News of Wednesday, 5th February 2025
સામાકાંઠાના વિવિધ વિસ્તારનાં પ્રશ્નો તાકિદે પૂર્ણ કરોઃ મેયરની કડક સુચના
ઇસ્ટ ઝોનના સંકલનના પ્રશ્નો, પ્રગતિ હેઠળના કામોના રીવ્યુ અંગે મિટીંગ નયનાબેન પેઢડીયા, લીલુબેન જાદવ તથા મનિષ રાડીયાની ઉપસ્થિતિમાં યોજાઇ

રાજકોટ તા. પઃ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત ગઈકાલે તા.૦૪/૦૨/૨૦૨૫, મંગળવારના ઇસ્ટ ઝોનમાં આવેલ વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬,૧૮ કુલ-૬ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં મિટીંગ હોલ, શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન, પૂર્વ ઝોન, ભાવનગર રોડ ખાતે મિટીંગ યોજાઈ.
આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, રસિલાબેન સાકરીયા, પરેશભાઈ આર. પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, નરેન્દ્રભાઈ ડવ, રૂચીતાબેન જોશી, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, સહાયક કમિશનર સમીર ધડૂક, સિટી એન્જીનીયર પરેશ અઢીયા, ભાવેશ જીવાણી, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડ્યા, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર વિરલ ચાવડા, વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬,૧૮ના વોર્ડ એન્જીનીયર, રોશની વિભાગના ડેપ્યુટી એન્જીનીયર, ટી.પી. શાખાના એ.ટી.પી., વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ગાર્ડન સુપરવાઈઝર, ગાર્ડન આસી. વગેરે ઉપસ્થિત રહેલ હતા.
(3:11 PM IST)










