<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

રાજકોટ એસટી બસ પોર્ટમાં વગર વરસાદે મુસાફરોને છત્રી લઇને જવુ પડે તેવી સ્‍થિતિ : પ્‍લેટફોર્મ પ ઉપર સ્‍થિતિ ખરાબ

પ્‍લેટફોર્મ પ અને ૧પ માં છતનાં પોપડા ઉખડી ગયાઃ બાકોરા પડી ગયાઃ ભારે દેકારો ત્રણ-ત્રણ ડોલ મુકવી પડીઃ મંત્રીઓ-ધારાસભ્‍યો કયાં છે?: એસટી મુસાફર હિત રક્ષક સમીતીએ તપાસ માંગીઃ લેખીતમાં ફરીયાદ

રાજકોટ, તા., ૪:  ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, એસ.પી. રાજા, જીગ્નેશભાઈ પાટડીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલાની યાદી જણાવે છે કે વર્ષ ૨૦૨૦ માં બનાવેલ રાજકોટ ના ઢેબર રોડ પરનું એસ.ટી બસ પોર્ટ એ રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ અને એમવીઓમની શાયોના બીઆઈપીએલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીપીપી યોજના હેઠળ અધ્‍યતન એરપોર્ટ એ માત્ર કોમર્શિયલ પ્રોજેક્‍ટ બનીને રહી ગયો. ૧૭૫ કરોડના ખર્ચે બનેલ આ બસ સ્‍ટેશન થાળી ભાંગીને વાટકો કર્યું. પૂર્વ મુખ્‍યમંત્રી રાજકોટના જ વિજયભાઈ રૂપાણી દ્વારા અધ્‍યતન બસ પોર્ટ ૨૦૨૦ માં જ્‍યારે ખુલ્લું મુકાયું ત્‍યારે કોન્‍ટ્રાક્‍ટ એજન્‍સી અને ભાજપના નેતાઓએ સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટ વાસીઓને હથેળીમાં ચાંદ બતાવી રાજકોટ એસ.ટી બસ પોર્ટને એરપોર્ટ જેવું બનાવવાની જાહેરાત કરી હતી. રીબીન કાપવા અને નવી વોલ્‍વો બસોના ઉદઘાટન સમયે દેખાતા મંત્રીઓ અને ધારાસભ્‍યો એસ.ટી બસ સ્‍ટેશનમાં પછી ફરકતા જ નથી. જે પગલે એસટીમાં ચાલતા કહેવાતા બેફામ ભ્રષ્ટાચારો અને મુસાફરોને પડતી હાલાકી બેકાબૂ બની છે.

સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટમાં કે જ્‍યાં રોજ ૧૫૦૦ થી વધુ બસોની અવર જવર રહે છે અને હજારો મુસાફરો જ્‍યારે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર આવતા હોય ત્‍યારે ફક્‍ત ચારેક વર્ષમાં આ એસ.ટી બસ પોર્ટ મેઇન્‍ટેનન્‍સના અભાવે કફોડી હાલત થઈ ગઈ છે અને વ્‍યવસ્‍થા પણ ભાંગીને ભૂકકો થઈ છે. એસ.ટી બસ પોર્ટ એ ચોર, લુંટારા, પોકેટમાર, ગઠીયાઓ, અસામાજિક તત્‍વો અને આવારા ગુંડા તત્‍વોનું આશ્રય સ્‍થાન બન્‍યું છે. એસ.ટી બસ પોર્ટ ની પોલીસ ચોકી એ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. પોલીસોની ગુટલી અસામાજિકો માટે મોકળું મેદાન બની છે. એસ.ટી બસ પોર્ટ માં વગર વરસાદે મુસાફરોને છત્રી લઈને આવવું પડે તેવી સ્‍થિતિ ઊભી થઈ છે બે થી ત્રણ જગ્‍યાએ મુસાફરોની બેઠક વ્‍યવસ્‍થા પર છતમાંથી પાણી ટપકતું જોવા મળે છે. ચોમાસા દરમિયાન વરસાદ માં ઓન ધ રોડ ખખડધજ અને ભંગાર ચાલતી એસ.ટી બસોમાં છત્રી લઈને બેસવું પડે જ્‍યારે વગર વરસાદે એસ.ટી બસ પોર્ટ માં છત્રી લઈ આવવી પડે તેવી સ્‍થિતિ છે. પ્‍લેટફોર્મ નંબર ૫ પર બેથી ત્રણ જગ્‍યાએ બસ પોર્ટ ની છતમાંથી પાણી ટપકતું હોવાને પગલે નીચે પાણીની ત્રણેક ડોલો મૂકવી પડી છે આ પરિસ્‍થિતિ છેલ્લા ત્રણેક દિવસથી હોવાને પગલે અધિકારીઓને ફરિયાદ કરવા છતાં ફરિયાદનું નિરાકરણ ન થતાં લેખીતમાં ફરીયાદ કરવામાં આવી છે. પ્‍લેટફોર્મ નંબર પ અને ૧પ માંથી છતમાંથી પોપડા ઉખડીને બહાર આવી ગયા છે. બાકોરા પડી ગયા છે. તંત્ર તાકીદે યોગ્‍ય કરે તે જરૂરી છે.

 

(2:27 PM IST)