<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગઢકામાં નવી બાંધકામની સાઇટ પર વિજકરંટથી બજરંગવાડીના પ્‍લમ્‍બર સંજયભાઇ રજવાડીયાનું મોત

બે દિવસ પહેલા જ કામ રાખ્‍યું હતું: બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૫: શહેરના ભાવનગર રોડ પર ગઢકાના પાટીયે નવી બની રહેલી બાંધકામની સાઇટ પર પ્‍લમ્‍બીંગ કામ કરતી વખતે વિજકરટ લાગતાં પ્‍લમ્‍બર યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ ઉપર બજરંગ વાડી શેરી નં-૧૩માં રહેતા સંજયભાઈ સવજીભાઈ રજવાડીયા (ઉ.વ.૪૦) નામના યુવાન સવારે ભાવનગર રોડ ઉપર ગઢકા ગામના પાટિયા પાસે આર.કે. નામની નવી બનતી બાંધકામની સાઈટ પર પ્‍લમ્‍બિંગ કામ કરતા હતા ત્‍યારે વિજળીના પ્‍લગમાં પીન ભરાવવા જતાં જોરદાર કરંટ  લાગતાં તે બેભાન થઇ ઢળી પડતાં બીજા કર્મચારીઓ એકઠા થઇ ગયા હતાં અને તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્‍યા હતાં.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર સંજયભાઇ ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી નાના હતા અને સંતાનમાં બે દીકરા છે. તેમણે બે દિવસ પહેલા જ અહિ પ્‍લમ્‍બીંગ કામ રાખ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:02 PM IST)