News of Wednesday, 5th February 2025
ઇડીના નામે કાસ્ટીંગના વેપારી પ્રવિણભાઇ ઉંધાડને ડરાવી ડિજીટલ એરેસ્ટ કરી ૫.૩૫ લાખની ઠગાઇ
તમારા નામના સિમકાર્ડથી ગેરકાયદે નાણાકીય વ્યવહારો થયા છે, એક શખ્સને અમે પકડયો છે, તમારા આર્થિક વ્યવહારની ચકાસણી કરવી પડશે, તમને ડિજીટલ એરેસ્ટ કરવામાં આવે છે, કોઇ સાથે કંઇ બોલવાનું નથી રૂમમાં એકલા બેસી રહેવાનું છે કહી ડરાવ્યા :ગઠીયાએ મુંબઇ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરના નામે વ્હોટ્સએપ કોલ કર્યો ત્યારે વેપારી કારખાને હતાં: ત્યાંથી ફોન ચાલુ રાખી ઘરે આવ્યા, ચેકબૂક લઇ બેંકમાં જઇ નાણા ટ્રાન્સફર કર્યા, પછી ઘરમાં લોક થઇ અડધો કલાક બેસી રહ્યાઃ છેલ્લે મહિલાએ વાત કરી કહ્યું-તમે આમાં સામેલ નથી, તમને ડિજીટલ એરેસ્ટમાંથી મુક્ત કરીએ છીએ, તમારી રકમ પાછી મળી જશેઃ બાદમાં મિત્ર ઘરે આવતાં તેણે જેમાંથી કોલ આવેલો તેને ફોન જોડતાં સ્વીચ ઓફ આવ્યોઃ અંતે ઠગાઇની જાણ થઇ :સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પ્રદ્યુમનપાર્કમાં રહેતાં પ્રવિણભાઇ ઉંધાડની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પીઆઇ આર. જી. પઢીયારે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૫: ડિજીટલ એરેસ્ટ નામની કોઇ કાર્યવાહી જ અસ્તિત્વમાં નથી, આવા ફ્રોડથી લોકોને બચવા પોલીસ સતત જાગૃત કરી રહી છે. આમ છતાં લોકો છેતરાઇ રહ્યા છે. વધુ એક વખત ડિજીટલ એરેસ્ટની ઘટના બની છે. જેમાં શહેરના સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર રહેતાં કાસ્ટીંગના વેપારીને ઇડીના નામે ફોન કરી તમારા સિમકાર્ડનો ખોટો ઉપયોગ કરી ગેરકાયદે નાણાકીય વ્યવહાર થયા છે, એક શખ્સને અમે પકડયો છે. તમને ડિજીટલ એરેસ્ટ કરવામાં આવે છે, તમારે કોઇ સાથે વાત કરવાની નથી કહી તમારા ખાતાની રકમનું વેરીફિકેશન કરવું પડશે તેમ કહી રૂપિયા ૫,૩૫,૦૦૦ મંગાવી લઇ બાદમાં એક મહિલાએ વાત કરી અમે પકડેલા શખ્સના બેંકીંગ વ્યવહાર સાથે તમારે લેવા દેવા નથી, તમને તમારી રકમ પરત મળી જશે તેમ કહી ફોન કરનારે ફોન સ્વીચઓફ કરી દીધો હતો.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પ્રદ્યુમન પાર્ક-૪માં રહેતાં પ્રવિણભાઇ ધીરજભાઇ ઉંધાડ (ઉ.વ.૪૭) નામના વેપારીની ફરિયાદ પરથી અજાણ્યા બેંક ખાતાના ધારકો અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે. પ્રવિણભાઇ પરિવાર સાથે રહે છે અને કાસ્ટીંગની ભઠ્ઠી ચલાવે છે. તેનું કારખાનુ જીઆઇડીસીમાં આવેલુ છે. પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે હું મોબાઇલ ફોનમાં વ્હોટ્સએપનો ઉપયોગ કરુ છું. ગત ૨૯/૧/૨૫ના સવારે પોણા દસેક વાગ્યે હું મારા કારખાને હતો ત્યારે ત્યારે મને વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને તેમાં ફોન કરનારે પોતાની ઓળખ ‘એરેસ્ટીંગ ઓફિસર નિરજ કુમાર, આસી. ડાયરેક્ટર, ડાયરેક્ટોરેટ એન્ફોર્સમેન્ટ મુંબઇ' તરીકે ઓળખ આપી હતી. તેમજ મને કહેલું કે તમારા નામે સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિએ તમારા નામે કેનેરા બેંકમાં ખાતુ ખોલાવી ગરેકાયદેસર નાણાકીય વહિવટો કર્યા છે અને અમે તેને પકડયો છે. તે હાલમાં અમારી કસ્ટડીમાં છે. જેથી તમારા બેંક ખાતાની ચકાસણી કરવાની છે.
