News of Tuesday, 4th February 2025
પટેલવાડી પાસે ઇમીટેશનના વેપારી કિશોરભાઇનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા : કારણ અકળ

રાજકોટ, તા. ૪ : ભાવનગર રોડ પર પટેલ વાડીની બાજુમાં આવેલી જી.કે.જેમ્સ નામની જ્વેલરીની દુકાન ધરાવતા પટેલ પ્રૌઢે દુકાને જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ સામાકાંઠે રણછોડનગર સોસાયટી શેરી નં-૦૨માં રહેતા કિશોરભાઈ મેઘજીભાઈ લુણાગરિયા (ઉ.વ.૬૧) નામના પ્રૌઢ સવારે ભાવનગર રોડ પર પટેલ વાડીની બાજુમાં આવેલી જી.કે.જેમ્સ નામની જ્વેલરી શોપ ઉપર હતા ત્યારે ઝેરી દવા પી લેતા આસપાસના દુકાન દારો ભેગા થઇ ગયા હતા અને પરિવારજનોને જાણ કરતા પુત્ર સહિતના દુકાને દોડી આવી પ્રૌઢને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલએ ખસેડાયા હતા. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રૌઢે કયાં કારણોસર પગલું ભર્યું એ ભાનમાં આવ્યા બાદ જાણી શકાશે. પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:44 PM IST)










