News of Tuesday, 4th February 2025
સિવીલ સુપ્રિટેન્ડન્ટની પોતાની ખાનગી હોસ્પીટલ ધમધમી રહી છેઃ કલેકટર તાકિદે પગલા ભરે
હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનઃ સસ્પેન્ડ કરવા માંગણી

રાજકોટ, તા. ૪: શહેરના હાથસે હાથ જોડો કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ કુંડલીયા અને અન્ય આગેવાનોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉમેર્યુ હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી દ્વારા જ સરકારી નિયમનો ભંગ કરીને પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. જો સિવિલ હોસ્પિટલના કોઇ પણ ડોકટર્સ માંથી ખાનગી હોસ્પિટલ ચલાવતા હોય અને તેમના પકડાયા પછી તેનું લાયસન્સ રદ કરવામાં આવે અને તેને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ત્યારે હાલ રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડટની પોતાની જ ખાનગી હોસ્પિટલ રાજકોટના પોઝ વિસ્તારમાં ધમધમી રહી છે જયાં સિવિલ અધ્યક્ષ મોનાલીબેન પણ કાર્યરત હોય છે તો શું આ વાત રાજકોટ આરોગ્ય વિભાગને જાણ નથી ? કે પછી બધી જાણ હોવા છતાં આ બધું છાવરવામાં આવતું હોય એવું જણાઇ રહયું છે. આવેદનમાં વધુમાં ઉમેર્યુ છે કે, સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને યેનકેન પ્રકારે અધ્યક્ષની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે અને ત્યાં ચાર્જ ચુકવીને તેમની યોગ્ય સારવાર ખુદ મોનાલીબેન માંકડિયા દ્વારા જ કરવામાં આવે છે તો શું આ સારવાર તેઓ રાજકોટની સરકારી હોસ્પિટલમાં નથી કરી શકતા ? અને ભાજપ સરકારને આ વાતની જાણ હોય કે તેઓ ખાનગી હોસ્પિટલ ધરાવે છે છતાં તેમની નિમણુક સિવિલ સુપ્રિટેન્ડટ તરીકે કરવામાં આવી હોય તો સરકાર દ્વારા આમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહયો હોય તેવું લાગી રહયું છે, સરકારી હોસ્પિટલના સામાન્ય ડોકટર્સ પોતાની ખાનગી હોસ્પિટલ ન ધરાવી શકે. આ બાબતે આપશ્રીએ તાત્કાલીક યોગ્ય પગલા લેવા જોઇએ અને કોઇપણ જાતના પક્ષપાત વગર ન્યાયિક ધોરણે સુપ્રિટેન્ડટને સસ્પેન્ડ કરવા જોઇએ. તેમ માંગણી આવેદનમાં રાજકોટ કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિએ કરી છે.
(3:00 PM IST)