આ પછી એ વ્યક્તિનો ફોટો મને મોકલ્યો હતો. મેં ફોટો જોઇને કહેલુ કે હું આ શખ્સને ઓળખતો નથી, કોઇએ મારા નામનું સિમકાર્ડ કઢાવેલ ન હોઇ, હું ઓનલાઇન નાણાકીય વ્યવહાર પણ કરતો નથી. આ પછી ફોન કરનારે મને કાયદાકીય બાબતને ડરાવી મારા વ્હોટ્સએપમાં મારા નામનું ડિજીટલ એરેસ્ટ વોરન્ટ મોકલી કહેલુ કે તમને એરેસ્ટ કરવામાં આવેલ છે. મેં વોરન્ટ જોતાં તેમાં સહી સિક્કા પણ કરેલા હતાં. ફોન કરનારે મને કાયદાકીય રીતે ડરાવેલ હોઇ જેથી હું ડરી ગયો હતો.
ત્યારબાદ એ વ્યક્તિએ મને મારા ખાતામાં રહેલી રકમ આટીજીએસથી તેણે આપેલા બેંક એકાઉન્ટમાં વેરીફીકેશન માટે કોશ્તી અજયકુમાર અને ઓઢવ બ્રાંચ અમદાવાદના નામે આરટીજીએસથી ટ્રાન્સફર કરવા કહ્યું હતું. આ શખ્સે બાદમાં મને ફોન સતત ચાલુ રાખવા અને બીજા કોઇને વાત નહિ કરવા ધમકાવ્યો હતો. જેથી હું મારા કારખાનેથી નીકળીને મારા ઘરે પહોંચ્યો હતો. તેમજ ઘરમાંથી ચેકબૂક લઇ ડરને કારણે ઘરમાં પણ કોઇને વાત કર્યા વગર હું નજીકના રાજનગર ચોકમાં આવેલી એસબીઆઇ બેંક ખાતે ગયો હતો અને માર એકાઉન્ટમાંથી સામેવાળાએ આપેલા એકાઉન્ટ નંબરમાં રૂા. ૫,૩૫,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતાં.
આ પછી પણ એ શખ્સે મને ફોન સતત ચાલુ રાખવાનું કહી ઘરે પહોંચી એક રૂમમાં એકલા બેસી રહેવાનું અને કોઇની પણ સાથે વાત નહિ કરવાનું કહી ધમકી આપતાં મેં તેના કહેવા મુજબ કર્યુ હતું. અડધો કલાક પછી આ શખ્સે એક મહિલા સાથે મારી વાત કરાવી હતી. એ મહિલાએ કહેલુ કે તમારુ બેંક એકાઉન્ટ વેરીફિકેશન થઇ ગયું છે, અમારી કસ્ટડીમાં રહેલી વ્યક્તિ સાથે તમારે કોઇપણ પ્રકારની લેતીદેતી નથી. જેથી તમને ડિજીટલ એરેસ્ટમાંથી મુક્ત કરીએ છીએ. અડધો કલાકમાં જ તમારુ પેમેન્ટ તમારા એકાઉન્ટમાં પરત આવી જશે. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.બાદમાં સાંજે પોણા ચારેક વાગ્યે મારો મિત્ર સંજયભાઇ નારણભાઇ કોરાટ મારા ઘરેઅ ાવ્યો ત્યારે મેં તેને બધી વાત કરતાં તેણે સામેના વ્યક્તિના નંબર પર ફોન કરતાંતે સ્વીચ ઓફ આવતો હોઇ મારી સાથે ઠગાઇ થયાની ખબર પડતાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦માં ફોન કરી બાદમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં પ્રવિણભાઇએ કહેતાં પીઆઇ આર. જી. પઢીયારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:22 PM IST)










