<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ઇશ્વર સોમા આંગડિયા પેઢી સાથે ૭૨ લાખની ઠગાઇમાં રાજસ્‍થાનથી બે શખ્‍સને ઉઠાવી લેવાયા

એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે બંનેને શોધી : એ-ડિવીઝનને સોંપ્‍યાઃ સુત્રધાર પૃથ્‍વીરાજ કોઠારી ઉર્ફ ગગનસિંહની શોધખોળઃ સમગ્ર કારસ્‍તાનને અજામ આપવા ડમી નામો ધારણ કરી ડમી સીમ કાર્ડનો ઉપયોગ કરાયો હતો : ભંવરસિંહે વિશાલ નામ ધારણ કરી પપ્‍પુસિંહના કહેવાથી દિલ્‍હીની આંગડિયા પેઢી ખાતેથી ૭૨ લાખ ઉપાડી લીધા'તા

રાજકોટ તા. ૨૯:  સોની બજારમાં આવેલી ઇશ્વર સોમા આંગડીયા પેઢી સાથે ૭૨ લાખ રૂપિયાની ઠગાઇમાં એલસીબી ઝોન-૨ ટીમે રાજસ્‍થાનથી બે આરોપીઓને દબોચી લીધા છે. આ સમગ્ર કારસ્‍તાનને અંજામ આપવા ડમી નામ ધારણ કરી ડમી સીમ કાર્ડનો ઉપયોગ થયો હતો. દિલ્‍હીની આંગડિયા પેઢીની બ્રાંચથી ૭૨ લાખ લઇ જનાર અને તેને મદદ કરનાર ઝડપાઇ ગયા છે. નાણા મંગવાનાર સુત્રધાર હજુ હાથમાં આવ્‍યો નથી.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સોની બજાર દરબારગઢ ચોક ઓર્નામેન્‍ટ આર્કેડ-૧૦૫, પહેલા માળે રહેતાં મુળ મહેસાણાના બલોલ ગામના વતની અને રાજકોટ સોની બજારમાં ઇશ્વર સોમા આંગડીયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતાં મોરારભાઇ ગોરધનદાસ પટેલ (ઉ.વ.૬૭)ની ફરિયાદ પરથી પૃથ્‍વીરાજ કોઠારીયા, વિશાલ અને રમેશ મહેતા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. મોરારભાઇના શેઠ જૈમીનભાઇને તેના જાણીતા રણછોડનગરના સોનાના દાગીનાના વેપારી વિજયભાઇ જાગાણીે ફોન કરી કહેલુ કે મારી એક જાણીતી પાર્ટીનો ફોન આવ્‍યો હતો, તેમને દિલ્‍હી રૂપિયા ટ્રાન્‍સફર કરવા છે. તેમનું કામ તમે કરી આપજો અને કમિશન તથા ખર્ચો ઓછો લેજો, તેમનું કામ સંતોષકારક રીતે કરી આપજો. આ પછી જૈમીનભાઇએ  ફોન પર વાત કરતાં સામેના છેડેથી વાત કરનારે પોતાની ઓળખ પૃથ્‍વીરાજ કોઠારી તરીકે આપી ૭૨ લાખ દિલ્‍હી ખાતે મંગાવી લીધા હતાં.

વાત થયા મુજબ દિલ્‍હીથી આ રકમ તો પૃથ્‍વીરાજના માણસે હસ્‍તગત કરી લીધી હતી. પણ રાજકોટની પેઢી ખાતે વળતી આ રકમ કોઇ જમા કરાવી ગયું નહોતું. પૃથ્‍વીરાજે પોતાનો રાજકોટ સ્‍થિત માણસ રમેશ મહેતા આ રકમ ચુકવી જશે કહી ફોન નંબર દીધા હતાં. પરંતુ રમેશે હું હમણા જ આવુ છું કહી ફોન બંધ કરી દીધો હતો. આ બનાવમાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ અને ટીમની સાથે સાથે એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પણ તપાસ શરૂ કરી હતી.

તપાસને અંતે બે આરોપી ભંવરસિંહ દેવીસિંહ ચોૈહાણ (ઉ.વ.૩૪) તથા પપ્‍પુસિંહ નરીંગસિંહ ભાટી (ઉ.વ.૩૪) (રહે. બંને  દત્તાણી ગામ, રબારી કોલોની, તા. આહોર જી. જાલોર રાજસ્‍થાન)ને ટેકનીકલ સોર્સની મદદથી દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે. તપાસમાં ખુલ્‍યું છે કે પૃથ્‍વરાજ કોઠારીનુ નામ ધારણ કરનારનું અસલી નામ ગગનસિંહ છે. જ્‍યારે ઝડપાયેલા બે શખ્‍સોમાં ભંવરસિંહે  વિશાલનું નામ ધારણ કર્યુ હતું. પપ્‍પુસિંગના કહેવાથી ભંવરસિંહ ઉર્ફ વિશાલે દિલ્‍હીની પેઢીમાંથી રૂા. ૭૨ લાખનું આંગડીયુ મેળવી લીધુ હતું. સુત્રધાર ગગનસિંહ ઉર્ફ પૃથ્‍વીરાજ અને રમેશ મહેતાની શોધખોળ થઇ રહી છે. આ સમગ્ર કારસ્‍તાનને અંજામ આપવા ડમી સીમ કાર્ડ અને ડમી નામોનો ઉપયોગ થયો હતો. એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ અને ટીમ વધુ તપાસ કરે છે.

(2:56 PM IST)