે પૂર્વ વિદ્યાર્થીની દિપાલી દીદી દ્વારા કૃષ્ણ કથાનું આયોજન
તા. ૩૧ જાન્યુ. - ૧ ફેબ્રુઆરીએ હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૮.૩૦ થી ૧ર સુધી દિપાલી દીદી કથાનું અમૃતરસપાન કરાવશે ખાનગી શાળાઓના આક્રમણ અને ધંધાદારી કેળવણીકારો વચ્ચે કોઇ ફી વગર ચાલતી શ્રી કે.જે. કોટેચા ગર્લ્સ સ્કુલ ૭રપ વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક અભ્યાસ કરાવતી કે.જે. કોટેચા ગર્લ્સ સ્કુલનું વ્યકિતગત નહી, શાળા શિક્ષકો... શિક્ષણ પ્રેમીઓ સંચાલન કરે છે દાનનો ઉપયોગ શાળાની ભૌતિક સુવિધા વધારવામાં થશેઃ બીલ્ડીંગમાં જરૂરી રીપેરીંગ, પુસ્તકાલય, સોલાર પેનલની જરૂરીયાત

અકિલા કાર્યાલય ખાતે કોટેચા ગર્લ્સ સ્કુલના ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડયા, ડો. નિદત્ત બારોટ, ડો. ભાવેશ જોશી નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ, તા. ર૮ : શહેરની ૬૫ વર્ષ જુની કે.જે.કોટેચા ગર્લ્સ સ્કુલના લાભાર્થે તા. ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીએ હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે દિપાલી દીદી શ્રી કૃષ્ણ કથાનું અમૃત રસપાન કરાવશે.
અકિલા કાર્યાલય ખાતે ભાનુભાઇ પંડયા, ડો. નિદત્ત બારોટ, ભાવેશ જોશીએ જણાવ્યું કે, શ્રી કે. જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલની સ્થાપના ૧૯૬૬ માં શ્રી કે. જે. કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ છે. આ ટ્રસ્ટ રાજકોટના શ્રી કુરજીભાઈ ઝીણાભાઈ કોટેચા(કોટેચા શેઠ) દ્વારા સ્થપાયેલું હતું. જેઓએ સેવાની ભાવનાથી શરૂ કરેલી શાળામાં જે તે વખતે શ્રી ગોરધનભાઈ મજીઠિયા (વિરાણી હાઇસ્કૂલ), શ્રી ધીરુભાઈ મહેતા (વિરાણી હાઇસ્કૂલ), શ્રી કામેશ્વરભાઈ ભટ્ટ (વિદ્યાવિહાર હાઇસ્કૂલ) વગેરે ૧. શિક્ષકોએ શાળા સંચાલક મંડળના સભ્ય તરીકે ખૂબ સુંદર સેવાઓ આપેલી હતી.
સંજોગોવસાત ૧૯૭૩ માં શ્રી કે. જે. કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટે તત્કાલિન શાળાના આચાર્યાશ્રી અને તે વખતના શિક્ષકોએ નવા બનાવેલા ઉદંય્(ચલ ચેરીટેબલ ટ્રસ્ટને સંચાલન સોપવાનું નક્કી થયું આમ ત્યાર બાદ જે તે વખતના શાળાના આચાર્યા શ્રીમતી વત્સલાબેન મહેતા અને તે વખતે શાળામાં શિક્ષક તરીકે કાર્યરત એવા શિક્ષક ભાઈ-બહેનો (૧) શ્રી ચંદ્રિકાબેન મહેતા (૨) શ્રી અનિલભાઈ માવદિયા (૩) પ્રમિલાબેન ઠાકર અને (૪) જગદીશભાઇ જોષી આમ પાંચ વ્યક્તિઓએ ઉદય+ અચલ એટલે કે ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના તા. ૩૦/૪/૭૩ ના રોજ કરી હતી. જે ટ્રસ્ટ દ્વારા આજ પર્યંત શાળાનું સંચાલન થઈ રહેલું છે.
