News of Wednesday, 5th February 2025
મા ખોડલનો પ્રાગટય દિવસઃ શ્રી ખોડલધામ મંદિરે ધામધૂમથી શ્રી ખોડિયાર જયંતીની ઉજવણી . : જુઓ વિડિયો
મા ખોડલને ચાંદીના બાઉલમાં ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવાયો, ધ્વજારોહણ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા મંદિર પરિસરમાં વિશાળ અલૌકિક રંગોળી બનાવાઈ

રાજકોટઃ આજરોજ મહાસુદ આઠમ એટલે કે શ્રી ખોડિયાર જયંતી. આજે શ્રી ખોડિયાર જયંતીએ મા ખોડલના પ્રાગટય દિવસની રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે સૌ ભક્તોને શ્રી ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.મા ખોડલને વિશિષ્ટ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રી વિમલભાઈ પાદરીયા દ્વારા ચાંદીના બાઉલમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સાથે જ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં મા ખોડલના ્પ્રાગટય દિવસની શુભકામના પાઠવતી અલૌકિક વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર દિવસ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી શકે તે માટે પરિસરમાં રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઇ રહયાનું યાદીમાં જણાવાયું છે.
(3:06 PM IST)










