News of Tuesday, 4th February 2025
મોરબી રોડ પર કલેકટરનું ફરી બુલડોઝર ધમધમ્યુ ૪૦ કરોડની જમીન ખુલ્લીઃ એક એકર જમીન ખુલ્લી કરાઇ
પ્રભવ જોષીની સુચના બાદ મામલતદાર ચાવડા-સર્કલ સત્યમ શેરસીયા અને ટીમો ત્રાટકી :સાડીનું વિશાળ કારખાનું, ૮ ઓરડીઓ-ચા-પાનની દુકાનો-નર્સરી બધુ તોડી પડાયું...

રાજકોટ તા. ૪ :.. મોરબી રોડ ઉપર કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે ફરી એક વખત બુલડોઝર ધણધણાયું હતું, અને ૪૦ કરોડની એક એકર જમીન ખાલી કરાવી હતી, હવે ફેન્સીંગ કરી લેવા સુચના અપાઇ છે.
રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉ૫ર ગ્રીનલેન્ડ ચોકડી થી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ મોરબી હાઇવે ઉ૫ર આવેલ રેવન્યુ સર્વે નં. ૭૫ પૈકીની સરકારી ખરાબાની જમીન ચો.મી. ૪૦૪૭ એટલે કે એક એકર જેટલી જમીન ઉ૫ર છેલ્લા કેટલાંક સમયથી ગેરકાયદેસર દબાણો થઇ ગયેલા. આ પછી રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અધિકારી ચાંદનીબેન ૫રમાર ના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા આજરોજ સરકારી ૫ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, ૪ ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના ૪ રૂમો, નર્સરી વિગેરે ઉપર બુલડોઝર ફેરવી દઇ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી.
સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત ચાલુમાં રહેશે તેવું મામલતદારની યાદીમાં જણાવવામાં આવેલ છે. હાઇ-વે ઉ૫ર કરવામાં આવેલ આ દબાણો દૂર કરવાની કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં તથા કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જીઇબીની ટીમોએ કનેકશનો કાપી નાખ્યા હતા, પોલીસનો સજ્જડ બંદોબસ્ત હોય કોઇ ઘટના બની ન હતી.
આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસર સત્યમ શેરસીયા, તલાટી ધારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ સ્ટાફ જોડાયો હતો. અને કામગીરી સફળતાપૂર્વક પાક કર્યા બાદ મામલતદારશ્રી ચાવડાએ કલેકટરને રીપોર્ટ કરી દિધો છે.
(2:59 PM IST)