ત્યાર બાદ શ્રીમતી વત્સલાબેન મહેતા આચાર્ય તરીકે તથા શ્રી કિશનભાઈ ડી. મહેતા કે જેઓ કોટક કન્યા વિનય મંદિરમાં શિક્ષક તરીકે કાર્યરત હતા. તેઓએ લગલગાટ આશરે ત્રીસેક વર્ષ અનુક્રમે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તથા મંત્રી તરીકે શાળાના સુચારું સંચાલન માટે સુંદર કામગીરી બજાવી હતી.
સ્વનિર્ભર શાળાઓના આક્રમણ વચ્ચે શાળા બે પાળીમાં ખૂબ સુંદર રીતે ચાલતી હતી. તે વખતની શાળામાં અભ્યાસ કરતી દીકરીઓમાં ઘણી દીકરીઓ પત્રકારત્વ ક્ષેત્રે, જજ તરીકે, પોલીસ બેડામાં તથા શિક્ષણક્ષેત્રે નમૂનેદાર કામગીરી કરી રહી છે. એક સમય એવો હતો કે કોટેચા સ્કૂલમાં ૯૫ ટકાથી નીચેના માર્કસ ધરાવતી દીકરીઓને પ્રવેશ મળતો ન હતો.
સમય બદલાતો ચાલ્યો, સ્વનિર્ભર શાળાના આક્રમણની અસર આ શાળાને પણ થઈ, ઇ.સ. ૨૦૧૦ માં શાળામાં સંખ્યામાં ખૂબ ઘટાડો નોંધાયો. શ્રીમતિ વત્સલાબેન મહેતા અને શ્રી કિશનભાઈ મહેતા ટ્રસ્ટી તરીકે નિવળત થયા અને ૨૦૧૦ માં સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાંથી દીર્ઘકાલીન શૈક્ષણિક સેવાઓમાંથી નિવળત થયેલા શ્રી ભાનુપ્રસાદ પંડયાએ જી. ટી. શેઠ વિદ્યાલયના આચાર્ય શ્રી ભાવેશભાઈ દવે સાથે શાળાનું સુકાન સંભાળ્યું. શ્રી ભાનુપ્રસાદ પંડ્યા આજ પર્યંત દરરોજ શાળામાં ઉપસ્થિત રહીને સમયનું બહુમૂલ્ય યોગદાન આપે છે. વચ્ચેના થોડા સમય માટે ટ્રસ્ટના પાયાના ટ્રસ્ટી શ્રી પી. સી. બારોટ દ્વારા શાળાને સારું માર્ગદર્શન મળ્યું. તેઓ નિવળત્ત થયા. શ્રી નિદત્તભાઈ બારોટ ઈ.સ. ૨૦૧૪ માં ટ્રસ્ટમાં જોડાયા. આ ટીમ શાળાનું સુચારું સંચાલન કરી રહી છે.
શાળાને પુનઃચેતના ૨૦૧૦ માં આવવી શરૂ થઈ અને દિકરીઓથી શાળામાં ધમધમાટ પુનઃશરૂ થયો. એક પાળીમાં જૂજ સંખ્યામાં, જૂજ વર્ગો બચ્યા હતા તે શાળા પર ઈશ્વરના આશીર્વાદ વરસ્યા શાળાએ પ્રગતિની હરણફાળ ભરી. અત્યારે શાળામાં બે પાળીમાં તથા ધો. ૯ થી ૧૨ ના દરેક ત્રણ-ત્રણ વર્ગોમાં આશરે ૭૨૫ જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે. આર્થિક રીતે નબળા અને મધ્યમ ઘરની દીકરીઓ ખૂબ સારું શિક્ષણ મેળવી રહી છે તેનું અમને ગૌરવ અને સંતોષ છે.
