<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

માધાપરથી બેડી ચોકડી વચ્‍ચે બે ટુવ્‍હીલર અથડાતાં મોરબી રોડ પર રહેતાં યુવાનનું મોતઃ બે યુવાનને ઇજા

નિકુંજ રાતે બહારથી ઘરે જતી વખતે બત્રીસ વર્ષના યુવાનને ગંભીર ઇજા પહોંચીઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારનો એકનો એક આધાર હતોઃ સામેના વાહનના સુરેશ અને વિજયને ઇજા

રાજકોટ તા. ૩૦: શહેરના માધાપર ચોકડીથી મોરબી રોડ ચોકડી તરફના રોડ પર રાતે બે ટુવ્‍હીલર સામ સામે અથડાતાં  મોરબી રોડ પર રહેતાં ઇમિટેશનના ધંધાર્થી અને પરિવારના એકના એક આધારસ્‍તંભ યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્‍યારે સામેના વાહનમાં બેઠેલા એમપીના બે યુવાનને ઇજા પહોંચી હતી.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર મારૂતિ સોસાયટીમાં રહેતો નિકુંજભાઇ નાનજીભાઇ અકબરી (ઉ.વ.૩૨) નામનો યુવાન રાતે કામેથી બહાર નીકળ્‍યો હતો. બાદમાં ઘર તરફ હોન્‍ડા હંકારીને જતો હતો ત્‍યારે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચેના રસ્‍તે સીટી પાર્ક મોલ નજીક પહોંચ્‍યો ત્‍યારે રોંગ સાઇડમાં એક ટુવ્‍હીલર આવતાં તેના ચાલકે અકસ્‍માત સર્જતા નિકુંજભાઇ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચતાં સિવિલ હોસ્‍પિટલમાં ૧૦૮ મારફત ખસેડાયો હતો.

ત્‍યારબાદ સામેના ટુવ્‍હીલરમાં બેઠેલા બે યુવાનને પણ ૧૦૮ મારફત સિવિલમાં ખસેડાયા હતાં. આ બંનેએ પોતાના નામ સુરેશ ખેમશીભાઇ માકોઇ (ઉ.વ.૨૬) અને વિજય નીકવાલભાઇ માકોઇ (ઉ.વ.૨૫) જણાવ્‍યા હતાં. ગંભીર ઇજા પામનાર નિકુંજભાઇએ સારવારમાં દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર નિકુંજભાઇ એક બહેનથી નાનો હતો. તેના બહેન પણ હયાત નથી. તે ઇમીટેશનનું કામ કરતો હતો. સંતાનમાં એક પુત્રી છે. હાલમાં તેના માતા સત્‍સંગ મંડળ સાથે પ્રયાગરાજ તરફ ગયા હોઇ પરિવારજનોએ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બપોર સુધી સંપર્ક થઇ શક્‍યો નહોતો. નિકુંજભાઇના પિતા નાનજીભાઇ અકબરી કડીયા કામની મજૂરી કરે છે.

(3:16 PM IST)