News of Tuesday, 4th February 2025
શિવ-મીરાબાઇ ટાઉનશીપ વચ્ચે સ્પીડ બ્રેકરના અભાવે વારંવાર અકસ્માત
કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગ હવે તો આળસ ખંખેરે....મવડીના પાળ-કણકોટ રોડ વચ્ચે રહેતા અસંખ્ય લતાવાસીઓ હેરાનઃ સ્ટ્રીટલાઇટના અભાવે રાત્રીના બહાર નીકળવુ મુશ્કેલ :આ રોડ ઉપર વેન ચાલકે એક છાત્રાને હડફેટે લીધી હતી. પરંતુ સદનશીબે તેનો બચાવ થયો હતો.

રાજકોટ તા. ૪: રાજકોટ શહેરના મવડીના પાળ અને કણકોટ રોડ વચ્ચે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મીરાબાઇ ટાઉનશીપ અને શિવ ટાઉન શીપ વચ્ચે આવેલા રસ્તામાં સ્પીડબ્રેકર ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે અહી સ્પીડબ્રેકર બનાવવા માટે કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગમાં ઘણા સમયથી અરજી કરી છે પરંતુ કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી.
આ રોડ ઉપર દરરોજ અકસ્માત થાય છે અહી બે દિવસ પહેલા એક વાન ચાલકે બેફામ ગાડી ચલાવીને એક છાત્રાને હડફેટે લીધી હતી. સદનસીબે તેનો બચાવ થયો હતો જો કે વાન ચાલક નાશી છુટયો હતો.
આ રસ્તા ઉપર સતત વાહનોની અવરજવર રહે છે પરંતુ તંત્ર દ્વારા આ મુદ્દે હજુ સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા નથી.
આ રોડ ઉપર સ્ટ્રીટલાઇટની પણ તાતી જરૂરીયાત છે પરંતુ તે મંજુર થઇ ગઇ હોવા છતાં કોઇ કામગીરી આગળ વધતી નથી. જેથી રાત્રીના અવરજવરમાં મુશ્કેલી પડે છે.
આ વિસ્તારના રહીશો મ્યુ. કોર્પોરેશનમાં નિયમિત રીતે વેરો ભરતા હોવા છતાં સ્ટ્રીટ લાઇટની પાયાની સુવિધા હજુ સુધી નહીં મળતા હજારો લોકોમાં નારાજગી ફેલાય છે.
આ મુદ્દે કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલીક યોગ્ય કરે તેવી માંગ મીરાબાઇ ટાઉનશીપના પ્રમુખ સહદેવસિંહ જેઠવા અને લતાવાસીઓ કરી રહ્યા છે. (૯.ર૩)
(3:49 PM IST)










