<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ભત્રીજાના લગ્ન પ્રસંગમાં દાંડીયા રાસ રમતી વખતે નારણભાઇ ઠુમ્‍મરનું હૃદય ધબકારા ચુકી જતાં મૃત્‍યુ

હાર્ટએટેકની ચાર ઘટનામાં મહિલા સહિત ચાર લોકોના મૃત્‍યુથી પરિવારજનોમાં શોકની કાલીમા : અન્‍ય ત્રણ બનાવોમાં લક્ષ્મીવાડીના કારખાનેદાર બિપીનભાઇ સિધ્‍ધપુરા ઘરે ઢળી પડતાં, માસ્‍તર સોસાયટીના રિધ્‍ધીબેન ગગલાણી ફોન પર વાત કરતી વખતે ઢળી પડતાં અને પંચવટી સોસાયટીના હરૂભાઇ ભુરીયા બાથરૂમમાં ઢળી પડયા બાદ મૃત્‍યુ

રાજકોટ તા. ૩: હૃદય બેસી જવાથી મૃત્‍યુની ઘટનાઓ અટકતી જ નથી. રાજકોટમાં આવા ચાર બનાવમાં ચાર વ્‍યક્‍તિના મૃત્‍યુ થયા છે. જેમાં ઇમિટેશનના વેપારી બાવન વર્ષના પ્રોૈઢ પોતાના કુટુંબી ભત્રીજાના લગ્નના દાંડીયારાસ રમતી વખતે ઢળી પડતાં મૃત્‍યુ થયુ઼ હતું. બીજા બનાવમાં લક્ષ્મીવાડીમાં રહેતાં ફર્નિચરના કારખાનેદાર બાવન વર્ષના પ્રોૈઢ ઘરે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. ત્રીજા બનાવમાં માસ્‍તર સોસાયટીમાં રહેતાં એકાવન વર્ષના મહિલા સોફા પર બેઠા બેઠામાં ફોનમાં વાત કરતી વખતે એકાએક હૃદય રોગનો હુમલો આવતાં ઢળી પડતાં મોતને ભેટયા હતાં. ચોથા બનાવમાં પંચવટી સોસાયટીના પંચાવન વર્ષના સિક્‍યુરીટી ગાર્ડનું હૃદય બેસી જતાં મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કાલાવડ રોડ પર મોટા મવા ખોડિયાર માતાજીના મંદિર પાછળની સોસાયટીમાં રહેતાં નારણભાઇ પરષોત્તમભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૫૨) રાતે ટીલાળા ચોકમાં આવેલા રાજકિંગ પાર્ટી પ્‍લોટ ખાતે પોતાના ભત્રીજા વિરાજ શૈલેષભાઇ ઠુમ્‍મરના લગ્નપ્રસંગના દાંડીયા રાસમાં પરિવારજનો સાથે હાજર હતાં. રાસ ગરબા શરૂ થતાં નારણભાઇ પણ તેમાં હરખભેર સામેલ થયા હતાં. પરંતુ રાસ રમતાં રમતાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. લોધીકા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર નારણભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં નાના હતાં અને ઇમિટેશનના વેપારી હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ભત્રીજાના લગ્નમાં હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થતાં પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં પરિણમી હતી.

હાર્ટએટેકથી મૃત્‍યુના બીજા બનાવમાં લક્ષ્મીવાડી મેઇન રોડ કોઠારીયા કોલોનીમાં રહેતાં બિપીનભાઇ હિમ્‍મતભાઇ સિધ્‍ધપુરા (ઉ.વ.૫૨) રાતે દોઢેક વાગ્‍યે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક કબાટ બનાવવાનું કારખાનુ ચલાવતાં હતાં. તેઓ પરિવારના એકના એક આધારસ્‍તંભ હતાં. સંતાનમાં આઠ વર્ષનો એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

ત્રીજા બનાવમાં ભક્‍તિનગર સર્કલ પાસે માસ્‍તર સોસાયટીમાં રહેતાં રિધ્‍ધીબેન રાજેશભાઇ ગગલાણી (ઉ.વ.૫૧) સાંજે ઘરમાં સોફા પર બેસીને પડોશી સાથે ફોનમાં વાત કરતાં હતાં ત્‍યારે એકાએક પડી જતાં બેભાન થઇ ગયા હતાં. પતિ રાજેશભાઇ ફુલચંદભાઇ ગગલાણીએ તેમને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો. તેમને સંતાનમાં બે પુત્રી છે. પતિ સોની બજારમાં વેપાર કરે છે.

ચોથા બનાવમાં અમીન માર્ગ પંચવટી સોસાયટીમાં ભાડેથી રહેતાં મુળ મધ્‍યપ્રદેશના ં હરૂભાઇ ખેમાભાઇ ભુરીયા (ઉ.વ.૫૫)  મજુરી કામ કરીને ઘરે આવ્‍યા બાદ બાથરૂમમાં જતાંએકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાયા હતાં. તેમને હાર્ટએટેક આવી ગયાનું તબિબે જાહેર કર્યુ હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. માલવીયાનગરના એએસઆઇ પી. એમ. પરમાર અને કરમણભાઇએ કાર્યવાહી કરી હતી. આ બનાવોમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ભક્‍તિનગર અને માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(2:44 PM IST)