ટ્રસ્ટી મંડળ દ્વારા શાળામાં પ્રવેશ લેનાર તમામ દીકરીઓને દર વર્ષે આકર્ષક સ્કૂલબેગ અને ગણવેશ નિઃશુલ્ક ભેટ આપવામાં આવે છે.
શાળામાં ચાલુ વર્ષે વોકેશનલ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. હાલ ધો. ૯ માં બ્યુટી એન્ડ વેલનેશ તથા કમ્પ્યુટર ના વર્ગો શરૂ કરાયા છે.
શિક્ષણને સમર્પિત શાળા સંચાલક મંડળ તેના પારદર્શક વહીવટ દ્વારા સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યું છે. ગત વર્ષનું શાળાનું ધો.૧૦ નું પરિણામ ૮૫% અને ધો.૧૨ નું પરિણામ ૯૨ ટકા આવ્યું છે.
ગ્રાન્ટેડ શાળામાં પ્રમાણમાં ઘણા બધા વધેલા વર્ગો એ સમાજે શાળા પર મૂકેલા વિશ્વાસનું પ્રતિક છે. કદાચ ગુજરાતભરમાં ગ્રાન્ટેડ શાળામાં આટલી મોટી સંખ્યામાં વધેલા વર્ગો એ અમારો આનંદ ઉપરાંત સમાજ તરફથી અમારી જવાબદારીનો અહેસાસ કરાવે છે.
શૈક્ષણિક મૂલ્યોના જતન અને સંવર્ધન માટે સંચાલક મંડળ પ્રતિબદ્ધ છે. શાળા ખરા અર્થમાં ‘ ખારા રણમાં મીઠી વિરડી' જેવુ કરી કરી રહી છે અને કરતી રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
શાળાની પૂર્વ વિદ્યાર્થીની અને હાલમાં કથાકાર તરીકે ભારત ભરમાં ખૂબ જાણીતા દિપાલી દીદી કે જેણે અમેરિકાની હારવર્ડ યુનિવર્સિટીમાં વિશ્વના જુદા જુદા ધર્મો પર સઘન અભ્યાસ કર્યો છે અને ખ્યાતનામ કંપની માંથી CEO તરીકેની ઉજ્જવળ કારકિર્દી ત્યજીને અધ્યાત્મિક ક્ષેત્રે પ્રદાન કર્યું છે. તેના દ્વારા શાળાના લાભાર્થે ૅશ્રી કળષ્ણ કથા કરવાનું નક્કી કર્યું. પોતાની શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા તેઓ દ્વારા નિઃશુલ્ક આયોજન કરવાના વિચારને શાળા ટ્રસ્ટીમંડળે વધાવી લઈ અને આગામી તા ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના રોજ હેમુ ગઢવી હૉલ ખાતે રાત્રે ૮.૩૦ કલાક થી ૧૨ કલાક સુધી ચાલે તેનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માગતા શિક્ષણ પ્રેમીઓ માટે જાહેર આમંત્રણ છે. કોટેચા સ્કૂલમાં થી આ માટે જરૂરી ફ્રી પાસ બપોરે ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધી મેળવી શકાશે.
હાલ શાળાનું સંચાલન શ્રી ભાનુપ્રસાદ પંડ્યા, ડો નિદત્ત બારોટ, મુકેશ દોશી, ડૉ. ભાવેશભાઈ દવે, હરદેવસિંહ જાડેજા, ડો શકુંતલાબેન નેને, નીલાબેન ત્રિવેદી, જયેશભાઈ મહેતા, શ્રી સ્મિતાબેન રૂપાપરા, રાજેન્દ્રભાઈ બોરીસાગર, પ્રમોદરાય મહેતા અને કાર્યકારી આચાર્યા વિજ્ઞાબેન જોશી કરી રહ્યા છે. આ કાર્યમાં થનાર દાનનો ઉપયોગ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવામાં થશે. હાલ શાળાના મકાનમાં જરૂરી રીપેરીંગ, પુસ્તકાલય, સોલર પેનલ વગેરે ની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે.
(4:01 PM IST)










