News of Monday, 3rd February 2025
સરાજાહેર છરીના ઘા ઝીંકી દેવાની બે ઘટનામાં સંડોવાયેલા નામચીન અરબાઝ ઉર્ફ રહીશ ઝડપાયો
રણછોડનગર અને રેલનગરમાં બનેલી બંને ઘટનામાં ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી

બેફામ વાહન ચલાવવા બાબતે રણછોડનગરના પરેશ બાબીયાએ અજાણ્યા ચાલકોને ટપારતાં છરીના ઘા ઝીંકી દેવાયા હતાં: બે દિવસ બાદ દેવીપુજક યુવાનને મૈસુર ભગત ચોક નજીક વહેલી સવારે બોલાવીસ્ત્રી મિત્રના પતિ અને અરબાઝ ઉર્ફ રહીશે હીચકારો હુમલો કર્યો'તોઃ રણછોડનગરવાળી ઘટનામાં પણ આ ટોળકી સામેલ હોવાની કબુલાતઃ ત્રણ શખ્સોની શોધખોળ
રાજકોટ તા. ૩: શહેરમાં સરાજાહેર હુમલાની ઘટનાઓ વધી ગઇ છે. અમુક આવારા તત્વો ગમે ત્યારે ગમે તેના પર હુમલો કરી ભાગી જતાં હોય છે. જેને લઇને રાહદારીઓમાં અસલામતિનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચે આવી બે ઘટનામાં સંડોવાયેલા નામચીન અરબાઝ ઉર્ફ રહીશ ઉર્ફ અબુ મહમદભાઇ ભાડુલા (ઉ.વ.૨૨-રહે. ચામડીયા ખાટકીવાસ, જુનો મોરબી રોડ)ને પોપટપરા નાલા પાસેથી પુર્વ બાતમીને આધારે ઝડપી લીધો હતો. આ શખ્સે ૧૮મીએ મિત્રો સાથે નજીવી બાબતે રણછોડનગરના પટેલ યુવાન પર છરીથી હુમલો કર્યો હતો. તેના બે દિવસ બાદ મિત્રની પત્નિના બોયફ્રેન્ડને ટ્રેપ કરી મળવા બોલાવી રેલનગર મૈસુર ભગત ચોક પાસે ડમ્પર પાછળ ખેંચી જઇ છરીના ઘા ઝીંકી દીધા હતાં.
ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બી. બસીયાએ સરાજાહેર હુમલાના બનાવોમાં આરોપીઓને શોધી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એફ. ડામોરને સુચના આપી હતી. તે અંતર્ગત બંને ફરિયાદમાં સામ્ય જણાતું હોઇ રેલનગરની ઘટનાને આધાર બનાવી તપાસ કેન્દ્રીત કરી હતી. જે અંતર્ગત અરબાઝ ઉર્ફ રહીશને ઝડપી લેવા નજર દોડાવાઇ હતી. આ દરમિયાન રહીશ પોપટપરાના નાલા પાસે હોવાની બાતમી મળતાં પીઆઇ ડામોર, પીએસઆઇ જાદવ, પીએસઆઇ મોવલીયા, હેડકોન્સ. સંજય રૂપાપરા, અમિત અગ્રાવત, દિપક ચોૈહાણ, મયુર મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, રાજેશ જલુ અને કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, અશોક ડાંગર, વિશાલ દવેની ટુકડીએ રહીશને દબોચી લીધો હતો.
પ્રથમ ઘટનામાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના રણછોડનગર વિસ્તારમાં બની હતી. જેમાં અમૃતાલય એપાર્ટમેન્ટમાં રહેતાં પરેશ ચંદ્રકાંતભાઇ બાબીયા (ઉ.વ.૩૯) તા. ૧૮ના બપોરે સવા ત્રણેક વાગ્યે પોતાના સીબીઝેડ પર ઘેરથી શેરીમાં પાનની દુકાને જઇ રહ્યા હતાં ત્યારે રણછોડનગર-૧૬/૧૪ના ખુણે પિતૃકૃપા તાર એસેસરીઝના વળાંકમાં સામેથી બાઇક અને એક્સેસ ચાલકે પુરઝડપે વળાંક લેતાં અકસ્માત સર્જાતા રહી ગયો હતો. તે વખતે એક્સેસ ચાલકે વાહન સરખી રીતે ચલાવવા ટપારતાં તે અને બાઇક ચાલકે ઉતરીને બેફામ ગાળો ભાંડી પેન્ટના પાછળના ભાગેથી છરી કાઢી ગાલ પર છરી મારી દીધી હતી. તેમજ બેઠકમાં પણ ઘા ઝીંક્યો હતો. દેકારો થતાં મિત્ર મોહિત ગજેરા આવતાં બાઇક નં. જીજે૦૩એનજે-૦૧૬૫ અને એક્સેસ પર હુમલાખોરો ભાગી ગયા હતાં.
બીજી ઘટના આ બનાવના બે દિવસ બાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના મૈસુર ભગત ચોકમાં બની હતી. જેમાં ચુનારાવાડના અજય ઉર્ફ અજુ સંજયભાઇ સોલકી (ઉ.વ.૨૦)ને તેનીસ્ત્રીમિત્ર મુસ્કાને ફોન કરી તું મને મુકી જા તેમ કહી બોલાવતાં અજય પોતાની બીજીસ્ત્રી મિત્ર સપનાને લઇને ત્યાં જતાં અગાઉથી વોચ રાખીને ઉભેલા મુસ્કાનના પતિ સાહિલ વાઘેર, સાહિલના મિત્ર રહીશ ઉર્ફ અબુ ભાડુલા સહિતે છરીના ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બંને ગુનામાં સામેલ રહિશને ઝડપી લેવાયો હોઇ બી-ડિવીઝન અને ગાંધીગ્રામ પોલીસ વારાફરતી કબ્જો મેળવી કાર્યવાહી કરશે.
(4:50 PM IST)










