News of Monday, 3rd February 2025
આંખો ફાટી રહી જાય તેવુ હોરર ફિલ્મ : ‘ફાટી ને?'
કોમેડી પણ એટલી જ ભરપુર : હાઇફાઇ ટેકનોલોજીનો ગુજરાતી ફિલ્મમાં સૌપ્રથમ પ્રયોગ : હવેલી અને ભુતના દ્રશ્યો ધ્રુજાવી દયે તેવા : ભુત ભગાવનાર બાબાની કોમેડી સૌને પેટ પકડીને હસાવે દયે છે : હીતુ કનોડીયા, મોના થીબા, આકાશ ઝાલા, હેમેન ત્રિવેદી, ફૈસલ હાશમીની ‘અકિલા' સાથે રસપ્રદ મુલાકાત

રાજકોટ તા. ૧ : તમારી આંખો ફાટીને ફાટી રહી જાય તેવા બિહામણા દ્રશ્યો લઇને બનેલ ફિલ્મ ‘ફાટી ને' સીનેમા ઘરોમાં રીલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહી છે.
‘અકિલા' ખાતે રસપ્રદ વિગતો વર્ણવતા ફિલ્મમાં લીડ રોલ કરતા હિતુ કનોડીયાએ જણાવ્યુ હતુ કે આ ફિલ્મમાં મારો રોલ પરમલાલનો છે. પરમ અને પદમની જોડી આ ફિલ્મમાં ખુબ જમાવટ કરે છે. મારી દ્રષ્ટીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કયારેય ન ઉપયોગ થયો હોય તેવી હાઇફાઇ ટેકનોલોજીનો ઉપયોગ આ ફિલ્મમાં થયો છે. વીએફએકસ મોશન કેપ્ચર ટેકનોલોજી સારી અસર જમાવે છે. ડોલ્બી સાઉન્ડ ઇફેકટ અને એ.આર. રહેમાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક ફિલ્મને દમદાર બનાવે છે. અમે મુંબઇ, અમદાવાદ અને રાજકોટમાં કરેલા પ્રિમિયર શો દરમિયાન જ લોકોએ ભરપૂર પ્રેમ વર્ષાવ્યો એ આ ફિલ્મની ફળશ્રુતિ છે.
મોના થીબાએ જણાવેલ કે મારો રોલ આ ફિલ્મમાં પરમલાલના પત્ની પૂજા તરીકેનો છે. આ ફિલ્મ જેટલી હોરર છે એટલી જ કોમેડી પણ છે. સાઉથ અને હિન્દી ફિલ્મોને પાછળ છોડી દયે તે રીતના દ્રશ્યો કંડારવામાં પુરી ટીમે સારી સફળતા મેળવી છે. એકંદરે પુરા પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ બની છે. ફિલ્મમાં રોમાન્સ છે. દોસ્તી છે અને ડ્રામા પણ છે.
ભૂતનો રોલ કરનાર આકાશ ઝાલા અને બાબા ભુતમારીનાનો રોલ કરતા હેમેન ત્રિવેદીએ જણાવેલ કે દર્શકોને સામાન્ય હોરર અને કોમેડી કરતા કઇક વિશેષ પીરસવાનો અમે પ્રયાસ કર્યો છે. હવેલીના દ્રશ્યો અને નાચતુ ભૂત દર્શકોને કઇક અલગ અહેસાસ કરાવે છે.
ફિલ્મના દિગ્દર્શક અને લેખક ફૈસલ હાશમીએ જણાવેલ કે આ ફિલ્મની વાર્તા કઇક જુદી જ છે. તેમા રહેલા પાત્રો દરેકને સ્પર્શી જાય તેવા છે. હ્યુમર અને થ્રીલ્સનો અનોખો સમન્વય સાધવામાં આવ્યો છે. કયારેક ડરનો ખોફ પડઘાતો જોવા મળે છે તો કયારેક આનંદની ચીચીયારીઓ સંભાળાય છે. ટુંકમાં લોકોને બધી રીતનો આનંદ આ ફિલ્મ કરાવે છે. એક દિકરીનો બાપ પોતાની દિકરીને શોધવા માટે કેવા કેવા સાહસ કરી શકે છે? તે વાત અલગ અંદાજમાં રજુ થઇ છે.
ફિલ્મનું મોટાભાગનું શુટીંગ ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં થયુ છે. ૬ માસ શુટીંગ ચાલ્યુ અને દોઢેક વર્ષ ટેકનીકલ કામગીરી ચાલી હતી. આમ પુરા બે વર્ષની મહેનતે આ ફિલ્મ તૈયાર થયુ છે.
ફેનિલ દવે લિખિત આ ફિલ્મ એસ.પી. સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત થઇ છે. નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડકશન અને ફુલપિકસલ ફિલ્મસ દ્વારા થયુ છે. જયારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રીબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લી. અને એસ.પી. સિનેકોર્પ સિનેમેટીક વેન્ચર લી. દ્વારા થયુ છે.
પદમના પાત્રમાં સ્મિત પંડયાએ પણ ખુબ સારી અસર છોડી છે. પરમ અને પદમની જોડી આખી ફિલ્મમાં છવાયેલ રહે છે. તેમ આ મુલાકાત દરમિયાન ‘ફાટી ને?' ફિલ્મની ટીમે જણાવ્યુ હતુ.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્મના કલાકારો હિતુ કનોડીયા, મોના થીબા, આકાશ ઝાલા, હેમેન ત્રિવેદી, દિગ્દર્શક ફૈસલ હાસમી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)
પંખીડાનું ગીત ઉપરાંત ત્રણેક ગીતો ખુબ લોકપ્રિય બન્યા
આ ફિલ્મમાં સિચ્યુએશન મુજબના ગીતો રજુ થયા છે. જેમાં જાવેદઅલીના સ્વરમાં પંખીડાનું ગીત ઉપરાંત એક રેપ સોંગ અને પાદરની આંબલી હેઠે એમ ત્રણેક ગીત ખુબ લોકપ્રિય બન્યા છે. ફુલ્લી ડોલ્બી સાઉન્ડ સીસ્ટમ ગીતોને જીવંત બનાવે છે.
(11:05 AM IST)










