News of Tuesday, 4th February 2025
ચાલો કુંભમેળામાં: રાજકોટથી પ્રયાગરાજની બસ રવાના ધારાસભ્યો તથા મેયર દ્વારા લીલીઝંડીઃ ખાસ પેકેજ બસઃ યાત્રાળુઓનું પુષ્પગૂચ્છથી સ્વાગત - શુભેચ્છા

રાજકોટ, તા. ૪: શ્રદ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવા આવી છે. જે અન્વયે આજે વહેલી સવારે ૭ વાગ્યે મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો સર્વે શ્રી દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાષાોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મેયરશ્રી તથા ધારાસભ્યોએ બસમાં મુસાફરોને પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવીને યાત્રા આરામદાયક અને સફળ રહે, તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી જે. બી. કલોતરા અને વહીવટી અધિકારીશ્રી ધવલભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટ બસની સેવાઓ
રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટની મુસાફરી માટે કુલ ૬ બસ ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે ૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે ૭ કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે. એ પછીના દિવસે બપોરે ૧ કલાકે બસ પ્રયારાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે ૨ કલાકે બસ રાજકોટ પહોંચશે. પેકેજ બસના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવી છે. યાત્રિકોએ પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. બસનું વ્યક્તિદીઠ પેકેજ ભાડું રૂ. ૮,૮૦૦ છે. આ બસનું ઓનલાઈન બુકિંગ એસ.ટી. નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી કરી શકાશે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:25 PM IST)










