News of Wednesday, 5th February 2025
ઓલ ઇન્ડિયા કેમીસ્ટ એસો. દ્વારા રેકર્ડ બ્રેક રકતદાનઃ ગીનીસ બુકમાં સ્થાનઃ સંગઠનને પ૦ વર્ષ પૂર્ણ
સમગ્ર દેશમાં સાડાબાર લાખ સભ્યો ધરાવતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.એસ. શીંદેના ૭પ માં જન્મદિવસે પ્રેરણાદાયી કાર્યઃ ર૪ કલાકમાં ૮૦૩૦૬ શપથપત્રો પ્રાપ્ત કરીને ૬૦ હજારથી વધુ સભ્યોએ બ્લડ ડોનેટ કર્યું: એકઠું થયેલું બ્લડ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, કુપોષિત બાળકો વિગેરે માટે ઉપયોગમાં લેવાશેઃ રાજકોટ કેમીસ્ટ એસો.ના સભ્યોએ પણ ઉત્સાહપુર્વક ભાગ લીધો.

રાજકોટ, તા. પ : સમગ્ર દેશમાં બાર લાખ ચાલીસ હજાર જેટલા દવાના વેપારીઓ (રીટેલર્સ અને હોલસેલર્સ) ની માતુસંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ((AIOCD) દ્વારા યોજાયેલ દેશવ્યાપી બ્લડ ડોનેશન કેમ્પમાં રેકર્ડ બ્રેક રકતદાન કરવામાં આવ્યું હતું અને (AIOCD ને ગીનીસ બુક (ગીનીસ વર્લ્ડ રેકોડર્સ) માં સ્થાન મળ્યું છે. સંગઠનની સુવર્ણજયંતિ પણ ઉજવાઇ રહી છે.
સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. એસ. શીંદેના ૭પ મા જન્મદિન નિમિતે ભારતના તમામ રાજયના સ્થાનિક કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન્સ દ્વારા રકતદાન સંદર્ભે આ પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ર૯ જાન્યુઆરી, ર૦રપ ના રોજ ર૪ કલાક દરમ્યાન રકતદાન સંદર્ભે સૌથી વધુ ૮૦૩૦૬ શપથપત્રો ભરાયા હતા અને ૬૦ હજારથી વધુ સભ્યોએ બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાન કર્યુ હતું. એકઠું થયેલ બ્લડ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ, વંચિત ગર્ભવતી મહિલાઓ, કૃપોષિત બાળકો વિગેરે માટે ઉપયોગમાં લેવામાં આવશે તેવું ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. એસ. શીંદે તથા મહાસચિવ રાજીવ સિંધલે યાદીમાં જણાવ્યું છે. બારસોથી પણ વધુ સભ્યો ધરાવતા રાજકોટ કેમીસ્ટ એસોસીએશનના સભ્યોએ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહ પુર્વક રકતદાન કર્યુ હતું અને સંગઠનની એકતાની અનુભૂતિ કરાવી હતી. રાજકોટ કેમીસ્ટ એસોસીએશન દ્વારા યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઓલ ઇન્ડિયા કેમીસ્ટ એસો. (AIOCD)ના ઉપપ્રમુખ અને કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા, ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનના સહમંત્રી અને કેમીસ્ટ એસો. રાજકોટના ઉપપ્રમુખ શ્રી અનિમેષભાઇ દેસાઇ, કેમીસ્ટ એસો. રાજકોટના મંત્રીશ્રી બાબુલાલ ભુવા સહિતના હોદેદારો-સભ્યોએ ઉત્સાહ પુર્વક યોગદાન આપ્યું હતું
(3:14 PM IST)










