<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ગોવાથી રાજકોટ આવી રહેલો ૭૦ લાખનો દારૂ સ્ટેટ મોંનીટરીંગ સેલે ઝડપી લીધો

મેગીના ૨૫૦ બોક્સ પાછળ દારૂની પેટીઓ છુપાવી હતી: રાજસ્થાની ટ્રક ડ્રાઇવર પકડાયો: મોકલનાર, મંગાવનાર સહિત ત્રણની શોધખોળ

રાજકોટઃ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભિલાડ ચેકપોસ્ટ પર મુંબઈ વાપી હાઇવે પરથી રૂપિયા ૭૦,૧૦,૧૮૬નો ૧૦૪૮૭ બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવાયો છે. વલસાડના ભિલાડ પોલીસ સ્ટેશનની હદમાં આ કામગીરી કરવામાં આવી છે. જેમાં એક ટ્રક ડ્રાઇવરને ઝડપી લેવાયો છે અને મોકલનાર, મંગાવનાર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા વાપી મુંબઈ હાઇવે પર ભિલાડ ચેકપોસ્ટ પર એક ટ્રકને આંતરી લઈ તપાસ કરતાં અંદરથી રૂ.૭૧,૧૦,૧૮૬નો ૧૦૪૮૭ બોટલ દારૂ મળી આવતાં કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ટ્રકમાં મેગીના બોક્સ પાછળ છુપાવાયો હતો. મેગીના રૂ.૨૫૦૦૦ના ૨૫૦ બોક્સ પણ કબ્જે લેવાયા છે.

એસએમસીએ દારૂ, ટ્રક, મેગી, મોબાઈલ ફોન મળી રૂ.૯૧,૪૨,૭૭૬નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ ટ્રક ડ્રાઇવર સુરેશ દેરામરામ પનવર બિશ્ર્નોઈ (રહે. સાંગરવા ગામ જાલોર રાજસ્થાન)ની ધરપકડ કરી છે 

ટ્રક ડ્રાઇવરની પુછતાછ થતા તેણે જાલોરના ખારી ગામના શ્રવણ જંગુ બિશ્નોઈના કહેવાથી તેના માણસ શ્રવણે ગોવાથી આ દારૂ મોકલ્યો હતો. રાજકોટના શખ્સે આ દારૂ મંગાવ્યો હતો. એસએમસીના વડા નિરલિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કે.ટી. કામરીયાની રાહબરીમાં પીએસઆઇ એસ.વી.ગરચર, સંજયભાઈ ચાવડા, જયદેવભાઈ ગઢવી અને ટીમે આ કામગીરી કરી હતી.

(10:36 AM IST)