News of Wednesday, 5th February 2025
સરિતા વિહાર પુલ પાસે એપાર્ટમેન્ટની ઓરડીમાં અમર ઉર્ફે અરૂણનો આપઘાત
ટાંકો છલકાતા ફલેટ ધારક મોટરબંધ કરવા માટે બોલાવવા જતા નેપાળી યુવાન લટકતો જોવા મળ્યો

રાજકોટ તા. ૫: યુનિવર્સિટી રોડ પર સરીતા વિહારના પુલની સામે આવેલા અર્ચન એપાર્ટમેન્ટમાં ઓરડીમાં રહેતા નેપાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મળતી વિગત મુજબ અર્ચન એપાર્ટમેન્ટ માં ગ્રાઉન્ડ ફલોરની ઓરડીમાં રહેતો નેપાળી યુવાન અમર ઉર્ફે અરૂણ પ્રેમજીભાઇ પરિવાર (ઉ.વ. ૨૫) એ ઓરડીમાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. એપાર્ટમેન્ટમાં પાણીનો ટાંકો છલકાતો હોઇ ફલેટધારક મોટરબંધ કરવા માટે અમરને કહેવા માટે નીચે આવતા અમરને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી ઇ.એમ.ટી. નરેશભાઇએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ ડી.આર.રત્નુ સહિતે સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસની તપાસમાં મૃતક અમર ઉર્ફે અરૂણની માતાના મૃત્યુ બાદ ને માનસીક બીમાર પિતા અને દાદી સાથે રહેતો હતો. તે એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતો હતો. પિતા અને દાદીની ચીંતામાં તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(2:21 PM IST)










