<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ભીમરાવનગરથી વેલનાથમાં માવતરે રિસામણે આવેલી રવીના સોલંકીનો એસિડ પી આપઘાત

રવિનાના દિયરના સગપણની વાત તેણીની કુટુંબી બહેન સાથે ચાલતી હતીઃ પણ રવિનાના માવતરે વાંધો ઉઠાવતાં તેણીને પતિ ગોૈતમ સાથે ચડભડ થતાં રિસામણે આવી પગલુ ભર્યુઃ બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં

રાજકોટ તા. ૨૯: આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર પાસે ભીમરાવનગરમાં સાસરૂ ધરાવતી રવિનાબેન ગોૈતમ સોલંકી (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ હુડકો ચોકડી નજીક વેલનાથ સોસાયટીમાં પિતા દેવરાજભાઇ વિરજીભાઇ મકવાણાના ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર રવિનાબેનના લગ્ન બે વર્ષ પહેલા ગોૈતમ સોલંકી સાથે થયા હતાં. ગોૈતમ બકાલાનો ધંધો કરે છે. તેણી આઠેક દિવસ પહેલા પતિ સાથે ચડભડ થતાં માવતરે રિસામણે આવી ગઇ હતી. માવતર મુળ ગોંડલના સખપરના વતની છે પણ હાલ મજુરી કામ માટે રાજકોટ વેલનાથ સોસાયટીમાં મકાન રાખીને રહે છે. મૃતકના પતિ ગોૈતમ સોલંકીએ જણાવ્‍યું હતું કે મારા નાના ભાઇના સગપણની વાત રવિનાની કુટુંબી બહેન સાથે ચાલી રહી હતી. છોકરીના મા-બાપ આ સગપણ માટે રાજી પણ થઇ ગયા હતાં. પરંતુ મારા સસરા પક્ષના લોકો આ સગપણ માટે રાજી ન હોઇ આ બાબતે મારે અને રવિનાને ચડભડ થતાં તેણી માવતરે જતી રહી હતી અને બાદમાં ગઇકાલે એસિડ પી લીધુ હતું.

રવિનાને પ્રથમ ખાનગી હોસ્‍પિટલમાં બાદમાં સિવિલમાં ખસેડાઇ હતી. અહિ સવારે મૃત્‍યુ થતાં પરિવારમા ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(3:17 PM IST)