News of Monday, 3rd February 2025
રીલ્સ બનાવવાની લ્હાયમાં હવે યુવાનની જેમ યુવતિએ પણ રોડ પર ભડકા કર્યા
પેટ્રોલથી ‘૨૨' લખી આગ લગાડીઃ વિડીયો વાયરલ

રાજકોટઃ શહેરમાં યુવાઓ અને ટીનેજર્સ દ્વારા અવાર-નવાર નીતનવી રીલ્સ બનાવવામાં આવે છે. સારી રીલ બને તેની સામે વાંધો ન હોય પણ ઘણીવાર વાયરલ થવાના ચક્કરમાં આવા યુવાનો, ટીનેજર્સ કાયદાનો ભંગ કરતાં હોય છે. થોડા સમય પહેલા એક યુવાન નવા ૧૫૦ રીંગ રોડ પર પોતાના બર્થડેને દિવસે બૂલેટ રોડ વચ્ચે ઉભુ રાખી પેટ્રોલથી જન્મતારીખનો આંકડો લખી ભડકો કરી રિલ બનાવી હતી. પોલીસે તપાસ કરી તેને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. હવે આવુ જ એક યુવતિએ કર્યુ છે. રોડ પર બાઇક ઉભુ રાખી પેટ્રોલ કે જ્વલનશીલ પદાર્થથી ‘૨૨' લખી આગ લગાડી હતી. કદાચ પોતાનો બાવીસમો જન્મદિવસ તેણે આવી રીતે ઉજવ્યો હતો. કયા વિસ્તારની આ ઘટના છે તે અંગે તપાસ શરૂ થઇ છે. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.
(3:51 PM IST)










