તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ઇશ્વરીયા પાર્કમાં હાલ બોટીંગ શરૂ નહિં થાય ગુજરાત મેરીટાઇમ બોર્ડે હાથ ઉંચા કરી દેતા ખડુ થયું
નવેસરથી અભિપ્રાયને દિવસો વીતી જશેઃ ત્યાંતો ઉનાળો આવી જશે...હવે કલેકટર તંત્ર જામનગર ઇન્ડીયન શીપીંગ રજીસ્ટ્રેશનને દરખાસ્ત કરી અભિપ્રાય લેશે

રાજકોટ તા. ર૯: ગુજરાત સરકારે વડોદરાની હરણી બોટ દૂર્ઘટના બાદ નવી લ્બ્ભ્ બહાર પાડી છે, આ કરૂણ ઘટનાને વર્ષ થવા આવ્યું, અને તે પહેલાનું રાજકોટ કલેકટર તંત્રના અદ્યતન પિકનિક પોઇન્ટ ઇશ્વરીયા પાર્ક ખાતે નયન રમ્ય તળાવમાં બોટીંગ બંધ છે.
આ બોટીંગ પૂનઃ શરૂ કરવા અંગે કલેકટરની સૂચના બાદ સીટી પ્રાંત-૧ દ્વારા ર થી ૩ મહિના પહેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડને દરખાસ્ત કરી અભિપ્રાય માંગ્યો હતો.
હવે મેરીટાઇમ બોર્ડે પણ તંત્રને કોણીએ ગોળ ચોટાડયો હોય તેમ ર થી ૩ મહિના બાદ જવાબ આપ્યો છે કે અમે અભિપ્રાય નહિં આપી શકીએ કારણ કે ઇશ્વરીયા પાર્કનું બોટીંગ-તળાવ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું. પરીણામે હાલ બોટીંગ અટકી પડયું છે.
દરમિયાન અધીકારી સૂત્રોના કહેવા મુજબ હવે કલેકટરની સૂચના બાદ સીટી પ્રાંત-૧ કચેરી દ્વારા જામનગર ઇન્ડીયન શીપીંગ રજીસ્ટ્રેશનને બોટીંગ શરૂ કરવા અંગે દરખાસ્ત કરી અભિપ્રાય લેવાશે, અને તેમના અભિપ્રાય બાદ નિયમો મુજબ બોટીંગ શરૂ કરાશે.
અત્રે એ નોંધનીય છે કે સંભવતઃ નવો અભિપ્રાય આવતા ર મહિના જેવો સમય વીતી જશે, અને ત્યાં તો કાળઝાળ ઉનાળો આવી જશે, તળાવમાં પાણી પણ ઓછું થવાની શકયતા રહેલી છે.
(3:28 PM IST)










