તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
આ વખતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે : તે ઉપરાંત ચોમાસા ઉપર ખરાબ અસર પડવાની સંભાવના ઘણી ઓછી : રાણીંગા
આગામી સમય દરમિયાન અલ નીનો નહીં અને લા નીના પણ નહી તેવી ન્યુટ્રલ સ્થિતિ રહેવાની સંભાવના... : આ વખતે સારા ચોમાસાની અને માપસર વરસાદની આશા રહેશે : માર્ચમાં તાપમાન ૩૯ ડીગ્રીએ પહોંચશે : મે મહિનામાં પણ ગરમી વધશે

રાજકોટ, તા. ર૯ : જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગૌરવ રાણીંગાએ આગામી ઉનાળા તથા ચોમાસા અંગે આગાહીમાં જણાવ્યું છે કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે અને ચોમાસાને અસરકર્તા પરિબળો હાલ ન્યુટ્રલ રહેવાની સંભાવના વધુ હોય ચોમાસા ઉપર ખરાબ અસર પડવાની સંભાવના ઘણી ઓછી છે.
ભારતીય ચોમાસાને અસર કરનારા લાંબા ગાળાના પરિબળો પૈકી અલ નીનો અને લા નીના ની સ્થિતિ હાલના સંજોગો મુજબ ખાસ ચિંતાજનક નથી. ૨૮ જાન્યુઆરીની લેટેસ્ટ અપડેટ મુજબ પેસિફિક સમુદ્રના નિનો ૩.૪ રીજિયન નું તાપમાન નોર્મલ કરતા ૧.૩૫C જેટલું ઓછું છે જે લા નીના થ્રેશોલ્ડમાં છે મતલબ કે લા નીના ડેવલપ થઈ રહ્યો છે, નોર્મલ થી -0.5C કે તેના કરતા ઓછું તાપમાન લા નીના થ્રેશોલ્ડમાં ગણવામાં આવે છે પરંતુ આંતરરાષ્ટ્રિય વેધર સંસ્થા નોઆ ના ક્રાઇટેરિયા મુજબ વિધિવત રીતે લા નીના સ્થાપિત થવા માટે આ તાપમાન ત્રણ મહિનાના સળંગ પાંચ ઓવરલેપિંગ ગાળા માટે સતત આ રેન્જમાં રહેવું જોઈએ તો જ વિધિવત લા નીના સ્થાપિત થયાની જાહેરાત કરવામાં આવે છે.એ જ રીતે અલ નિનો માટે તાપમાન આટલા ગાળા માટે નોર્મલ કરતા 0.5C કે તેથી ચું રહે તો વિધિવત અલ નિનો સ્થાપિત થયાની જાહેરાત કરવામાં આવે છે. હાલની લેટેસ્ટ સ્થિતિ અને આગામી સમય માટે વિવિધ વેધર એજન્સીઓના ફોરકાસ્ટ મુજબ આગામી જૂન મહિના સુધી વિધિવત રીતે લા નીના સ્થાપિત નહીં થાય તે જ રીતે ચોમાસાના મહિનાઓ દરમ્યાન અલ નિનો સ્થાપિત થવાની સંભાવના પણ ઘણી ઓછી રહેલી છે. ટુંકમાં આગામી સમય દરમ્યાન લા નીના પણ નહીં અને અલ નિનો પણ નહીં તેવી ન્યુટ્રલ સ્થિતિ રહેવાની સંભાવના દેખાય રહી છે, તો આ પરિબળોના આધારે લાંબા ગાળા માટે એક આગોતરું એંધાણ જોઈએ તો આ પરિબળોની આ વર્ષે ચોમાસા ઉપર નેગેટિવ અસર થવાની સંભાવના ઘણી ઓછી, તે જોતાં આપણે એક સારા ચોમાસાની અને માપસર સારા વરસાદની આશા રાખી શકીયે.
અહી એ જાણવું જરૂરી છે કે આ સિવાય પણ બીજા ઘણા પરિબળો ચોમાસાને અસરકર્તા હોય છે જે ચોમાસા દરમ્યાન ડેવલપ થતા હોય અને તેમાં સમયે સમયે મોટા ફેરફાર થતા હોય છે તો આગળ અલ નિનો અને લા નીના સાથે આ પરિબળો ઉપર પણ નજર રાખવી જરૂરી બની રહે છે. આ આગોતરું એંધાણ અત્યારે જે તે પરિબળોની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય વેધર એજન્સીના વિવિધ ફોરકાસ્ટને આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે અને તે મુજબ ચોમાસા ઉપર થનારી અસરોમાં પણ વધઘટ થઈ શકે.
ઉનાળાની વાત કરીએ તો માર્ચ મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયા દરમ્યાન તાપમાન ઉંચકાય શકે અને માર્ચ મહિનામાં ગુજરાતમાં ૩૮-૩૯C સુધી તાપમાન જોવા મળી શકે છે. એપ્રિલ - મે મહિના દરમ્યાન તાપમાન નોર્મલ કે તેથી થોડું નીચું નોંધાય શકે જેને પરિણામે ગુજરાત વાસીઓને ઉનાળાની આકરી ગરમી સહન કરવી પડી શકે છે. (વેધર-બાય-ગૌરવ રાણીંગા).
નોંધઃ તમામ માહિતી હાલના વેધર ચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર શકય. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્યાને લેવી.
(4:17 PM IST)










