<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

જિલ્લા પંચાયતના બજેટને આચારસંહિતાના કારણે બ્રેકઃ ર૦મી પછી કારોબારીમાં: માર્ચમાં સામાન્‍ય સભા

 

રાજકોટ તા. ૪ :.. જિલ્લા પંચાયતમાં લગભગ દર વર્ષે ફેબ્રુઆરીમાં કારોબારી સમિતિમાં અને ફેબ્રુઆરી અંત કે માર્ચ પ્રારંભે સામાન્‍ય સભામાં રજુ થતુ બજેટ આ વખતે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી અને રેગ્‍યુલર જિલ્લા વિકાસ અધિકારીની ગેરહાજરીના કારણે થોડુ મોડુ શરૂ થશે. હિસાબી શાખામાં બજેટની પ્રારંભિક ગતિવિધી શરૂ થઇ ગઇ છે. પણ બજેટ તા. ર૦ ફેબ્રુઆરી પછી કારોબારી સમિતિમાં રજૂ થશે.

રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકા પંચાયતની બે બેઠકોની, જેતપુર તાલુકા પંચાયતની બે બેઠકોની જેતપુરની એક ગોંડલની એક બેઠકની તા. ૧૬ ફેબ્રુઆરીએ પેટાચૂંટણી છે. તા. ૧૮ મીએ પરિણામ જાહેર થશે. તા. ર૦ મી સુધી આચારસંહિતા છે. તેથી તા. ર૦ મી પછી કારોબારી બેઠક મળશે. પંચાયતની પ્રણાલિકા મુજબ બજેટ પહેલા કારોબારીમાં અને ત્‍યારપછી સામાન્‍ય સભામાં રજૂ થાય છે. ફેબ્રુઆરી અંતમાં કારોબારી બેઠક મળે અને માર્ચના પ્રથમ પખવાડિયામાં સામાન્‍ય સભા મળે તેવા સંજોગો છે. નવા ડી. ડી. ઓ. આનંદુ સુરેશ ગોવિંદ ટૂ઼ક સમયમાં ચાર્જ સંભાળે તેવી શકયતા છે. હાલ વહીવટી તંત્ર બજેટ રજૂ કરતા પૂર્વની પ્રાથમિક તૈયારી કરી રહ્યું છે. આચારસંહિતા પૂર્ણ થયા બાદ બજેટને વિધિવત રીતે આખરી ઓપ આપવામાં આવશે. આવતા જાન્‍યુઆરીમાં પંચાયતની સામાન્‍ય ચૂંટણી આવી રહી છે. વર્તમાન ચૂંટાયેલી પાંખ માટે ર૦રપ-ર૦ર૬ ના વર્ષનું બજેટ કાર્યકાળનું અંતિમ બજેટ બની રહે તેવા સંજોગો છે.

(3:38 PM IST)