તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે...વ્યાજખોરીમાં ફસાતાં ચિઠ્ઠી લખી બાંધકામ કોન્ટ્રાકટર અલ્પેશ સાકરીયાનો આપઘાત : જુઓ વિડિઓ
રાતે પોણા નવે કુટુંબીજનોના વ્હોટ્સએપ ગ્રુપમાં વિડીયો મોકલ્યા બાદ બાલભવન સામે શોચાલય નજીક ઝેરી પાવડર પીધોઃ ભાઇએ ફોન કરતાં પોતે રેસકોર્ષ મગનલાલ આઇસ્ક્રીમ સામે છે એવો મેસેજ કર્યોઃ તુરંત સ્વજનો, મિત્રોએ ત્યાં પહોંચી હોસ્પિટલમાં ખસેડયાઃ પણ સવારે દમ તોડી દીધો :કોઠારીયાના ૩૪ વર્ષિય અલ્પેશભાઇ સાકરીયાએ બાલભવન પાસે ઝેરી પાવડર પી જીવ દીધોઃ ત્રણ ભાઇમાં વચેટ અલ્પેશભાઇએ ચિઠ્ઠીમાં લખ્યું-આ બધા જેટલા રૂપિયા માંગે છે તેને મુડી કરતાં પણ વધારે આપી દીધા છે, હવે મારી પાસે રૂપિયા નથી, મારા મર્યા પછી હશે એટલે હું જીવન ગુમાવુ છું :ચિઠ્ઠીમાં ૧૦ શખ્સોના નામઃ પોલીસ તપાસનો ધમધમાટ વિડીયોમાં કહ્યું-મારી બધી બહેનોને જય માતાજી, છેલ્લો મારો વિડીયો છે, સુખી રહેજો... જય માતાજી હો બહેનો બધી!

રાજકોટ તા. ૨૯: વ્યાજખોરીને ડામવા સરકાર દર વર્ષે ઝુંબેશ હાથ ધરે છે અને તે અંતર્ગત રાજ્યભરમાં પોલીસ લોક દરબારો યોજીને વ્યાજખોરીમાં ફસાયેલા લોકોને ન્યાય અપાવવા પ્રયાસ કરે છે. આ વચ્ચે શહેરમાં એક બાંધકામ કોન્ટ્રાક્ટર યુવાને વ્યાજખોરીમાં ફસાઇ જતાં ચિઠ્ઠી લખી રેસકોર્ષ બાલભવન નજીક જાહેર શોૈચાલય પાસે ઝેરી પાવડર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત પુર્વે યુવાને ચિઠ્ઠી લખી તેમાં લખ્યું હતું કે-કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે. ચિઠ્ઠીમાં દસ શખ્સોના નામ પણ છે. તેમજ તેણે આપઘાત પુર્વે કુટુંબી ભાઇ બહેનના વ્હોટ્સએપ ગ્રુપમાં પણ બહેનોને જય માતાજી, આ મારો છેલ્લો વિડીયો છે એવો ટુંકો વિડીયો મેસેજ પણ મુક્યો હતો. પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયામાં રહેતાં અલ્પેશભાઇ કાનજીભાઇ સાકરીયા (ઉ.વ.૩૪) નામના યુવાને રાતે પોણા નવેક વાગ્યે રેસકોર્ષ બાલભવનના ગેઇટ નજીક શોૈચાલય પાસે ઝેરી પાવડર પી લેતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં પ્ર.નગર પોલીસે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર અલ્પેશભાઇ સાકરીયા ત્રણ ભાઇમાં વચેટ હતાં અને પરિણીત હતાં. તે બાંધકામના કોન્ટ્રાક્ટ રાખી ગુજરાન ચલાવતાં હતાં. તેમના ભાઇ હાર્દિકભાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે-કેટલાક દિવસથી અલ્પેશભાઇ આર્થિક પ્રશ્નોને કારણે ટેન્શનમાં હતાં અને વ્યાજખોરીમાં પણ ફસાઇ ગયા હતાં. ધંધાના કામે તેમણે અલગ અલગ લોકો પાસેથી રકમ વ્યાજે લીધી હતી અને ચુકવી પણ દીધી હતી. આમ છતાં વધુ ઉઘરાણી થતી હતી. ગત રાતે પોણા નવેક વાગ્યે અલ્પેશભાઇએ અમારા કુટુંબી ભાઇ-બહેનોના વ્હોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો મુક્યો હતો. જેમાં તેણે ‘મિારી બધી બહેનોને જય માતાજી, છેલ્લો મારો વિડીયો છે, સુખી રહેજો...જય માતાજી હો બહેનો બધી!' એટલી ટુંકી વાત કરી હતી.
આ વિડીયો ગ્રુપમાં આવતાં બધા ચિંતામાં મુકાઇ ગયા હતાં. મેં અલ્પેશભાઇને ફોન જોડતાં તેણે ફોન કટ કર્યો હતો અને મને ગુજરાતીમાં મેસેજ મોકલ્યો હતો કે હું રેસકોર્ષ મગનલાલ આઇસ્ક્રીમની સામે છું. આ પછી હું, પરિવારજનો, અલ્પેશભાઇના મિત્રો સહિતના રેસકોર્ષ દોડી ગયા હતાં. જ્યાંથી તેને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ. પરંતુ સારવાર દરમિયાન સવારે તેમનું મૃત્યુ થયું હતું.
હાર્દિકભાઇએ વધુમાં કહ્યું હતું કે આપઘાત પુર્વે અલ્પેશભાઇએ એક સ્યુસાઇડ નોટ લખી હતી જે પોલીસે કબ્જે કરી છે. આ સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે-મારા મોતના કારણ નીચે આપ્યા છે, આ બધા વ્યાજવાળા છે, મેં બધાને મુડી કરતાં પણ વધારે રૂપિયા આપી દીધા છે, પણ હવે મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો છું, મારા મર્યા પછી રૂપિયા હશે, હું મારુ જીવન ગુમાવુ છું.
ચિઠ્ઠીમાં આગળ ૧૦ નામો લખ્યા છે. તેમાં પંકજભાઇ, યોગેશભાઇ, ખીમજીભાઇ, જોગેશભાઇ, તાહેરભાઇ, ભીખુભાઇ, પરાગભાઇ, સિધ્ધાતંસિંહ, અર્જુનસિંહ, વિપુલભાઇ જેવા નામો છે અને તેની સામે ફોન નંબર પણ લખેલા છે. આ બધા પાસેથી ૨ ટકાથી માંડી ૨૦ ટકા સુધી વ્યાજે નાણા લીધાની પણ ચિઠ્ઠીમાં નોંધ છે. ચિઠ્ઠીમાં છેલ્લે અલ્પેશભાઇએ લખ્યું છે કે-જો કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે...જય માતાજી.
પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી જે નામો છે તેમાં કોણે કેટલી રકમ આપી હતી? કોનો શું રોલ છે? તેની તપાસ હાથ ધરી છે. આપઘાતના આ બનાવથી સાકરીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(4:22 PM IST)










